અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને સુરતનાએરપોર્ટ પરથી દાણચોરીની મોટા પ્રમાણમાં ઘટના સામે આવી રહી છે. 9 ફેબ્રુઆરી, 2026ના રોજ અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે દુબઈથી આવેલા એક શખ્સ પાસેથી કુલ 96 લાખ રૂપિયાનું સોનું ઝડપ્યું હતું. આ શખ્સે દાણચોરી માટે ચાલાકીપૂર્વક તેની ચડ્ડીમાં 45 લાખની કિંમતનું સોનું પેસ્ટ સ્વરૂપે છુપાવ્યું હતું. જે બાદ 19 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ કસ્ટમ્સના AIU અધિકારીઓએ પ્રોફાઇલિંગના આધારે ભારતીય પાસપોર્ટ ધરાવતા શાહરૂખ નામના શખ્સની બાતમીના આધારે પૂછપરછ કરી હતી. તેણે પોતાના શરીરમાં સોનાની કેપ્સ્યૂલ્સ છુપાવી હોવાની કબૂલાત કરી હતી.
અમદાવાદ સહિત રાજ્યના એરપોર્ટ પરથી માત્ર સોનું જ નહીં નશીલા પદાર્થો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓની દાણચોરીમાં અગ્રેસર બન્યા છે. કસ્ટમ્સની સતર્કતાને કારણે પકડાયેલા જથ્થાએ તપાસકર્તાઓને એક ચોંકાવનારા તારણ પર પહોંચાડ્યા છે. જે મુજબ ઓછામાં ઓછા સાત રાજ્યોની સંગઠિત સિન્ડિકેટ્સ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટઅને સુરત એરપોર્ટનો ઉપયોગ પ્રતિબંધિત વસ્તુઓ લાવવા માટે કરી રહી છે. તેઓ આ એરપોર્ટ્સને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ માટે પ્રમાણમાં 'સોફ્ટ એન્ટ્રી પોઈન્ટ' ગણી રહ્યા છે.
7 રાજ્યોની સિન્ડિકેટ સક્રિય
સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, હરિયાણા અને પંજાબ સ્થિત નેટવર્ક્સ દેશમાં ગેરકાયદેસર સામાન લાવવા માટે આ બંને એરપોર્ટનો સક્રિયપણે ઉપયોગ કરી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ વર્ષમાં બંને એરપોર્ટ પર પકડાયેલા દરેક કેરિયરના ટ્રાવેલ હિસ્ટ્રી, પાસપોર્ટ ડેટા, ટિકિટ બુકિંગ, ક્રેડિટ કાર્ડ વપરાશ અને બેંક ટ્રાન્ઝેક્શનના વિગતવાર વિશ્લેષણ પછી આ પેટર્ન સામે આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર નશીલા પદાર્થો ઝડપાવાનું વધ્યું પ્રમાણ
આ આંકડાઓ વધતી જતી ગંભીરતા દર્શાવે છે. માત્ર અમદાવાદ એરપોર્ટ પર જ 2024માં પાંચ કેરિયર્સ પાસેથી 33 કિલો નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. આ આંકડો 2025માં વધીને 21 કેરિયર્સ પાસેથી 110 કિલો પર પહોંચ્યો હતો. જાન્યુઆરી 2026ના પ્રથમ દસ દિવસમાં જ અધિકારીઓએ આઠ કેરિયર્સ પાસેથી 26 કિલો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સોનાની દાણચોરી પણ વધી
સોનાની દાણચોરી પણ મોટા પ્રમાણમાં ઝડપાઈ હતી. વર્ષ 2024-25 દરમિયાન, ગુજરાતભરના એરપોર્ટ પર કસ્ટમ્સ અધિકારીઓએ આશરે 70 કરોડ રૂપિયાની કિંમતનું 135 કિલો સ્મગલિંગનું સોનું જપ્ત કર્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ વર્ષમાં સોના અને ડ્રગ્સની દાણચોરીના કિસ્સાઓમાં થયેલો વધારો અત્યંત ચિંતાજનક છે. તેથી આ સિન્ડિકેટ્સ પાછળ કાર્યરત નેટવર્ક્સનું સતત મોનિટરિંગ શરૂ કર્યું છે.
તપાસમાં જાણવા મળ્યા મુજબ દાણચોરીના પ્રકાર મુજબ અલગ-અલગ વિસ્તારોના લોકો સંકળાયેલા છે. જેમાં નશીલા પદાર્થોમાં ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના તાંડા ગામના કેરિયર્સ વારંવાર સામે આવ્યા છે, આ ઉપરાંત લુધિયાણા, જલંધર, પાણીપત અને રોહતકના વ્યક્તિઓ પણ પકડાયા છે. જ્યારે
સોનાની દાણચોરીમાં મુંબઈ અને દિલ્હી ઉપરાંત કેરળના કન્નુર અને કર્ણાટકના ભટકલના કેરિયર્સ વારંવાર ટ્રેસ કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવીકે મોબાઈલ ફોન, લેપટોપ, આઈપેડ અને મોંઘી ઘડિયાળોની દાણચોરીમાં મોટે ભાગે દિલ્હી, મુંબઈ અને પંજાબના કેરિયર્સ સામેલ હોય છે.
અમદાવાદ એરપોર્ટ બન્યું સ્મગલિંગ હબ
અમદાવાદ શહેરનું સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સોનાની દાણચોરી માટે સ્મગલરોની પ્રથમ પસંદ હોય તેમ લાગે છે. જોકે છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે રૂપિયા 199 કરોડનું ગોલ્ડ સીઝ કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કસ્ટમ વિભાગ દ્વારા હાલ એક નવી ટ્રીક અજમાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વારંવાર દુબઈ કે બીજા દેશોમાંથી આવતા-જતા લોકો અને અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાં મુસાફરો પર નજર રાખવામાં આવી છે. જેના કારણે સોનાની તસ્કરી કરતાં લોકો પકડાઈ રહ્યા છે.
વર્ષ 2025ના આંકડા મુજબ, પાછલા બે વર્ષની સરખામણીમાં ગત વર્ષે પકડાયેલા સોનાનું પ્રમાણ થોડું ઓછું રહ્યું છે. કસ્ટમ્સ વિભાગના ડેટા મુજબ, વર્ષ 2024માં વિભાગે 126.5 કિલો સોનું જપ્ત કર્યું હતું, જેની સરખામણીમાં 2025માં 53.6 કિલો સોનું પકડાયું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 199 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.