Fri Apr 17 2026

Logo

ગુજરાતના ભરતી કેલેન્ડર મુજબ 10 વર્ષમાં બે લાખ નવી સરકારી ભરતીઓ કરાશે...

1 month ago
Author: Chandrakant Kanoja
Article Image

ઈશ્વરસિંહ પટેલ


ગાંધીનગર : ગુજરાત વિધાનસભમાં સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા કરતાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે રોજગારીના ક્ષેત્રે પારદર્શિતા લાવવા માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર (2024-33) અમલમાં મૂક્યું છે. જે અંતર્ગત વિવિધ વિભાગોની 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાનું આયોજન છે. વહીવટી પ્રક્રિયાઓને વધુ આધુનિક બનાવવા માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરવામાં આવી છે. આ સમિતિએ અત્યાર સુધીમાં 6  મહત્ત્વના અહેવાલો રજૂ કર્યા છે.

કર્મયોગીઓને કેશલેસ તબીબી સારવારની જોગવાઈ

રાજ્યના કર્મયોગીના કલ્યાણની વાત કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર સતત સરકારી કર્મચારીઓના સ્વાસ્થ્ય માટે ચિંતિત છે. પરિણામે, મે-2025 થી 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 6.5 લાખ કર્મયોગીઓને રૂ.10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારની જોગવાઈ કરવામાં આવી છે.

સ્પીપાના માધ્યમથી UPSC તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો 

તેમણે કહ્યું કે વર્ષ 2026 -27 ના બજેટમાં રાજ્યના સર્વાંગી વિકાસના તમામ પાસાઓને આવરી લેવાની સાથે સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને GYAN એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યના યુવાનો રાષ્ટ્રીયસ્તરે પોતાનું કૌવત બતાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા 'સ્પીપા' (SPIPA) ના માધ્યમથી UPSC તાલીમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતેના પ્રાદેશિક કેન્દ્રોમાં હાલ 635 ઉમેદવારો તાલીમ લઈ રહ્યા છે.

કુલ 348 ઉમેદવારો UPSCમાં સફળ

ઉલ્લેખનીય છે કે, વર્ષ-1992 થી અત્યાર સુધીમાં કુલ 348 ઉમેદવારો UPSCમાં સફળ થયા છે. આ વર્ષે ઉત્તીર્ણ થનારા સૌથી વધુ ૩૫ ઉમેદવારોમાં નિસાર દિશાંત અમૃતલાલે સમગ્ર ભારતમાં 19 મો ક્રમ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.