નવી દિલ્હી: સરકારે મોટા પાયે જીવનજરૂરી ચીજ વસ્તુઓ પરના જીએસટીમાં ઘટાડાની જાહેરાત કરીને જનતાનો વિશ્વાસ જીતી લીધો પણ હવે હવે વિવિધ પરિબળોને કારણે અમુક ચીજવસ્તુઓમાં ફરી ભાવ વધારો થઈ રહ્યો છે, તેનાથી આમ આદમીના ખિસ્સા પર ભારણ વધ્યું હોવાનું જણાવ્યું હતું.
સપ્ટેમ્બરના જીએસટી દરમાં સુધારાને લીધે થોડા સમય માટે ભાવો સ્થિર રાખવામાં મદદ મળી હતી, પરંતુ હવે છ મહિના બાદ આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જણસોના વધતા ભાવ અને નબળા રૂપિયાને લીધે નફા પર દબાણ આવતા ભારતની ક્નઝયૂમર ગૂડ્સ માર્કેટમાં જણસોનો ભાવ પાંચ ટકા સુધી વધ્યો છે. હવે આ ત્રિમાસિકમાં ભાવ પરનો પ્રભાવ દેખાઈ રહ્યો છે. વિતરકોએ કહ્યું હતું કે રોજની આવશ્યક જણસો જેવી કે ડિટર્જન્ટ, હેર ઑઈલ, ચોકલેટ, નૂડલ્સ અને બ્રેકફાસ્ટ સિરીયલ્સના પૅક પર ઊંચા ભાવના લેબલ લાગ્યાં છે.
સપ્ટેમ્બરમાં જીએસટીના સુધારા પછી કંપનીઓએ જીએસટીના ઘટાડેલા દરના લાભ ભાવ ઘટાડીને કનઝયુમર ગૂડ્સમાં ગ્રાહકોને આપ્યો હતો. હવે આ સમયગાળા બાદ ભાવ વધવાનો રાઉન્ડ શરૂ થયો છે. નફાવિરોધી કાયદાની તપાસ ન થાય એ માટે કંપનીઓએ ભાવ ઘટાડવાનું પગલું લીધું હતું. હવે એ તબક્કો પૂરો થયો છે અને કંપનીઓ ભાવ વધારવાની તેમની તાકાત બતાડી રહ્યા છે.
રીયલ જ્યૂસ અને વાટિકા હેર ઑઈલ બનાવતા ડાબર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ મોહિત મલ્હોત્રાએ કહ્યું હતું કે અમે હાલના ચોથા ત્રિમાસિકમાં બે ટકાનો વધારાનો અમલ કરીશું. ભાવ વધારવાનું આવતા વર્ષે પણ ચાલુ રહેશે. નફાવિરોધી બાબતને લીધે અમારે ભાવવધારો મોકૂફ રાખવો પડ્યો હતો.
વિવિધ જણસોના વધતા ભાવ અને નબળા રૂપિયાને લીધે કંપનીના નફા પર દબાણ આવી રહ્યું છે. ખનીજ તેલના ભાવ વધી ગયા છે. આને લીધે સલ્ફર અને એન-પેરેફિનના ભાવ વધી ગયા છે. એક વર્ષમાં નારિયેળ તેલના ભાવ બમણા થઈ ગયા છે. છેલ્લા કેટલાયે મહિનાઓથી રૂપિયા ગગડી રહ્યો છે. 30 જાન્યુઆરીએ રૂપિયો તેની સૌથી નીચલી સપાટીએ બેસી ગયો હતો અને એક ડૉલરના 92.02 રૂપિયા થઈ ગયા હતા.
આ નબળાઈ વેપાર ખાધ અને વૈશ્ર્વિક અસમતુલાને લીધે આવી હતી. ઊંચા રેવેન્યુ છતાં નફા પર દબાણ છે. એફએમસીજી કંપનીઓએ ત્રીજા ત્રિમાસિકમાં નવ ટકાનો રેવેન્યુ ગ્રોથ નોંધાવ્યો હોવા છતાં નફાનું વિસ્તરણ સંકોચાયું હતું. બિસ્કિટ, નૂડલ્સ અને સ્નેક ફૂડની કેટેગરીમાં સેલ્સ વોલ્યૂમ વર્ષવારની રીતે છ ટકા વધ્યું હતું.