Fri Apr 17 2026

Logo

નકલી આધાર, નકલી મેડિકલ વિઝા, મલેશિયન ચલણ સાથે દિલ્હી અને બંગાળમાં 24 બાંગ્લાદેશી ઝડપાયા

2 weeks ago
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને વસવાટ કરતા વિદેશી નાગરિકો વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓએ આકરું વલણ અપનાવ્યું  છે. પશ્ચિમ બંગાળ અને દેશની રાજધાની દિલ્હીમાં હાથ ધરવામાં આવેલા બે અલગ-અલગ મોટા ઓપરેશનમાં કુલ 24 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હોવાના અહેવાલ છે.  આ શખ્સો પાસેથી નકલી આધાર કાર્ડ અને અન્ય શંકાસ્પદ દસ્તાવેજો મળી આવતા સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એજન્સીઓ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી રહી છે.

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી રોડ સ્ટેશન પર રેલવે સુરક્ષા દળ (RPF) એ એક મોટી સફળતા મેળવી છે. દિલ્હી જતી નોર્થઈસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ દરમિયાન RPF એ 14 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી, જેમાં 5 પુરુષો, 5 મહિલાઓ અને 4 સગીર બાળકોનો સમાવેશ થાય છે. આરપીએફના જણાવ્યા મુજબ, ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં તેમની પાસેથી મળેલા આધાર કાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે તેમની પાસેથી મલેશિયન ચલણ પણ મળી આવ્યું હતું અને પૂછપરછમાં તેઓએ કામની શોધમાં કાશ્મીર જઈ રહ્યા હોવાની કબૂલાત કરી હતી.

બીજી તરફ, દિલ્હી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાનમાં 10 બાંગ્લાદેશી પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. આ નાગરિકો ભારતમાં રહેવા માટે કોઈ પણ માન્ય દસ્તાવેજ ધરાવતા નહોતા અને વિઝાની અવધિ પૂર્ણ થઈ હોવા છતાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ શખ્સો નકલી મેડિકલ વિઝાની ગોઠવણ કરીને બલ્ગેરિયા જવાના ફિરાકમાં હતા. 

પોલીસની ટીમો સતત ગુપ્ત માહિતી એકત્ર કરી રહી છે અને માન્ય ભારતીય દસ્તાવેજો વગર રહેતા લોકોની ઓળખ કરી રહી છે. પકડાયેલા તમામ બાંગ્લાદેશી નાગરિકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી એ જાણી શકાય કે ભારતમાં તેમને નકલી દસ્તાવેજો બનાવવામાં અને આશરો આપવામાં કોણ મદદ કરી રહ્યું હતું. આ કાર્યવાહીથી ગેરકાયદેસર વસવાટ કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.