સિદ્ધાર્થ છાયા
શાહરુખને ખસવું પડ્યું... રણવીર માટે!
આજે આદિત્ય ધરની મચ અવેઈટેડ ‘ધુરંધર ધ રિવેન્જ’ રિલીઝ થઇ ગઈ છે. આમ તો ગઈકાલે સાંજથી જ એનાં પેડ પ્રિવ્યુ ચાલુ થઇ ગયા હતા (જે પૈસા ખર્ચીને મેં પણ જોયો!) પહેલો ભાગ ઓલરેડી ‘કલ્ટ’ની કક્ષાએ પહોંચી ગયો છે એટલે આ બીજો ભાગ જોવા લોકો ખિસ્સાં ખાલી કરવામાં જરાય આનાકાની નથી કરી રહ્યાં. પહેલા ભાગે જ્યારે ગતિ પકડી ત્યારે તેનાં મોડી રાતનાં અને વહેલી સવારના શો ગોઠવાયાં હતાં.
જોકે આ વખતે તો સિનેમા અને મલ્ટિપ્લેક્સ માલિકોને ખબર જ છે કે લોકોમાં આ બીજો ભાગ જોવા માટે કેટલો ક્રેઝ છે એટલે પહેલાં દિવસથી જ મોડી રાત્રી એટલે કે રાતનાં એક કે બે વાગ્યાના શો અને વહેલી સવારે છ વાગ્યાના શો ગોઠવી દેવામાં આવ્યાં છે. ઉપરાંત ફિલ્મની લંબાઈ ચાર કલાકની હોવાથી પણ આમ કરવું જરૂરી બન્યું છે.
આ તો થઇ મૂળ વાત, પણ એક આડવાત એવી બની છે જે કદાચ આ મૂળ વાતને ઢાંકી દે. મુંબઈનાં ઐતિહાસિક મરાઠા મંદિરમાં વર્ષોથી શાહરૂખ ખાનની ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ નો સવારે સાડા અગિયારનો શો ચાલે છે, પરંતુ ‘ધુરંધર’ના આ બીજા ભાગની ‘રાડ’ એટલી બધી છે કે આ થિયેટરનાં મેનેજમેન્ટે શાહરૂખની ફિલ્મને દોઢ કલાક આગળ ખસેડવી પડી છે. હવે ‘ડીડીએલજે’ મરાઠા મંદિરમાં સવારે દસ વાગ્યે શરૂ થશે, જેથી ચાર કલાક લાંબી ‘ધુરંધર ભાગ 2’નાં વધુને વધુ શો કરી શકાય...!
આજનો છોકરો (રણવીર) ગઈ કાલના અનુભવી (શાહરુખ)ને ખસેડે એ પણ એક ઐતિહાસિક ઘટના કહી શકાય... હેં ને?!
ભાઈજાનને પોતાની ફિલ્મનું નામ કેમ બદલવું પડ્યું?
હમણા એક બપોરે અચાનક સમાચાર આવ્યા કે સલમાન ખાનની નેક્સ્ટ ‘ધ બેટલ ઓફ ગલવાન’નું નામ બદલીને ‘માતૃભૂમિ’ કરી નાખવામાં આવ્યું છે. ઘણાંને આ સમાચાર વાંચી-જાણી-સાંભળીને આશ્ર્ચર્ય થયું હતું, પરંતુ તેનું સાચું કારણ હવે જાણવા મળ્યું છે.
જ્યારે પણ કોઈ ઐતિહાસિક યુદ્ધ કે યુદ્ધ જેવી ઘટના પર ફિલ્મ બને તો તેની સ્ક્રિપ્ટ. વગેરે સરકારનાં અમુક ખાતાંઓમાં દેખાડવી પડતી હોય છે. એટલું જ નહીં, સરકારનાં જે-તે ખાતાં જે કોઈ નિર્દેશ આપે એ મુજબ ફિલ્મ મેકરોએ તેમાં ફેરફાર પણ લાવવાં પડે છે.
સૂત્રોનું માનીએ તો ફિલ્મનું નામ બદલવા પાછળ સરકારનાં જ કોઈ ખાતાંનું સૂચન જવાબદાર છે. સરકારનાં માનવા પ્રમાણેફિલ્મમાં ગલવાનનું નામ જરા વધુ પડતું જ સજેસ્ટીવ છે, એટલેકે એમ ચોખ્ખે ચોખ્ખું ન કહી દેવાય કે આ ફિલ્મનો વિષય શું છે. બીજું, સરકારી ખાતાંએ એવી પણ સૂચના આપી હોવાનું જણવા મળ્યું છે કે વાર્તા ભલે ચીની સૈનિકોનાં દુસ્સાહસ સામે ભારતીય સૈનિકોની વીરતા બાબતની હોય, પણ ચીનને ઉતારી પાડતી કોઈ વાત અથવા તો વધુ પડતું ‘એન્ટી ચીન’ ક્ધટેન્ટ પણ ન હોવું જોઈએ.
બસ, આ કારણસર ભાઈજાને ને પોતાની ફિલ્મનું નામ બદલવું પડ્યું છે. જોકે એમને વાંધો ન હોવો જોઈએ, કારણ કે ઓરિજિનલપ્લાન અનુસાર આ ફિલ્મ તો આજે આવવાની હતી, પણ ‘ધુરંધર’ સામે ભાઈજાને પણ બહાદૂરી’થી પીછેહઠ કરવી પડી છે...
ગોરા સાહેબોનો ધર્મેન્દ્રને અન્યાય!
થોડાં દિવસો પહેલાં વિશ્વવિખ્યાત ઓસ્કર એવોર્ડ્સ યોજાઈ ગયા. કાયમની જેમ મીડિયા અને સોશ્યલ મીડિયામાં તેનાં વિષે ખૂબ ચર્ચા થઇ, પરંતુ ખરેખર કહીએ તો બોલિવૂડ થોડું ગુસ્સામાં પણ છે. કારણ એવું છે કે દર વખતે ઓસ્કર્સમાં ગત એવોર્ડ સમારંભ અને તાજા સમારંભ વચ્ચે જે-જે મોટાં અદાકારોનાં અવસાન થયાં છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, પછી તે કોઈ પણ દેશનાં હોય.
પરંતુ, આ વખતે યોજાયેલાં સમારંભમાં ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવામાં ન આવી. ચાલો, ધર્મેન્દ્રને આ પ્રકારનો અન્યાય થાય તો હેમા માલિનીને દુ:ખ થાય એ સમજી શકાય છે, અને તેમણે જાહેરમાં પોતાનું દુ:ખ વ્યક્ત પણ કર્યું, પરંતુ, વરિષ્ઠ અદાકાર શત્રુઘ્ન સિન્હાએ પણ આ બાબતે પોતાનું દુ:ખ, અને રોષ વ્યક્ત કર્યો હતો. એવું લાગે છે કે હજી પણ ‘ગોરા સાહેબો’ આપણને અને આપણા ફિલ્મ ઉદ્યોગને રંગભેદની નજરે જ જુએ છે.
કેમ? ઓસ્કર્સનાં એક જવાબદાર અધિકારી રોબ મિલ્સે ધર્મેન્દ્રને અવગણવાનું કારણ આપ્યું તેનાંથી તો એવું જ લાગે છે. મિલ્સને જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતીય ફિલ્મ ઈતિહાસનાં મહાન અને સહુથી લોકપ્રિય કલાકાર ધર્મેન્દ્રને સમારંભ દરમ્યાન કેમ શ્રદ્ધાંજલિ ન આપવામાં આવી? તો રોબ મિલ્સે જવાબ આપતાં કહ્યું, એ તો ‘અમુક લોકો’ કાયમ રહી જ જતાં હોય છે,
(એમાં શું ખાટું મોળું થઇ ગયું?)
મિલ્સનાં આવા તોછડા અને ઉડાઉ જવાબથી એમ નથી લાગતું કે આવાં ઓસ્કર્સ પાછળ આપણે ખોટા ગાંડા થઈએ છીએ?
(નોંધ: હેમાજીની નારાજગી અને ‘ખામોશ’ શત્રુજીના ઊહાપાહ પછી ‘ઓસ્કર્સ’ ની વેબસાઈટ પર ધર્મેન્દ્રજી અને મનોજ કુમારને શ્રદ્ધાંજલિ ઉમેરવામાં આવી છે ખરી !)
કટ એન્ડ ઓકે...
ગેસ સિલિન્ડરની અછત અમારાં ઘરને પણ અસર કરી ગઈ છે. ટિવંકલ દોડીને બે ઇન્ડક્શન સ્ટવ લઇ આવી છે!
-અક્ષય કુમાર