સુરેન્દ્રનગરઃ રાજકોટના ગઢકા ગામેથી ડેકા વાળા ખાતે દર્શનાર્થે જતા સંઘને લખતર-વિરમગામ હાઇવે પર ગત મોડી રાત્રે અકસ્માતન નડ્યો હતો. કાળમુખા ટ્રકે 10 પદ યાત્રિકોને હડફેટ લીધા હતા. જેમાં 7નાં કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે ૩ની હાલ ગંભીર છે.
મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષ
મળતી વિગત પ્રમાણે, રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે તેમને હડફેટે લીધા હતા. જેમાં 7 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 5 મહિલા અને 2 પુરુષ સામેલ છે.
રોડ યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઉઠ્યો
અકસ્માતના કારણે રોડ યાત્રાળુઓની મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો. પદયાત્રીઓના દેહ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને 108 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં RTI અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં ગુજરાતમાં માર્ગ સલામતીની વરવી વાસ્તવિકતા સામે આવી હતી. વર્ષે 2021 થી 2025 દરમિયાન રાજ્યમાં માર્ગ અકસ્માતની કુલ 79,054 ઘટના બની હતી. જેમાં 38,530 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે કે રાજ્યમાં દર કલાકે અકસ્માની બે ઘટના અને એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. સૌથી વધુ મૃત્યુ વર્ષ 2022માં નોંધાયા હતા, જેમાં 9,954 લોકોના મોત થયા હતા. વર્ષ 2025માં સૌથી વધુ 56,100 અકસ્માત નોંધાયા હતા.
આ ઉપરાંત રાજ્યમાં હિટ એન્ડ રનની વધતી ઘટના માર્ગ સલામતી માટે એક મોટી ચિંતા તરીકે ઉભરી આવ્યા હતા. 2020 થી 2024 દરમિયાન રાજ્યમાં કુલ 9597 બનાવો નોંધાયા છે. લોકસભામાં લોકસભામાં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ 1800 થી વધુ ઘટનાઓ બને છે, અર્થાત્ રોજની સરેરાશ 5 ઘટના બને છે.