Fri Apr 17 2026

Logo

કવર સ્ટોરીઃ સિત્તેર વર્ષે સત્તરનો ઉત્સાહ...

4 weeks ago
Author: Hema shashtri
Article Image

 

હેમા શાસ્ત્રી

હોલિવૂડના ક્લિન્ટ ઈસ્ટવૂડ હોય કે પછી માઈકલ કેઈન કે મેલ બ્રુક્સ હોય અને ભારતીય ચિત્રપટ ઉદ્યોગના મહામાનવ અમિતાભ બચ્ચન હોય કે રજની સર (રજનીકાંત) હોય  (કે  પછી વીતેલી પેઢીના એવરગ્રીન  સદાબહર દેવ આનંદ હોય!) એ ઉંમરને ઉમંગ કે ઉત્સાહ સાથે કંઈ લાગેવળગે નહીં એ એકથી વધુ વાર સિદ્ધ થયું છે. 

એકવીસમી સદીમાં મનોરંજનની દુનિયાની વ્યાખ્યા જ્યારે સમૂળગી બદલાઈ રહી છે ત્યારે પ્રતિભાશાળી એક્ટરો માટે અનેક વિકલ્પો રાહ જોઈ રહ્યા છે. આ યાદીમાં અનિલ કપૂરનું નામ ઉમેરાઈ ગયું છે. આયુષ્યના સાત દાયકા પૂર્ણ કરનારા આ એક્ટરને 70 વર્ષની ઉંમરે રોલ ઓફર કરવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત તો એ છે કે અનિલ કપૂર જો કોઈ રોલ કે ફિલ્મ ગળે ન ઉતરે કે અનુકૂળ ન લાગે તો એના માટે ના પાડવાની હિંમત પણ રાખી શકે છે. 

આ હિંમતનું મુખ્ય કારણ એ છે કે ’જે મળે એ લઈ લેવું, કાલ કોણે દીઠી છે’ એ ભાવનામાંથી આજના અનેક કલાકારો મુક્ત થઈ શક્યા છે. બદલાયેલા સમયની આ તાસીર છે. એટલું જ નહીં, આ ઉંમરે કશુંક નવું કરવાનો ઉત્સાહ પણ એનામાં જોવા મળી રહ્યો છે.

નાના પડદા પર અનિલ કપૂરની 2013માં હિન્દીમાં રિલીઝ થયેલી ટીવી સિરીઝ ‘24’ ખાસ્સી લોકપ્રિય થઈ હતી. પોલિટિકલ થ્રિલર અને સસ્પેન્સના રસાયણ ધરાવતી આ સિરીઝ અનિલ કપૂરની હિંમત અને સાહસનું સમીકરણ હતું. આ જ નામની અમેરિકન સિરીઝ પર આધારિત ભારતીય શો માટે અનિલ કપૂરે ગંજાવર રોકાણની ડીલ કરી હતી. ટેલિકાસ્ટ થઈ ત્યારે આ પ્રયોગને વિવેચકોએ તો વખાણી જ, સાથે સાથે દર્શકોએ વધાવી લીધી. આ સિરીઝને 21 એવૉર્ડ મળ્યા અને 12 મિલિયન દર્શકોએ આ શો જોયો જે સફળતાનું ઉચ્ચ બિંદુ હતું. 

ભારતીય ટીવી સિરીઝ જોનારા દર્શકોને એક અલગ અને ઉચ્ચ દરજજાની ટીવી સિરીઝ જોવાનો લ્હાવો મળ્યો. ત્રણ વર્ષ પછી 2016માં 24’ની બીજી સીઝન પણ આવી. પહેલી સીઝન જેટલી તો નહીં, પણ ખાસ્સો આવકાર એને મળ્યો. ત્યારબાદ આ વિચારને સ્થગિત કરી દીધો અને હવે 10 વર્ષના અંતરાલ પછી અનિલ કપૂર 24’ની ત્રીજી સીઝન સાથે આવવા કમર કસી રહ્યો છે.

તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘સુબેદાર’ ફિલ્મમાં નિવૃત્ત લશ્કરી અધિકારીના રોલમાં અનિલ કપૂરની પ્રશંસા થઈ છે. એ રોલમાં અભિનેતાનો દમદાર પરફોર્મન્સ જોઈ એક ચાહકે અનિલ કપૂરને 24’ની ત્રીજી સીઝન લાવવા આગ્રહ કર્યો. ચાહકની દરખાસ્તનો મિસ્ટર કપૂરે તાબડતોબ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર જવાબ આપ્યો અને કહ્યું કે બહુ જલદી એના પર કામ શરૂ થઈ જશે. અગાઉ 2018માં ત્રીજી સીરીઝનો વિચાર કરવામાં આવ્યો હતો, પણ વાત માત્ર કાગળ પર જ રહી ગઈ હતી. 70 વર્ષની ઉંમરે કશુંક કરવાની ઈચ્છા દાદને પાત્ર છે.

આદિત્ય ધર દિગ્દર્શિત અને રણવીર સિંહના હમઝા અલી મજારીની ‘ધુરંધર-2’ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી પર છવાઈ જવા  રજૂ થઈ  ગઈ છે અને બોક્સ ઓફિસના અનેક નવા રેકોર્ડ બનાવશે એવી અટકળો વહેતી થઈ છે ત્યારે અનિલ કપૂરનું નામ એની સાથે અલગ રીતે જોડાયું છે. 

‘મુંબઈ સમાચાર’ના ફિલ્મપ્રેમી વાચકો એ વાતથી સારી પેઠે વાકેફ છે કે ગયા વર્ષે રિલીઝ થયેલી ‘ધુરંધર’ ફિલ્મને અભૂતપૂર્વ સફળતા મળી હતી. પ્રેક્ષકોનો અપાર પ્રેમ મેળવનારું આ ચિત્રપટ બોક્સઓફિસ પર 1000 કરોડથી વધુ વકરો કરવામાં સફળ રહ્યું હતું. આદિત્ય ધરે એની સિક્વલ ‘ધુરંધર-2’ માટે અનિલ કપૂરનો સંપર્ક કર્યો હતો. 

જોકે, ‘ઝકાસ’ જેવા હુલામણા નામથી ઓળખાતા મિસ્ટર કપૂરે નમ્રપણે આ રોલનો અસ્વીકાર કર્યો હતો. અનિલ કપૂરના નકારની વાત પ્રથમ વાર જ્યારે મીડિયામાં ચમકી ત્યારે શું- કેમ ? જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ખુદ અનિલ કપૂરએ આ તર્ક વિતર્કો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. 2023ની સંદીપ રેડ્ડી વંગાની ‘એનિમલ’માં અનિલ કપૂરની ભૂમિકાની ખાસ્સી પ્રશંસા થઈ હતી. એ જોઈને જ આદિત્ય ધરએ પણ અનિલ કપૂરને ઓફર કરી હોવી જોઈએ. 

આ સંદર્ભે અનિલ કપૂરએ જણાવ્યું હતું કે ‘હા, એ વાત સાચી છે કે આદિત્ય ‘ધુરંધર 2’ માટે મારો સંપર્ક કર્યો હતો. એની ઈચ્છા હતી કે ફિલ્મમાં હું કેમિયો-એક નાનકડો પણ મહત્ત્વનો રોલ કરું, પણ એણે મારો સંપર્ક કર્યો ત્યારે હું અન્ય પ્રોજેક્ટ માટે તારીખો ફાળવી ચુક્યો હતો. પ્રોફેશનલિઝમને મેં કાયમ અગ્રસર રાખ્યું છે અને એટલે આપેલા શબ્દનું પાલન અક્ષરશ: કરવું જરૂરી છે. 

કરિયરમાં આ બહુ જરૂરી છે. કેવળ પ્રતિભા-આવડતના જોરે કલાકારને નામના નથી મળતી. સારો અભિનેતા એક વચનબદ્ધ કલાકાર હોય એ પણ એટલું જ જરૂરી છે. આદિત્યએ મારી સાથે વાતચીત કરી ત્યારે એને જે સમય માટે મારી જરૂર હતી એ સમય હું અન્ય ફિલ્મમેકરને આપી ચૂક્યો હતો. એની સાથે બંધાઈ ચૂક્યો હતો એટલે મેં આદિત્યને અ બહુ જ આનંદ આવ્યો હોત,  પણ હું લાચાર છું, કારણ કે મેં અન્ય કોઈને એ સમયનું વચન આપી દીધું છે....’. વચનભંગ કરવાની મારી તૈયારી નથી. 

આદિત્યે ખરેખર અદભુત ફિલ્મ બનાવી છે. એ ફિલ્મની ભૂમિકા ગુમાવવાથી નુકસાન મને થયું છે. ઠીક છે, એવું તો ચાલ્યા કરે. આવું તો એની સાથે પણ બની શકે છે. કોઈ એક ફિલ્મમેકરે બ્લોકબસ્ટર ફિલ્મ આપી હોય અને એ જો મને એની નવી ફિલ્મમાં રોલ ઓફર કરે અને ત્યારે એને જોઈતી તારીખો મેં આદિત્યને આપી દીધી હોય તો? એ સમયે હું આદિત્યને તારીખો કેન્સલ કરી બીજા ડિરેક્ટરની ફિલ્મ કરું તો એ વ્યવસાયીક પ્રતિબદ્ધતાનો ભંગ જ કહેવાય. ‘ધુરંધર 2’માં સાથે કામ ન કરી શક્યા તો કંઈ નહીં, ભવિષ્યમાં બીજી કોઈ ફિલ્મમાં સાથે કામ કરીશું.’

આટલા લાંબા સમય સુધી અને આ ઉંમરે પણ  અનિલ ક્પૂર આજે  પણ એના ફિલ્ડમાં સક્રિય છે એનાં અનેક કારણોમાં એક મહત્ત્વનું કારણ છે એની દ્રઢ પ્રતિબદ્ધતા ... !