કવર સ્ટોરીઃ
હેમા શાસ્ત્રી
`યુદ્ધસ્ય કથા રમ્યા' અર્થાત યુદ્ધની વાર્તાઓ રસપ્રદ હોય છે એ અતિ પ્રસિદ્ધ ઉક્તિ છે. મતલબ કે યુદ્ધની વાતો સાંભળવી કે વાંચવી સારી લાગે, પરંતુ હકીકતમાં યુદ્ધ અત્યંત ભયાનક, પીડાદાયક અને વિનાશક હોય છે. આ કહેવત યુદ્ધના રોમાંચક પાસા અને તેની પાછળની કણ વાસ્તવિકતા વચ્ચેની ખાઈ દર્શાવે છે. ઈરાન પર થયેલા ભીષણ હુમલાની હૃદયદ્રાવક ઘટનાઓમાં એક બાતમી અનુસાર 28 ફેબ્રુઆરીએ યુએસ-ઈઝરાયલ આક્રમણમાં દક્ષિણ ઈરાનની એક ગર્લ્સ સ્કૂલ પર કરવામાં આવેલા બોમ્બમારામાં 170 જણ માર્યા ગયા હોવાનો અહેવાલ કંપારી લાવી દેનારો છે.
યોગાનુયોગ કહો કે વિધિની વક્રતા, આ મહિને ઈરાનના થિયેટરોમાં રિલીઝ થવાની હતી એ ફિલ્મનું નામ છે `ડ્રિમલેન્ડ'. ડિસેમ્બર 2025માં `અમદાવાદ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ' અને ગયા મહિને `ઈરાનિયન ફિલ્મ ફેસ્ટિવલ'માં પ્રદર્શિત થયેલી એનિમેટેડ ફિલ્મનું કથાવસ્તુ શહેરને બચાવવા માટે આવી પડતા પડકારને પહોંચી વળવાના સંદર્ભમાં છે.
મોહસીન એનાયતી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ મુખ્યત્વે અરાત નામના બાળકની વાર્તા છે જે પોતાના શહેરને વિનાશથી બચાવવાનો મક્કમ નિર્ધાર કરે છે. અલબત્ત, આ અનોખા સાહસમાં એ એકલો નથી. એની સાથે એનો પ્રિય દોસ્ત પાશા અને એક હોશિયાર બાળકી તમારાનો સાથ- સંગાથ પણ છે અને આ બંને અરાતને એના મિશનમાં મદદ કરે છે. એક કલાક અને 24 મિનિટની ફિલ્મ પૂરી થાય છે ત્યારે અરાત અને સાથીઓ શહેરને બચાવી લેવાના ઈરાદામાં સફળ થાય છે, પણ વાસ્તવિક જીવનમાં બોમ્બમારામાં મીનાબ શહેરની પ્રાઈમરી ગર્લ્સ સ્કૂલ છિન્નભિન્ન થઈ ગઈ.
ઈરાનની જનતા જ્યારે પણ `ડ્રિમલેન્ડ' જોશે ત્યારે કેવી લાગણી અનુભવશે એની કલ્પના થઈ શકે એમ નથી. કલ્પના અને હકીકતને છેટું હોય છે અને રીલ લાઈફ અને રિયલ લાઇફનો મેળ ઘણીવાર નથી ખાતો.
ઈરાની બોલપટનો પ્રારંભ થયો 1933માં (જુઓ ફ્લેશબેક કોલમ) પણ ઈરાની ચિત્રપટના નિર્માણમાં વેગ આવ્યો 1970ના દાયકામાં. ઈરાનના યુવા વર્ગને ચીલો ચાતરી બની રહેલી ફિલ્મો માટે આકર્ષણ થયું. આ આકર્ષણને પગલે `સિનેમા-એ-આઝાદ' (મુક્ત વિચારસરણીના ચિત્રપટ) કોશિશ અસ્તિત્વમાં આવી અને અલગ જ પ્રકારના ચિત્રપટ બનવાની શરૂઆત થઈ. અસગર ફરહાદી, આબસ કિરોસ્તામી, માજીદ માજીદી, બામન કોબાતી જેવા ફિલ્મમેકરો ઈરાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને એક અલગ ઊંચાઈએ પહોંચાડી દીધી.
આ અલાયદા ફિલ્મમેકરોની પરંપરા આગળ વધારનાર 36 વર્ષના ઈરાની ફિલ્મમેકર અલિરેઝા ઓસેમીની ફિલ્મ `ઈન ધ લેન્ડ ઓફ બ્રધર્સ' પણ એપ્રિલ-મેમાં રિલીઝ કરવાની ગણતરી હતી. ઈરાન-ફ્રાન્સ અને નેધરલેન્ડ્સના સહયોગથી બનેલી આ ફિલ્મમાં અમેરિકન આક્રમણના ઓછાયામાં એક અફઘાન શરણાર્થી પરિવારની કથા વણી લેવામાં આવી છે. 2024માં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયા પછી આ ફિલ્મ કેટલાક આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં એવોર્ડ મેળવી ચુકી છે.
તાજેતરની યુદ્ધજન્ય પરિસ્થિતિમાં આ ફિલ્મ ઈરાનના સિને પ્રેમીઓને ક્યારે જોવા મળશે એ સિનેમા પ્રેમીઓ સામે મોટું પ્રશ્નચિહ્ન છે.
આ સિવાય એક નામ- ખાસ તો ફિલ્મનાં દિગ્દર્શકનું નામ વિશેષ ધ્યાન ખેંચે છે. એ નામ છે ફિલ્મમેકર મેહનાઝ મોહમ્મદીનું. 1979ની પ્રખ્યાત ઈસ્લામિક ક્રાંતિ પછી ઈરાનમાં મહિલા ફિલ્મમેકરો આગળ આવી. 1979 પછીના સમાજમાં મહિલાઓના જીવનને કેન્દ્રમાં રાખી દિગ્દર્શિકાઓએ ફિલ્મો તૈયાર કરી. મેહનાઝ મોહમ્મદી એ જ ફાલનાં ફિલ્મમેકર છે.
અલબત્ત, મેહનાઝ સહિત મહિલા ફિલ્મમેકરોએ સત્તધીશોને પડકારતી ફિલ્મો બનાવવા બદલ સેન્શરશિપ, ઊલટતપાસ કે પછી દેશવટો જેવી મુસીબતો-સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. મેહનાઝની પ્રથમ ફિલ્મ `વિમેન વિધાઉટ શેડોઝ' 2003માં રિલીઝ થઈ હતી અને વિવિધ ફેસ્ટિવલોમાં એને એવોર્ડ પણ મળ્યા હતા. મેહનાઝ એક્ટિવિસ્ટ પણ છે અને એ માટે જેલની હવા ખાઈ ચુકી છે.
ગયા મહિને જ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં મેહનાઝની ફિલ્મ `રોયા' પ્રીમિયર થઈ હતી. રોયા એ સામાન્યપણે ઈરાનમાં જોવા મળતું સ્ત્રીનામ છે જેના મૂળિયાં પર્શિયન ભાષામાં છે. `મધુર સ્વપ્ન' અથવા `દૂરદ્રષ્ટિ' એવા એના અર્થ પ્રચલિત છે. ફિલ્મમાં તેહરાનની જેલમાં બંદીવાન શિક્ષિકાની કથા અને વ્યથા માંડવામાં આવી છે. કોઈ વ્યક્તિને લાંબો સમય જેલમાં એકાંતવાસમાં રાખી એની પાસે બળજબરીથી કબૂલાત કરાવતા એની માનસિક અસર વ્યક્તિ પર કેવી પડે એ આ ફિલ્મનું હાર્દ છે.
આ ફિલ્મની રિલીઝ પણ હાલમાં અટવાઈ ગઈ છે. આ ફિલ્મ ઈરાન, ચેક રિપબ્લિક, જર્મની અને લક્ઝમ્બર્ગ એમ ચાર દેશનું સહિયાં નિર્માણ છે. ઈરાનમાં રિલીઝ અટવાઈ જાય તો બીજા દેશોમાં રિલીઝ કરી શકાય એ ગણતરી હોવી જોઈએ સહિયારા નિર્માણની.
આ સિવાય 14થી 29 જૂન દરમિયાન ઈરાનિયન ચિત્રપટોનો `યુસીએલએ સેલિબ્રેશન ઓફ ઈરાનિયન સિનેમા' તરીકે ઓળખાતા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલમાં ઈરાનની જનતાના સંઘર્ષને વાચા આપતા ચિત્રપટ રજૂ થતા હોય છે. નવા નવા પ્રયોગ અને માનવીય સંવેદનાને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મો આ ફેસ્ટિવલમાં જોવા મળતી હોવાથી એનું અનેં આકર્ષણ સિનેમા રસિકોમાં હોય છે. શું ફેસ્ટિવલનું આયોજન સમયસર થશે?
તમે ઈરાનની ફિલ્મો જોઈ છે? એ ફિલ્મો-સિનેમા-ચિત્રપટ માત્ર મનોરંજન આપે એવી જ નહીં પણ એ કશુંક કહી જાય, શીખવી જાય, સમજાવી જાય એવી હોવી જોઈએ એવું જો તમે માનતા હો તો તમારે ઈરાનની ફિલ્મો જોવી જોઈએ. 1979થી 1989ના આયાતોલ્લા ખોમેનીના જુલ્મી શાસનકાળમાં પણ ચીલો ચાતરીને ફિલ્મો બનતી રહી હતી. અશાંત ઈરાનમાં વિશ્વ સ્તરે નોંધ લેવાઈ એવી ફિલ્મો તૈયાર કરવાનું સાહસ જોવા મળ્યું.
આ બધી ફિલ્મોમાં સત્તાધારીની કુર્નિશ નહોતી બજાવવામાં આવી, ઊલ્ટાના સામા સવાલ કરવામાં આવ્યા હતા. દિગ્દર્શકોને જેલમાં જવું પડ્યું તો કોઈને દેશનિકાલની સજા થઈ, પણ સજા ભોગવ્યા પછી પણ એટલા જ ઉત્સાહથી પડકારતી ફિલ્મો એ લોકો બનાવતા રહ્યા છે. હોલિવૂડની ફિલ્મોને ટક્કર આપવાની ક્ષમતા ધરાવતી ઈરાની ફિલ્મોની એક લાક્ષણિકતા એ પણ છે કે એમાં બાળકોની દુનિયાનું સુંદર ચિત્રણ જોવા મળે છે. વિશ્વના અનેક દેશોની ફિલ્મો જોતા અભ્યાસુઓની દલીલ છે કે બાળકોના ભાવવિશ્વને ઈરાની ચિત્રપટોમાં જે સ્થાન મળ્યું છે એવું દુનિયાની કોઈ ફિલ્મો નથી આપી શકી.