Fri Apr 17 2026

Logo

અમરેલી જિલ્લામાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા, સવાર સુધીમાં 8 વખત ધરતી ધ્રૂજી

1 week ago
Author: Devayat Khatana
Article Image

અમરેલી: ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય ગણાતા ગુજરાતમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે.  આ વખતે અમરેલી જિલ્લાના મીતીયાળા પંથકમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકાઓથી ફફડાટ વ્યાપી ગયો છે, જ્યાં ગત રાત્રીથી સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો કે ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા માત્ર એક જ આંચકાની સત્તાવાર પૃષ્ટી કરવામાં આવી છે, જેનું કેન્દ્રબિંદુ અમરેલીથી ૪૩ કિલોમીટર દૂર વાંકિયા ગામ નજીક નોંધાયું હતું, જેની રિક્ટર સ્કેલ પર 3.3 તીવ્રતા નોંધાઈ હતી. 

જો કે બીજી તરફ સવારના ૯ વાગ્યા સુધીમાં કુલ ૮ જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેમાં સવારે ૪:૧૫ કલાકે ૧.૮, ૪:૧૬ કલાકે ૨.૩, ૪:૨૪ કલાકે ૧.૦, અને ૪:૫૭ કલાકે ૧.૪ની તીવ્રતાના આંચકા બાદ સવારે ૭:૦૦ વાગ્યે ૨.૨ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ શ્રેણીમાં સવારે ૭:૧૫ કલાકે ૩.૫૮ની તીવ્રતાનો સૌથી મોટો આંચકો અનુભવાયો હતો, ત્યારબાદ સવારે ૭:૫૧ અને ૮:૫૭ કલાકે ૧.૫ની તીવ્રતાના આંચકા આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સતત આવી રહેલા આ આંચકાઓને કારણે મીતીયાળા અને આસપાસના ગ્રામ્ય પંથકના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

ચારેક દિવસ પહેલા નવસારીના વાંસદા પંથકમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 5:27 વાગ્યા આસપાસ અચાનક ધરા ધ્રૂજી ઉઠી  હતી. ખાસ કરીને વાંસદાના જૂજ ડેમ નજીકના ગામોમાં ભૂકંપનો વધુ અનુભવ થયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં જ નોંધાયેલો આ ભૂકંપનો 15મો આંચકા હતો. 

ગુજરાત તેની ભૌગોલિક સ્થિતિને કારણે ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ રાજ્ય માનવામાં આવે છે. ભારત સરકારના માપદંડો મુજબ, ગુજરાત ઝોન ૨ થી ઝોન ૫ એમ ચાર અલગ-અલગ સિસ્મિક ઝોનમાં વહેંચાયેલું છે. સિસ્મિક ઝોન 5ને સૌથી ખતરનાક ઝોન માનવામાં આવે છે. ગુજરાતનો કચ્છ જિલ્લો, ખાસ કરીને ભુજ, અંજાર, રાપર અને ભચાઉ આ ઝોનમાં આવે છે. જામનગર, રાજકોટ, મોરબી, અને સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણના કેટલાક ભાગો તેમજ અમદાવાદ શહેર અને તેની આસપાસનો વિસ્તાર ઝોન ૪ની સરહદ પર ગણાય છે. ભૂકંપ માટે અત્યંત સંવેદનશીલ ગુજરાતમાં માર્ચ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છના પેટાળમાં હલચલ જોવા મળી હતી. એક મહિનામાં ભૂકંપના 15 જેટલા આંચકા અનુભવાયા હતા.

ગુજરાતમાં માર્ચ ૨૦૨૬ના મહિના દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના પટ્ટામાં ભૂકંપના હળવા આંચકાઓ નોંધાયા છે. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ (ISR) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના ડેટા મુજબ, આ મહિનામાં નોંધપાત્ર પ્રમાણમાં પેટાળમાં હલચલ જોવા મળી છે. જેમાં ૨.૫ થી લઈને ૩.૪ ની તીવ્રતા સુધીના આંચકાઓનો સમાવેશ થાય છે. સૌથી છેલ્લો આંચકો ૩૦ માર્ચના રોજ અમરેલીથી ૪૨ કિમી દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં ૨.૬ની તીવ્રતાનો નોંધાયો હતો, જે જમીનથી ૬.૧ કિમીની ઊંડાઈએ હતો.

વિભાગના આંકડાઓનું વિશ્લેષણ કરતા જણાય છે કે, આ મહિનામાં સૌરાષ્ટ્રનું અમરેલી ભૂકંપનું મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. અમરેલી ઉપરાંત રાજકોટ, તળાલા, મહુવા, બોટાદ અને ઉનામાં પણ સમયાંતરે આંચકા અનુભવાયા હતા. કચ્છમાં પણ ભચાઉ અને દૂધઈ પાસે ૩.૩ અને ૩.૪ ની તીવ્રતાના આંચકાઓ નોંધાયા હતા, જે માર્ચ મહિનાના સૌથી વધુ તીવ્રતા ધરાવતા આંચકાઓમાંના એક હતા. દક્ષિણ ગુજરાતના વાંસદા અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ ૨.૫ થી ૨.૭ની તીવ્રતાના આંચકા સાથે પૃથ્વીના પેટાળમાં હલચલ નોંધાઈ હતી.

સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, માર્ચ મહિનામાં મોટાભાગના આંચકાઓની ઊંડાઈ ૫ કિમીથી ૨૯.૫ કિમી સુધીની રહી હતી. જોકે, આ તમામ આંચકાઓની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ વારંવાર આવતા આ હળવા આંચકાઓએ સ્થાનિક લોકોમાં કુતૂહલ અને ચિંતા જગાવી છે.