Fri Apr 17 2026

Logo

અજબ ગજબની દુનિયા

4 weeks ago
Author: Henry Shastri
Article Image

 

હેન્રી શાસ્ત્રી

શોધવાથી તો વારસદાર પણ મળી જાય

‘ઢૂંઢનેસે તો ખુદા ભી મિલ જાતા હૈ’ એ શોધયાત્રાનું અંતિમ સત્ય છે. પછી એ વાત જાતને શોધવા ની હોય કે જાતને જાળવવા અને જલસો કરવા દલ્લો શોધવાની હોય. એક બ્રિટિશ મહિલાના જીવનમાં બનેલી ગજબ ઘટના જાણ્યા પછી તમને ‘શોધવાથી તો વારસદાર પણ મળી જાય’ એવી ઉક્તિ બનાવવાનું મન ન થાય તો જ નવાઈ.

વાત એમ છે કે 2015માં 71 વર્ષના મિસ્ટર મેનફ્રેડ સીએલઆફનું જર્મનીમાં અવસાન થયું ત્યારે એમના નામે સાડા ત્રણ કરોડ રૂપિયાનું બેન્ક બેલેન્સ બોલતું હતું. જોકે, શ્રીમાને ન તો કોઈ વસિયત બનાવી હતી કે ન તો એમની સંપત્તિ પર હક જમાવવા કોઈ વારસદાર આગળ આવ્યો. એકવીસમી સદીમાં વારસાગત નિયમો અને કાયદા એવા જટિલ છે કે આ કોકડું ઉકેલવાનું કામ વંશાવળી શોધી કાઢતી એક કંપનીને સોંપવામાં આવ્યું. 

આ કંપની મૃતકના વારસદારોને પાતાળમાંથી પણ શોધી કાઢવાનું કામ કરે છે. સંશોધકોની ટીમ દિવસ રાત જોયા વિના કામે લાગી ગઈ અને વિવિધ દેશોમાં શોધખોળ શરૂ કરી. જરૂરી ડોક્યુમેન્ટ્સનો અભાવ તેમજ ચોક્કસ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાને કારણે વારસદાર શોધી કાઢવામાં મુશ્કેલી પડી રહી હતી. અંતે ‘કાખમાં છોકરું ને ગામમાં ધમાધમ’ જેવું થયું. બ્રિટનથી કરેલી શોધખોળ ઝિમ્બાબ્વે, જર્મની, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા દેશોમાં વિસ્તરી અને અંતે બ્રિટનમાં જ વારસદાર મળી ગયો. 

યુકેના બર્કશયારમાં રહેતાં 56 વર્ષનાં સન્નારી જુડીનાં માતુશ્રી મિસ્ટર મેન્ફ્રેન્ડનાં કઝીન હતાં અને એટલે જુડી અને એની બહેનનું કૌટુંબિક કનેક્શન પાકું થયું. આ સિવાય બીજા ત્રણ વરાસદારનો પત્તો લાગતા પાંચ લાભાર્થી નક્કી થયા અને પ્રત્યેકના ફાળે 70 લાખ રૂપિયા જેવી રકમ આવી ગઈ.

પિત્તની પથરી... સોના કરતાં મોંઘી

ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો-ગૌમાતા- આપવામાં આવ્યો છે. માતા જેમ એનાં સંતાનોની નિ:સ્વાર્થ ભાવથી સેવા કરે એમ ગૌમાતા સમગ્ર જીવનમાં દૂધ, ઘી, ગોબર અને મૂત્રથી માનવ જાતિનું પોષણ કરે છે.

તાજેતરની ઈરાન અને મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધજન્ય પરિસ્થિતિને કારણે ઘરેલુ વપરાશના ગેસની અછત ઊભી થઈ છે ત્યારે ઈંધણમાં ઉપયોગી એવા ગાયના છાણાની કિંમત એકદમ વધી ગઈ છે. અજબ દુનિયાની ગજબ ઘટના જેવું ગાય માતાનું બીજું એક ઉદાહરણ પણ જોવા મળી રહ્યું છે. માતાના સ્નેહનું મૂલ્ય આંકી જ ન શકાય, પણ ચીન અને હોંગકોંગની જબરી માગને કારણે ગાયના પિત્તની પથરી (કાઉ ગોલસ્ટોન) અચાનક વિશ્વની એક અત્યંત મૂલ્યવાન જણસ બની ગઈ છે. 

વાત એ હદે પહોંચી ગઈ છે કે સરખા વજનની આ પથરીના સોના કરતાં વધુ દામ ઊપજે છે. હજારો વર્ષોથી ગાયના પિત્તની પથરીનો ઉપયોગ ચીનની પરંપરાગત ઔષધીમાં થતો આવ્યો છે. હાયપર ટેંશનથી માંડી હૃદયની બીમારીના ઈલાજમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. યુએસની સરખામણીમાં ચીનમાં હાર્ટ એટેકનું પ્રમાણ ત્રણગણું વધી ગયું હોવાથી ગોલસ્ટોનની ડિમાન્ડમાં મોટી ભરતી આવી છે. એને પગલે ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. 

અર્થશાસ્ત્રના યુએસના માતબર પ્રકાશનમાં જણાવ્યા મુજબ ગયા વર્ષે ગોલસ્ટોનનો ભાવ પ્રતિ આઉન્સ 5800 ડૉલર થઈ ગયો હતો,  જે પ્રતિ આઉન્સ સોનાનાં ભાવ કરતા ચાલીસેક ટકા વધારે હતો. આ વર્ષના એપ્રિલમાં સોનાનો ભાવ ગયા વર્ષની સરખામણીએ વધ્યો છે, પણ તેમ છતાં 6 હજાર ડૉલર નજીક જઈ રહેલા ગોલસ્ટોનના ભાવ કરતાં તો સોનું સસ્તું છે. અચરજ તો એ વાતનું છે કે તાજેતરના સમયમાં તસ્કરો સોનાની દાણચોરીને બદલે ગોલસ્ટોનના સ્મગલિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે અને લૂંટફાટ કરનારાઓને ગોલ્ડને બદલે ગોલસ્ટોન લૂંટવામાં વધુ મજા પડી રહી છે.

નિરાધારના આધારનો કેવો નિર્ધાર

યુક્રેનના નાગરિકો દેશના રક્ષણ માટે આકાશપાતાળ એક કરી રહ્યા છે ત્યારે આ ટચૂકડા દેશની મોડલ લુઈસા ખોવાન્સ્કી પાળેલી મોન્ટી નામની બિલાડીના જીવના રક્ષણ કાજે પોતાની સમસ્ત પૂંજી જાણે કે ન્યોછાવર કરી રહી છે. રેમ્પ પર કેટ વોક કરતી મોડલ પ્રિય કેટ માટે દોડાદોડી કરી રહી છે. મોડલ અને ઈન્ફ્લુએન્સર લુઈસાએ જીવથી પણ વહાલી માંદી પડેલી બિલ્લીને બચાવવાનો મક્કમ નિર્ધાર કર્યો અને એવો ચમત્કાર થયો કે મરવાના વાંકે જીવી રહેલી બિલાડીને નવજીવન પ્રાપ્ત થયું. 

પાળેલા જાનવર માટે અસાધારણ પ્રીતિ એકવીસમી સદીની કેટલીક લાક્ષણિકતા પૈકી એક છે. રસ્તે રખડતી બિલાડી માટે હેત ઉભરાઈ જતા લુઈસા એને ઘેર લઈ આવી. જોકે, મોન્ટી એક એવી બીમારીથી પીડાતી હતી જેમાં રોગ પ્રતિકાર શક્તિ ઘટી જાય. એક દિવસ તબિયત એવી લથડી કે એને લઈને લુઈસાએ હોસ્પિટલ ભાગવું પડ્યું. ‘તમારી બિલાડી 24 કલાક પણ નહીં કાઢે’ એવા પ્રાણીના ડોકટરના નિદાનથી મોડલ મેડમ ખળભળી ગઈ. 

જોકે હિંમત હારી નહીં, ગમે એટલો ખર્ચ થાય મોન્ટીનો જીવ બચી જવો જોઈએ એવી તાકીદ કરી. ડોક્ટરોએ પણ બધી શક્તિ-સમજણ કામે લગાડી દીધા અને ઈલાજથી બિલાડી મોતના મુખમાંથી પાછી ફરી. ડોક્ટરોએ પણ મોન્ટીની ઊગરી જવાની ઘટનાને ચમત્કાર ગણાવી છે. મિસ મિરેકલ સાથે આનંદથી રહેતી લુઈસાને બિલાડીની સારવારમાં 24 લાખની મૂડી ખર્ચાઈ ગઈ એનો જરાય અફસોસ નથી. પૈસા તો ફરી કમાઈ લેવાશે, પણ જો મોન્ટીનો સાથ છૂટ્યો હોત તો એ ભરપાઈ ન થઈ શક્યો હોત એવું એનું કહેવું છે.

આસમાનમાં ઉડ્ડયનની હરીફાઈ

એ. આર. રેહમાન સ્વરબદ્ધ ‘આસમાનો મેં ઉડને કી આશા’ ગીત ચીનમાં લોકપ્રિય છે કે નહીં એની ખબર નથી, પણ ઉડવાનો ઉમંગ, ઉત્સાહ અને આશા ચીનની રગેરગમાં છે એ સિદ્ધ થતું રહ્યું છે. વિશ્વને હેરત પમાડતી એક પછી એક સિદ્ધિ નોંધાવી રહેલા ચીનએ એકધારા 29 કલાકના સૌથી ઝડપી વિમાન ઉડ્ડયન (નોન સ્ટોપ ફ્લાઈટ)નો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. વિમાન ટેક ઓફ કર્યા પછી મુસાફરો 20 હજાર કિલોમીટરનો પ્રવાસ કરી ચીનના શાંઘાઈ શહેરથી દક્ષિણ અમેરિકાના બ્યુનેસ એરીસ સુધી પહોંચી જાય છે. 

આ રૂટ એટલો લાંબો છે કે ફ્યુએલ ભરાવવા એક જગ્યાએ ઉતરાણ કરવું પડે છે. અઠવાડિયામાં બે વાર ‘ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સ’નું વિમાન શાંઘાઈથી ઊપડી ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ એરપોર્ટ પર ઊતરી ઈંધણ ભરાવી સ્ટાફની અદલાબદલી કરી આર્જેન્ટિના જવા ઊપડી જાય. આ ફ્લાઈટમાં મુસાફરો ઉપરાંત ચીન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ અમેરિકામાં જરૂરી માલસામાન પણ પહોંચતો કરવામાં આવે છે. 316 સીટ ધરાવતું એરલાઈન્સનું વિમાન મુસાફરી દરમિયાન ત્રણ ખંડમાંથી પસાર થાય છે. 

આની પહેલાની શાંઘાઈથી બ્યુનેસ એરીસની ફ્લાઈટને 31 કલાક લાગતા હતા. નવા ઉડ્ડયનમાં બે કલાક ઓછા લાગે છે. આવી ફ્લાઈટ ઊડવાનું કારણ એ છે કે ચીનમાં જન્મેલા 55 હજાર લોકો આર્જેન્ટિનાના નિવાસી હોવાથી પેસેન્જરોની આવન-જાવન નિયમિત છે. વિશ્વની સૌથી લાંબી કમર્શિયલ ફ્લાઈટનો રેકોર્ડ એના નામે છે, પણ એક જગ્યાએ ઉતરાણ કરતી હોવાથી વિશ્વની સૌથી લાંબી ડિરેક્ટ ફ્લાઈટનો રેકોર્ડ એના નામે નથી. હાલ આ વિક્રમ સિંગાપોરથી ન્યૂયોર્કની 19 કલાકની નોન સ્ટોપ ફ્લાઈટના નામે છે. અલબત્ત, 2027માં આ વિક્રમ તૂટી જવાનો છે, કારણ કે 10 હજાર 573 માઈલનું અંતર કાપતી સિડનીથી લંડનની બાવીસ કલાકની ફલાઇટ શરૂ થવાની છે.

લ્યો કરો વાત 

એકવીસમી સદીના યંગસ્ટર્સમાં ગઈ કાલ, આજ અને આવતી કાલનો ત્રિવેણી સંગમ રચવાની ગજબની ઘેલછા જોવા મળે છે. આંધ્ર પ્રદેશથી વિખૂટા પડેલા તેલંગાણામાં જોવા મળેલી ‘પોઠરાજુ’ પ્રથા આનું આગવું ઉદાહરણ છે. બ્રાહ્મણ ન હોય એવા પુરોહિત ગ્રામ્ય મહોત્સવ અને તાંત્રિક વિધિ પાર પાડતા હોય છે. આ સિવાય તાવીજ કે માદળિયું આપવું, મૃત શરીર ફરતે નૃત્ય કરવું અને યુવતીઓને જોગણીયું બનાવી દેવી જેવી વિચિત્ર ફરજ તેઓ બજાવે છે. 

જોકે, આ પ્રથામાં વધી રહેલી જુવાનિયાની હાજરી આશ્ર્ચર્ય પમાડનારી હોય છે. સર્વે અનુસાર માત્ર ભક્તિભાવથી નહીં પણ જીવનમાં ઘર કરી ગયેલી નકારાત્મકતા ફગાવી દેવા યુવાનો હિંસક લાગતા નૃત્યમાં સહભાગી થાય છે. બેરોજગારી, સમાજ તરફથી સ્વીકૃતિની ઈચ્છા, સોશ્યલ મીડિયાની ઘેલછા અને શારીરિક સૌંદર્ય દેખાડવાની તમન્ના યુવાનોને પોઠરાજુ પ્રથા પ્રત્યે આકર્ષિત કરે છે.