Fri Apr 17 2026

Logo

ભાત ભાત કે લોગઃ કેમ આ બાળકોને મરવું પડ્યું? દુશ્મનને ડામવાનો આખરી મોકો

1 week ago
Author: Jvalant Nayak
Article Image

2024માં જોનાથન હેઈડ નામના લેખકે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે. આમ તો આ પુસ્તકનું આખું નામ જરા લાંબું છે. અહીં મુખ્ય ભાગ જ લખ્યો છે :  
The Anxious Generation... આટલા નામ પરથી જ સમજાય છે કે આ પુસ્તકમાં એક આખી પેઢી વિશે ચિંતા કરવામાં આવી છે. આ પેઢી એટલે ભવિષ્યના નાગરિકો અને આજનાં બાળકો. પુસ્તકમાં લેખક જોનાથન આજનાં બાળકો અંગે બે મુખ્ય મુદા તારવે છે: રિયલ વર્લ્ડમાં ઓવર-પ્રોટેક્શન અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં અંડર-પ્રોટેક્શન!

આજકાલ બાળકોને સલામતીના કારણોસર મુક્તપણે વિહરવા દેવાતા નથી. આઉટડોર ગેમ્સમાં કે પોતાની મેળે અલગારી રખડપટ્ટી બાબતે બાળકોને માતા-પિતા તરફથી ભાગ્યે જ પ્રોત્સાહન મળે છે. એથી વિરુદ્ધ, બાળક જ્યારે મોબાઈલ વાપરતું થઇ જાય ત્યારે માતા-પિતાની જાણબહાર એ ઘણું બધું `એક્સ્પ્લોર' કરી નાખે છે! જોનાથન કહે છે કે આ બે વિરોધાભાસી વલણને કારણે 1995 પછી જન્મેલી પેઢી એટલે કે Gen Z ની માનસિક સમસ્યાઓમાં અચાનક વધારો થયો છે. આની ચરમસીમા જેવા બે કિસ્સા તાજેતરનાં વર્ષોમાં ઓસ્ટ્રેલિયાને હચમચાવી ગયા. અને હવે એનો પડઘો દુનિયાના અન્ય ડાહ્યા દેશો પણ ઝીલી રહ્યા છે.

ઓલિવર `ઓલી' હ્યુજ માત્ર ચૌદ વર્ષનો હતો ત્યારે જ અનેક પ્રકારની માનસિક સમસ્યાઓથી ગ્રસિત થઇ ગયો. કારણ શું? સોશ્યલ મીડિયાનો વધુ પડતો વપરાશ... કોણ જાણે કેમ પણ ઓલિવરના મગજમાં એવું બેસી ગયું કે પોતે બહુ નબળું શરીર ધરાવે છે. આ લાગણી ઓલિવરના કુમળા માનસને એટલી તીવ્રપણે ઘેરી વળી કે એ `બોડી ડિસમોર્ફિયા' તરીકે ઓળખાતી બીમારીનો શિકાર બની બેઠો. 

આ એક એવી માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિ પોતાના જ શરીર વિશે અત્યંત નકારાત્મક વિચારો ધરાવતો થઇ જાય. પોતાનાં  જ અંગો કુપોષિત કે બેડોળ હોવા વિશેની લાગણી એટલી હદે હાવી થઇ જાય કે વ્યક્તિ ગંભીર ડિપ્રેશનમાં સરી પડે. એમાંય જો કોઈ કુમળી વયના બાળકમાં આવી લઘુતાગ્રંથિ બંધાઈ ગઈ તો પત્યું... 

ઓલિવરના કેસમાં એ જ થયું. બોડી ડિસમોર્ફિયાની સાથે સાથે ઓલિવર `એનોરેક્સિયા નર્વોસા'નો (ખોરાક અંગેની વિકૃતિ) પણ ભોગ બન્યો. એ પોતાના જ શરીરને ધિક્કારવા માંડ્યો. એવા સંજોગોમાં બીજા તો એને ક્યાંથી વખાણે? પરિણામે ઓલિવર સોશ્યલ મીડિયા પર વારંવાર સાયબર બુલિંગ એટલે કે ઓનલાઈન થતી વિકૃત મશ્કરીઓનો ભોગ બન્યો.
આખરે 9 જાન્યુઆરી 2024ના રોજ ઓલિવરે આત્મહત્યા કરી લીધી!

ઓલી તો ગયો, પણ એની માતા મિયાને લાગ્યું કે સોશ્યલ મીડિયાને પાપે આવા અઢળક ઓલિવર વિશ્વના ખૂણે ખૂણે પીડાઈ રહ્યા છે. સોશ્યલ મીડિયાનું વળગણ અનેક કિશોરો-તરુણોના જીવનને અભડાવી રહ્યું છે. આવું બધું વિચારીને બેસી રહેવાને બદલે મિયાએ Ollie's Echo નામે ચેરિટી શરૂ કરી, જે ખોરાકની વિકૃતિ અને સોશ્યલ મીડિયાના નુકસાન વિશે જાગૃતિ ફેલાવે છે. સાથે જ એણે ઓસ્ટ્રેલિયન સરકાર ઉપર દબાણ લાવવાનું શરૂ કર્યું આ વકરી બેઠેલા સોશ્યલ મીડિયાનું કંઈક કરો!

બીજો કિસ્સો શાર્લોટ ઓ'બ્રાયન નામની માત્ર બાર વર્ષની કિશોરીનો છે. શાર્લોટ પણ સાઈબર બુલિંગનો શિકાર બની. બીજાં બાળકો એને `ફેટ એન્ડ અગ્લી ગર્લ' કહીને ચીડવતા. હકીકતે શાર્લોટ શારીરિક દૃષ્ટિએ સાવ એવી નહોતી. અને હોય તો ય શું? પણ બીજાં બાળકોને આ બધું કોણ સમજાવે? એમને તો બસ, શાર્લોટને ચીડવવામાં જ મોજ પડતી.

સોશ્યલ મીડિયા પરથી એ બધા આવું જ બધું શીખેલા. પરિણામ એ આવ્યું કે બુલિંગથી કંટાળેલી શાર્લોટે માત્ર બાર વર્ષની ઉંમરે 2024ના સપ્ટેમ્બર મહિનામાં આત્મહત્યા કરી લીધી!

સદનસીબે આ બંને કિસ્સાઓ વાતનો કરુણ અંત બનવાને બદલે એક નવી શરૂઆત તરફ લઇ ગયા. શાર્લોટની માતા કેલી ઓ'બ્રાયને ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝને એક લાગણીસભર પત્ર લખ્યો. ખુદ પ્રધાનમંત્રીને આ પત્રની હકીકત વાંચીને આઘાત લાગ્યો. એમણે કેલી સાથે લંબાણપૂર્વક ટેલીફોનીક ચર્ચા કરી.ઓલિવરની આત્મહત્યા પછી આખા ઓસ્ટ્રેલિયામાં લોકો સોશ્યલ મીડિયાનાં બાળકો ઉપર પડતા દુષ્પ્રભાવ વિષે ચર્ચા કરી રહ્યા હતા. એમાં કેલી સાથે વાત કર્યા બાદ ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ.

એ પછી ઓસ્ટ્રેલિયન સરકારે શું કર્યું એ જાણતા પહેલા અહીં થોડા આંકડાઓ વિષે પણ વાત થવી જોઈએ, જેમકે...2025માં થયેલા એક અભ્યાસ મુજબ 10 થી 15 વર્ષની આયુના 96 ટકા બાળકો સોશ્યલ મીડિયાનો ભરપેટ ઉપયોગ કરે છે. એમાં દર 10 પૈકીનાં 7 બાળકો સોશ્યલ મીડિયા પર એવું કન્ટેન્ટ જોઈ રહ્યા છે, જે એમની ઉંમરને અનુકૂળ નથી!

આવા કન્ટેન્ટમાં સ્ત્રીઓનું અવમૂલ્યન કરતા (misogynistic) કન્ટેન્ટથી માંડીને હિંસક કન્ટેન્ટ સુધીનાનો સમાવેશ થાય છે. વળી આ પૈકીની ઘણી સામગ્રી તો એવી છે જે જીવન અંગે સાવ ખોટી માન્યતાઓ સ્થાપિત કરે છે. સોશ્યલ મીડિયાનું વળગણ અને એના પર દેખાતી જાહેરાતો સહિતનું ઘણું કન્ટેન્ટ બાળકોને ઈટિગ ડીસઓર્ડર તરફ ધકેલીને સ્થૂળ બનાવી રહ્યું છે. તો કેટલીક સામગ્રી વળી બાળકોમાં આત્મઘાતી વલણ પેદા કરી નાખે એવી ખતરનાક હોય છે. 

આમ તો વિશ્વ આખાની સરકારોને આ બધી ખબર છે, પણ એની સામે પગલા લેવાની પહેલ ઓસ્ટ્રેલિયન સરકારે કરી. 10 ડિસેમ્બર 2025ના રોજ ઓસ્ટ્રેલિયન સરકારે એક અભૂતપૂર્વ કાયદો પસાર કરીને દેશમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશ્યલ મીડિયા વાપરવા પર પ્રતિબંધ લાદી દીધો. છેલ્લા ચારેક મહિનાથી ઓસ્ટ્રેલિયન બાળકો કાયદેસર રીતે ફેસબુક, સ્નેપ ચેટ, ટિક ટોક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ નથી વાપરી શકતા. 

ઓસ્ટ્રેલિયાના આ પગલાને અનુસરીને ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોએ પણ આવા કાયદા અમલમાં મૂક્યા. યુરોપના પંદર જેટલા દેશ પણ આવો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે. હજીય કેટલાક હશે, જેમને બાળકો માટે સોશ્યલ મીડિયાનો વપરાશ નિયંત્રિત કરવાની વાત અશક્યવત લાગતી હશે. બની શકે કે એ સાચા હોય. આમ છતાં અંતિમ સત્ય એ જ છે કે દુશ્મનને ઊગતા ડામવા માટેનો આ અંતિમ મોકો છે.