Sat Apr 25 2026

Logo

દવા નહીં, આહાર બદલો! મહિલાઓ માટે કમરના દુખાવામાં રાહત આપતો ખાસ ડાયટ પ્લાન; 40 પછી પણ રહેશો ફિટ

1 day ago
Author: Darshana Visaria
Article Image

છેલ્લાં કેટલાક સમયથી વધતી ઉંમરની સાથે અને એમાં પણ ખાસ કરીને 40ની ઉંમર વટાવ્યા પછી મહિલાઓમાં કમરના દુખાવાની સમસ્યા એક સામાન્ય પડકાર બનીને સામે આવી રહી છે. ઓછામાં પૂરું પોષક તત્વોની ઉણપ, હાડકાંની નબળાઈ અને બેઠાડુ જીવનશૈલી આ સમસ્યાને વધારે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોવ, તો યોગ્ય ડાયટ દ્વારા તમે કમરના દુખાવામાં મોટી રાહત મેળવી શકો છો. આજે અમે અહીં તમને કેટલીક એવા સુપરફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને તમારા ડાયેટમાં સામેલ કરીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. 

કમરનો દુખાવો માત્ર કોઈ મસલ્સની સમસ્યા નથી પરંતુ તે કેલ્શિયમ અને વિટામિન-ડીની ઉણપનો સંકેત હોઈ શકે છે. હેલ્થ એક્સપર્ટ્સની વાત કરીએ તો તેમણે કેટલાક એવા એવા સુપરફૂડ્સ વિશે જણાવ્યું છે કે જેને ડાયેટમાં સામેલ કરવાથી તમને આ સમસ્યામાંથી છુટકારો મળી શકે છે. ચાલો નજર કરીએ આ સૂપરફૂડ્સ... 

આદુ અને હળદર:
જો તમને પણ ચાલીસી વટાવ્યા પછી કમરમાં દુઃખાવો થઈ રહ્યો હોય તો તેમાં રહેલાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો શરીરમાં આવતા સોજાને ઘટાડે છે. હળદરવાળું દૂધ કે આદુવાળી ચા કમરના દુખાવામાં કુદરતી પેઈનકિલરનું કામ કરે છે.

નાચણી: 
હાડકાંની મજબૂતી ટકાવી રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન-ડી અનિવાર્ય છે એ વાત તો આપણે જાણીએ છીએ. એમાં પણ શાકાહારી લોકો માટે તો રાગી એટલે કે નાચણી એ કેલ્શિયમનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે એટલે તમારા ડાયેટમાં નાચણીનો સમાવેશ અવશ્ય કરો.

લીલા પાંદડાવાળા શાકભાજી: 
જો હાડકાની સમસ્યાથી બચવા માટે લીલા શાકભાજી, પાલક, મેથી અને કોબી જેવા શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ શાકભાજીમાં મોટા પ્રમાણમાં વિટામિન-કે ભરપૂર હોય છે, જે હાડકાંને ઘસારા સામે રક્ષણ આપે છે.

ફર્મેન્ટેડ ફૂડ: 
હાડકાને મજબૂત બનાવવા માટે દહીં, ઈડલી કે ઢોસા જેવા ખોરાકમાં વિટામિન B12 અને પ્રોબાયોટિક્સ હોય છે, જે નર્વસ સિસ્ટમને તંદુરસ્ત રાખી દુખાવો ઓછો કરે છે. પરિણામે ચાલીસી વટાવ્યા પછી ડાયેટમાં ઈડલી, ઢોસા, દહીં જેવા ફર્મેન્ટેડ ફૂડનો સમાવેશ કરવો જોઈએ. 

ડાર્ક ચોકલેટ અને દ્રાક્ષ: 
જી હા, ચોંકી ઉઠ્યાને? હાડકાને હેલ્ધી રાખવા માટે ડાર્ક ચોકલેટનું સેવન કરવું જોઈએ. ડાર્ક ચોકલેટમાં રહેલું મેગ્નેશિયમ હાડકાં માટે ખૂબ જ જરૂરી હોય છે, જ્યારે દ્રાક્ષમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સાંધાના સોજામાં રાહત આપે છે.

શેનાથી દૂર રહેવું?
જો કમરમાં અને મસલ્સમાં દુઃખાવો રહેતો હોય તો એમાંથી રાહત મેળવવા માટે શું ખાવું એ તો જાણી લીધું પરંતુ હવે વાત કરીએ કે આ સમસ્યામાં શું ખાવાનું ટાળવું જોઈએ. આવી પરિસ્થિતિમાં વધારે પડતી ખાંડ, મીઠું, મેંદો અને તળેલી વસ્તુઓ શરીરમાં સોજો વધારે છે અને હાડકાંને અંદરથી પોલા બનાવે છે. પ્રોસેસ્ડ ફૂડથી અંતર રાખવું હિતાવહ છે.