Fri Apr 17 2026

Logo

ભાજપને ભરપેટ ગાળો આપનારા રાજુ કરપડા અંતે ભાજપમાં જ જોડાઈ ગયા

1 week ago
Author: Mumbaisamachar Team
Article Image

ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માહોલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટી છોડનારા અને ભાજપને ભરપેટ ગાળો આપનારા રાજુ કરપડા અંતે ભાજપમાં જોડાઈ ગયા છે. કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. અનિરુદ્ધ દવેએ તેમને કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર્યા હતા.

 આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા નેતા રાજુ કરપડાનો એક જૂનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વંટોળની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ જોરશોરથી કહેતા સંભળાય છે કે, સૂરજ ઉગમણાને બદલે આથમણો ઊગે ત્યારે જ રાજુ કરપડા ભાજપમાં જાય! અત્યારે જ્યારે તેઓ એ જ પક્ષમાં જોડાયા છે, ત્યારે નેતાઓની નૈતિકતા અને સિદ્ધાંતો પર જનતા સવાલો ઉઠાવી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો શેર કરીને રાજકારણીઓની કથની અને કરણી વચ્ચેના તફાવત પર ભારે ટીપ્પણીઓ અને રમુજ કરી રહ્યા છે.

કોણ છે રાજુ કરપડા

રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.

2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ હતા.

2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

રાજુ કરપડા પર કેસ અને વિવાદો

ચૂંટણીપંચ સમક્ષ તેમણે 2022માં દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની સામેના ત્રણ ફોજદારી કેસો નોંધાયેલા છે. બે કેસ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આ ઉપરાંત બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઈઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હતું.