Fri Apr 17 2026

Logo

દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઇમામને કોર્ટે 10 દિવસના જામીન આપ્યા...

1 month ago
Author: Chandrakant Kanoja
Article Image

PTI


નવી દિલ્હી : દિલ્હી રમખાણોના આરોપી શરજીલ ઇમામને કોર્ટે રાહત આપી છે. કોર્ટે તેના ભાઈના લગ્નમાં હાજરી આપવા અને બીમાર માતાની સંભાળ રાખવા માટે 10 દિવસના જામીન મંજૂર કર્યા છે. આ જામીન કડકડડૂમા કોર્ટે આપ્યા છે. શરજીલ ઇમામ પર નાગરિકતા સુધારા કાયદા (CAA)ના વિરોધ દરમિયાન  ભડકાઉ ભાષણો આપીને  2020ના દિલ્હી રમખાણોને  ઉશ્કેરવાનો આરોપ છે. 

20 માર્ચથી 30 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા

કોર્ટે શરજીલને 20 માર્ચથી 30 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. શરજીલ ઇમામે કોર્ટમાં અરજી દાખલ કરીને 10 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા.  તેમના વકીલોએ દલીલ કરી હતી કે તેમના ભાઈના લગ્ન ટૂંક સમયમાં થઈ રહ્યા છે. જેના કારણે પરિવાર સાથે તેમની હાજરી જરૂરી છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમની માતાની તબિયત ખૂબ જ ખરાબ હતી અને તેમની સંભાળ રાખવા માટે કોઈ નહોતું. આ સંજોગો અને કૌટુંબિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને  કોર્ટે માનવતાવાદી ધોરણે શરજીલ ઇમામને રાહત આપી અને તેમને 10 દિવસના જામીન આપ્યા છે. 

દિલ્હીમાં હિંસા અને આગચંપી દરમિયાન 53  લોકો માર્યા ગયા

ઉલ્લેખનીય છે કે, વર્ષ  2020  માં નાગરિકતા સુધારા કાયદા અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી હતી. આ  હિંસા અને આગચંપી દરમિયાન 53  લોકો માર્યા ગયા હતા. જ્યારે  પ્રદર્શનકારીઓએ કેન્દ્ર સરકારના નિર્ણયો - રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને નાગરિકતા સુધારા કાયદા (CAA)વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જોકે, દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા.

શરજીલ ઇમામે શાહીન બાગમાં વિરોધ પ્રદર્શન આયોજિત કર્યું

CAA અને NRC વિરુદ્ધ સૌથી લાંબો સમય ચાલતા ધરણા વિરોધ પ્રદર્શન JNU વિદ્યાર્થી શરજીલ ઇમામે  શાહીન બાગમાં આયોજિત કર્યું હતું. જ્યાં દિલ્હી રમખાણોનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. શરજીલ ઇમામ ઉપરાંત, JNUના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ અને જામિયા મિલિયા ઇસ્લામિયા અને IITના વિદ્યાર્થીઓએ પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમજ  JNU ખાતે લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓના એક વોટ્સએપ ગ્રુપે પણ આ કાવતરામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દિલ્હી પોલીસે કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટમાં આ દાવો કરવામાં આવ્યો છે.