Fri Apr 17 2026

Logo

બંગલોમાં છુપાવવામાં આવેલો શસ્ત્રોનો જથ્થો જપ્ત: બિલ્ડર અને ઇન્ફ્લ્યુએન્ઝરની ધરપકડ

2 weeks ago
Author: Yogesh D. Patel
Article Image

થાણે: થાણે જિલ્લાના ડોંબિવલીમાં બંગલોમાં છુપાવવામાં આવેલો હથિયારોનો જથ્થો જપ્ત કરીને પોલીસે પંચાવન વર્ષના બિલ્ડર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્ઝરની ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.આરોપીની ઓળખ સુરેન્દ્ર પાંડુરંગ પાટીલ તરીકે થઇ હોઇ ઇન્સ્ટાગ્રામ પર તેના ત્રણ લાખથી વધુ ફોલોઅર્સ છે. અન્ય કેસમાં અઠવાડિયા પહેલા જામીન પર મુક્ત થયેલા સુરેન્દ્ર પાટીલની શનિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી હતી.

મળેલી માહિતીને આધારે પોલીસ ટીમે ડોંબિવલીના દાવડી વિસ્તારમાં આવેલા બંગલોમાં શનિવારે રાતે તપાસ આદરી હતી અને ત્યાંથી હથિયારોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે નવા તૈયાર કરાયેલા શૂ રૅકના નકલી પેનલ પાછળ છુપાવવામાં આવ્યો હતો.પાંચ દેશી બનાવટની પિસ્તોલ અને રિવોલ્વર (જેમાં અમુક પર મેડ ઇન યુએસએ લખ્યું હતું), બે ઍર ગન સહિત 371 કારતૂસ, 167 ઍર ગન પેલેટ્સ, તલવાર, બટન ચાકુ, તીક્ષ્ણ હથિયાર અને બે સ્ટીલના સળિયા જપ્ત કરવામાં આવ્યાં હતાં, જેની કિંમત 10 લાખ થાય છે.

હથિયારની માત્રા સૂચવે છે કે તે સંપૂર્ણપણે કાર્યરત હતા, જ્યારે સુરેન્દ્ર પાટીલે દાવો કયો હતો કે આ હથિયારો તેના ગેન્ગસ્ટર-થીમ આધારિત સોશિયલ મીડિયા વીડિયો માટે હતા. અમે તપાસ કરી રહ્યા છે કે શું પાટીલ નાની સેના તૈયાર કરી રહ્યો હતો કે પછી શસ્ત્રો સ્થાનિક ગુનેગારોને સપ્લાય કરી રહ્યો હતો. હિસ્ટ્રી-શીટર પાટીલ વિરુદ્ધ હવે આર્મ્સ એક્ટ અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. (પીટીઆઇ)