વધુ બે એફઆઈઆર નોંધાયા: એક મહિલાનું જાતીય શોષણ તો બીજા વેપારી સાથે છેતરપિંડી
નાશિક: મહિલાઓનું જાતીય શોષણ કરવાના ચક્કરમાં લૉકઅપભેગા થયેલા નાશિકના ‘ગૉડમૅન’ અશોક ખરાતનું પોત હજુ વધુ પ્રકાશ્યું હોવાનું કહેવાય છે. આ કેસની તપાસ કરનારી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ને ખરાત વિરુદ્ધ ફોન પર 100થી વધુ ફરિયાદો મળી છે. પોલીસે શુક્રવારે ખરાત વિરુદ્ધ વધુ બે એફઆઈઆર નોંધ્યા હતા, જેમાંથી એક મહિલા સાથે જાતીય શોષણ કરાયું હતું તો બીજા વેપારીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો.
નાશિકના સરકારવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ બે ગુના સાથે અત્યાર સુધીમાં ખરાત વિરુદ્ધ નોંધાયેલા એફઆઈઆરની સંખ્યા 10 પર પહોંચી હતી. 10માંથી આઠ એફઆઈઆર તો માત્ર મહિલાઓ સાથે કુકર્મની છે, જ્યારે બે છેતરપિંડી સંબંધી હોવાનું પોલીસે જણાવ્યું હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી રાજ્યના અનેક જાણીતા રાજકારણીઓ જેને મળવા જતા એ સ્વઘોષિત જ્યોતિષી અશોક ખરાતની પોલીસે 18 માર્ચે ધરપકડ કરી હતી. પોતાની જાળમાં સપડાવ્યા પછી છેલ્લાં ત્રણ વર્ષથી જાતીય શોષણ કરવાની મહિલાની ફરિયાદ બાદ ખરાતની ધરપકડ કરાઈ હતી.
શુક્રવારે વધુ એક મહિલાની ફરિયાદને આધારે પોલીસે એફઆઈઆર નોંધ્યો હતો. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો પરિવાર સખત નાણાભીડમાં હતો અને પતિ સાથે તેના સંબંધો બગડ્યા હતા. આ અંગે મહિલા માર્ગદર્શન મેળવવા ખરાત પાસે ગઈ હતી. ખરાતે મહિલાને કહ્યું હતું કે સમસ્યાનું નિરાકરણ કરવું હોય તો તે જે કહે એ કરવું પડશે. પછી વિવિધ કારણો જણાવી માર્ચ, 2022થી 2024 દરમિયાન ખરાતે મહિલાનું જાતીય શોષણ કર્યું હતું.
શુક્રવારે જ નેવાસાના કાપડના વેપારી રાજેન્દ્ર ભાગવતની ફરિયાદને આધારે પોલીસે ખરાત વિરુદ્ધ બીજો એફઆઈઆર નોંધ્યો હતો. વ્યવસાય યોગ્ય રીતે ચાલે તે માટે ભાગવત એક સગાની સલાહથી ખરાતને મળ્યો હતો. ખરાતે વેપારી પાસેથી સોનાની વીંટી અને અમુક રત્નો લીધા હતા અને સામે તેની વીંટી અને રત્ન આપીને તે પહેરવા કહ્યું હતું. ભાગવતની ફરિયાદ અનુસાર આ સામે તેને 2.62 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જોકે બાદમાં ખરાતે આપેલી વીંટી અને રત્ન નકલી હોવાનું જણાયું હતું.
દરમિયાન ખારત વિરુદ્ધ કોઈને ફરિયાદ કરવી હોય તો એસઆઈટી દ્વારા બે ફોન નંબર જાહેર કરવામાં આવ્યા હતા. આ નંબરો પર છેલ્લા પાંચ દિવસમાં 100થી વધુ ફરિયાદ આવી હતી, જેમાં મોટા ભાગે મહિલાઓએ ફરિયાદ કરી હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. જોકે લેખિત ફરિયાદ કરવા ભાગ્યે જ કોઈ તૈયાર થતું હોવાથી પોલીસ કાર્યવાહી સીમિત થઈ જાય છે. દરમિયાન ખરાત હવાલા કૌભાંડ સાથે પણ સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
(પીટીઆઈ)