અમદાવાદ: ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં ખોટા લેબલ હેઠળ 'એટોમિડેટ' નામની દવાનું ગેરકાયદેસર નિકાસ કરતા એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં સુરતના કતારગામ વિસ્તારના નિકુંજ ગઢિયા નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય બે આરોપીઓ ચેતન વરદિયા અને ભૌતિક પદમાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ શખ્સો ભારતમાં સરળતાથી મળતી આ એનેસ્થેટિક દવાની મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં તસ્કરી કરી રહ્યા હતા, જ્યાં આ પદાર્થ પ્રતિબંધિત અથવા અત્યંત નિયંત્રિત છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપીઓ અલગ-અલગ ફાર્મા કંપનીઓ ચલાવીને ભારતમાંથી આ પદાર્થ મેળવતા હતા અને મુંબઈ એરપોર્ટ પરથી એર કાર્ગો દ્વારા વિદેશ મોકલતા હતા. ધરપકડ કરાયેલ નિકુંજ ગઢિયાએ કબૂલ્યું છે કે તેણે એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવીને આશરે 50 કિલોગ્રામ જેટલી દવા મલેશિયા મોકલી હતી. અન્ય આરોપીઓએ પણ એલોવેરા કાર્બોમર અને ગીનોપોલ-24 પાવડર જેવા ખોટા નામો હેઠળ મોટી માત્રામાં આ પાવડરની નિકાસ કરી હોવાની શંકા છે. મુંબઈ કસ્ટમ્સ અને કુરિયર કંપનીની મદદથી શંકાસ્પદ પાર્સલની તપાસ કરતા તેમાંથી એટોમિડેટ પાવડર મળી આવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં આ પદાર્થની કિંમત પ્રતિ કિલોગ્રામ 4,000 થી 5,000 યુએસ ડોલર હોવાનું અંદાજવામાં આવ્યું છે. આરોપીઓ મલેશિયન ડ્રગ કાર્ટેલના સભ્ય સાથે સીધા સંપર્કમાં હતા અને આ દવાઓનો ઉપયોગ વિદેશમાં સ્પેસ ઓઈલ નામના નશાકારક મિશ્રણમાં કરવામાં આવે છે. નોંધપાત્ર છે કે એટોમિડેટ ભારતના નાર્કોટિક્સ એક્ટ હેઠળ આવતી નથી, પરંતુ સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડ જેવા દેશોમાં તે ગંભીર નશાકારક પદાર્થોની શ્રેણીમાં આવે છે.
ATS એ આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. એટીએસના સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ કે. સિદ્ધાર્થે જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસ દ્વારા આ પ્રકારની દવાની તસ્કરી સામે લેવાયેલું આ પ્રથમ પગલું છે. હાલમાં આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સાથીદારો અને આંતરરાજ્ય કનેક્શન શોધવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તપાસના આગળના તબક્કે DRI અને કસ્ટમ્સ જેવી એજન્સીઓને પણ સામેલ કરવામાં આવશે.