ભુજઃ કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમિયાન બનેલી વિવિધ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક નવવધૂ સહીત ચાર વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. માંડવીમાં ડમ્પર અને મોપેડ વચ્ચેના અકસ્માતમાં ચાર માસ પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલી યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે પલાંસવામાં યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત અંજાર અને ચાંદ્રોડા પાસે થયેલા પ્રાણઘાતક અકસ્માતોમાં પણ બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, માંડવીની ઘનશ્યામ રેસ્ટોરન્ટ નજીક ગત સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો હતો. શહેરના શિવ ઓટો પાર્ટસવાળા મિત શાંતિલાલ સેંઘાણીના પત્ની પ્રિયલબેન (ઉં.વ.આશરે ૨૨) બજારમાંથી ખરીદી કરી પોતાના સ્કૂટી પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે પુરપાટ ઝડપે આવતા ડમ્પરની અડફેટે આવતા તેમનું ગંભીર ઈજાઓ પહોંચવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક પ્રિયલબેનના લગ્ન હજુ ચાર માસ પૂર્વે જ થયા હતા. આ બનાવને પગલે હોસ્પિટલ ખાતે પાટીદાર સમાજના અગ્રણીઓ અને પરિજનો ઉમટી પડ્યા હતા, જ્યાં રુદનના કરુણ દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક જાગૃત નાગરિકોમાં બાયપાસ રોડનું કામ ધીમું હોવાથી અને શહેરમાં મોટા વાહનોના પ્રવેશને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, રાપર તાલુકાના પલાંસવા ગામે રહેતા રતન નામના યુવાને ગામની સીમમાં કોઈ અગમ્ય કારણોસર શાકભાજીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. તેને ગંભીર હાલતમાં પ્રથમ રાપર અને ત્યારબાદ વધુ સારવાર માટે રાધનપુર લઈ જવામાં આવી રહ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેણે દમ તોડી દીધો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દરમ્યાન, અંજારના ભીમાસરમાં રહેતા રામા બારોટ કામ અર્થે રાપરના ગેડી ગયા હતા. ત્યાંથી છકડા (નં.જીજે-૨૩-એટી-૨૪૨૧) માં સવાર થઈ ચિત્રોડ તરફ જઈ રહ્યા હતા ત્યારે ખીરઈ નજીક બાપા સીતારામની મઢી પાસે છકડો પલટી મારી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રામાભાઈનું સારવાર દરમિયાન ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. છકડામાં સવાર અન્ય ત્રણ મહિલાઓને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે છકડા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વધુ એક પ્રાણઘાતક અકસ્માતમાં મુંદ્રા બંદરેથી તેલ ભરીને મહારાષ્ટ્ર જઈ રહેલી ટ્રક અંજારના ચાંદ્રોડા નજીક બાવાશી પેટ્રોલ પંપ પાસે પહોંચી ત્યારે આગળ જતી અન્ય એક ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં પાછળની ટ્રકના ચાલક બલકારસિંઘને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ મામલે ક્લીનર પરમજીતસિંઘે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
(ઉત્સવ વૈદ્ય)