અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા માટે આજે રૂ.1,099 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરના નાગરિકોને આવાસ, બ્રિજ, બાગ-બગીચા, તળાવો, ઓડિટોરિયમ તેમજ અન્ય આધુનિક શહેરી સુવિધાઓની મહત્વપૂર્ણ ભેટ મળી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે શહેરોના વિકાસમાં નાગરિકોના જીવનને વધુ સરળ અને સુવિધાસભર બનાવવા પ્રાથમિકતા આપી છે. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આજે અમદાવાદ શહેર પોતાની વૈશ્વિક ઓળખ જાળવી રાખીને આધુનિક વિકાસ તરફ મક્કમપણે આગળ વધી રહ્યું છે. નાગરિકોની સુખાકારી વધે અને શહેરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ મજબૂત બને તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા
તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અમદાવાદ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હાથ ધરાયા છે. જેમાં રોડ અને રસ્તાઓના 13,000 થી વધુ કામો, સ્ટોર્મ વોટર અને ગટર વ્યવસ્થા માટે 6,152 કામો, તેમજ નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પાણી વિતરણ પ્રણાલી મજબૂત બનાવવા અનેક યોજનાઓ અમલમાં મૂકાઈ છે.
તેમણે કહ્યું કે, અમદાવાદને ગ્રીન સિટી બનાવવાના પ્રયાસોને પણ નોંધપાત્ર સફળતા મળી છે. આ દિશામાં ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રેરણા હેઠળ રૂ.110 કરોડથી વધુના ખર્ચે આશરે 450થી વધુ વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે શહેરને વધુ સારી અને સુવિધાસભર જાહેર પરિવહન વ્યવસ્થા ઉભી કરવા માટે રૂ. 2,561 કરોડથી વધુના ખર્ચે 21 અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકાયા છે. અમદાવાદમાં બીઆરટીએસ અને મેટ્રો નેટવર્કને આધુનિક અને મોડેલ જાહેર પરિવહન તરીકે વિકસાવવામાં આવ્યા છે.
શહેરમાં રૂ. 4,501 કરોડથી વધુના ખર્ચે હજારો લાભાર્થીઓને આવાસ ઉપલબ્ધ
અમદાવાદ શહેરમાં રૂ. 4,501 કરોડથી વધુના ખર્ચે હજારો લાભાર્થીઓને આવાસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વચ્છતા ક્ષેત્રે પણ અમદાવાદે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને “સૌથી સ્વચ્છ શહેર”નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
તેમણે કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન થવાનું હોવાથી શહેરને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ વિકસાવવા માટેના વિશેષ પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટને ગિફ્ટ સીટી સુધી લંબાવવાનું આયોજન છે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. જેનાથી સમગ્ર વિસ્તારના હોલિસ્ટિક વિકાસને વેગ મળશે.
અમદાવાદના સ્મૃતિ ગ્રંથ - કોફી ટેબલ બુકનું અનાવરણ
તેમણે કહ્યું કે આપણા શહેરો, મહાનગરો અને ગામો સ્વચ્છ, હરિયાળા અને ક્લાઈમેટ-ફ્રેન્ડલી બને તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનીને કાર્ય કરવું જોઈએ. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકસિત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો હતો.મંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આંગણવાડી સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે રૂ.360 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જેના કારણે નવા આંગણવાડી ભવન અને સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકાઈ રહી છે. મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના સ્મૃતિ ગ્રંથ - કોફી ટેબલ બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.