નવી દિલ્હી: દેશની આંતરિક સુરક્ષાને ખતરો પહોંચાડવા માંગતા આતંકી સંગઠનોના મનસૂબા પર દિલ્હી પોલીસે પાણી ફેરવી દીધું છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તમિલનાડુના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડીને 8 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ શંકાસ્પદો પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI અને બાંગ્લાદેશના આતંકી સંગઠનોના સંપર્કમાં હતા અને ભારતમાં કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. સુરક્ષા એજન્સીઓની આ સતર્કતાથી એક મોટી આતંકી સાજિશ નાકામ થઈ છે.
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મિજાનુર રહેમાન, મોહમ્મદ શબત, ઉમર, મોહમ્મદ લિતાન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ ઉજ્જલનો સમાવેશ થાય છે. આ તમામ શંકાસ્પદો તામિલનાડુના તિરુપુર જિલ્લાની અલગ-અલગ ગાર્મેન્ટ યુનિટ્સમાં સામાન્ય મજૂર તરીકે કામ કરી રહ્યા હતા. તેઓ ઉથુકુલી, પલ્લાદમ અને તિરુમુરુગનપૂંડી જેવા વિસ્તારોમાં સંતાયા હતા. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેઓ ગાર્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની આડમાં પોતાનું આતંકી નેટવર્ક વિસ્તારી રહ્યા હતા અને સોશિયલ મીડિયા દ્વારા યુવાનોને ભટકાવવાનું કામ કરતા હતા.
આ શંકાસ્પદો પોતાની ઓળખ છુપાવવા માટે અત્યંત શાતિર પદ્ધતિ અપનાવી રહ્યા હતા. તેઓ નકલી આધાર કાર્ડ બનાવીને રહી રહ્યા હતા જેથી પોલીસની નજરમાં ન આવે. ધરપકડ દરમિયાન પોલીસને તેમની પાસેથી 8 મોબાઈલ ફોન અને 16 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. આ ઉપકરણોના ડેટા એનાલિસિસ પરથી વિદેશમાં બેઠેલા હેન્ડલર્સ સાથેના સંપર્કો અને સરહદ પારથી મળતા ફંડિંગના મહત્વના પુરાવા મળ્યા છે. તેઓ દેશના મુખ્ય શહેરોની રેકી (તપાસ) પણ કરી ચૂક્યા હોવાની આશંકા છે.
પકડાયેલા આરોપીઓ માત્ર સંગઠન જ નહોતા ચલાવી રહ્યા, પરંતુ દિલ્હી જેવા સંવેદનશીલ શહેરોમાં 'ફ્રી કાશ્મીર' ના પોસ્ટરો લગાવવા અને અરાજકતા ફેલાવવા જેવી પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા હતા. આ તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટ્રેન મારફતે દિલ્હી લાવવામાં આવ્યા છે, જ્યાં તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે. આ ધરપકડ બાદ દક્ષિણ ભારતના રાજ્યોમાં છુપાયેલા અન્ય સ્લીપર સેલ્સ સુધી પહોંચવા માટે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે.