એકસ્ટ્રા અફેરઃ
ભરત ભારદ્વાજ
સુપ્રીમ કોર્ટે ફરી એક વાર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે કે, સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તરફેણ કરી છે. સુપ્રીમ કોર્ટમાં શરિયત કાયદો 1937ની કેટલીક કલમો રદ કરવાની માગ કરતી અરજી થઈ છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, આ કાયદાઓના કારણે મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવ થાય છે તેથી આ કાયદા રદ કરી નાખવા જોઈએ. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે ભેદભાવની વાત સ્વીકારી છે પણ કહ્યું છે કે, મુસ્લિમ મહિલાઓ સાથે ભેદભાવનો મુદ્દો ગંભીર છે પણ તેના પર નિર્ણય લેવાનું કામ સંસદનું છે તેથી સંસદ યુનિફોર્મ સિવિલ કોડ બનાવીને આ ભેદભાવ દૂર કરે.
શરિયતમાં મુસ્લિમ પુરૂષોને ચાર પત્ની રાખવાની છૂટ અને મહિલાઓને સંપત્તિમાં હિસ્સો નહીં સહિતના કાયદા મહિલાઓના અધિકારોનું હનન કરનારા છે પણ સુપ્રીમ કોર્ટ તેમને રદ કરવાની હિંમત નથી બતાવી શકી. તેના બદલે કોર્ટે એવી દલીલ કરી કે, શરિયત કાયદાની કલમો રદ કરવામાં આવે તો મુસ્લિમોમાં સંપત્તિના વિભાજનને લઈને સ્પષ્ટ કાયદો રહેશે નહીં ને કાયદાકીય શૂન્યાવકાશ થઈ શકે છે. આ સંજોગોમાં જેમના અધિકારોની વાત થઈ રહી છે તેમને જ નુકસાન થાય એવું બની શકે છે.
અરજદારો વતી વકીલ પ્રશાંત ભૂષણે સૂચવ્યું કે, શરિયત કાયદાની કલમો રદ કરીને ભારતીય ઉત્તરાધિકાર કાયદો લાગુ કરી શકાય છે પણ સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ વલણ લેવા નથી માગતી તેથી તેણે સરકાર પર બધું ઢોળી દીધું. ભાજપ સરકારને આ રીતે સુપ્રીમ કોર્ટે વારંવાર ટકોર કરી છે પણ સરકારને યુસીસી લાવવામાં રસ નથી તેથી સુપ્રીમ કોર્ટની ટકોર છતાં આ મામલો લટકેલો જ રહેશે એવું લાગે છે.
સુપ્રીમ કોર્ટની વારંવારની ટકોર છતાં ભાજપ સરકાર યુનિફોર્મ સિવિલ કોડ કેમ લાગુ કરતી નથી એ સવાલ મહત્ત્વનો છે. ભાજપ શાસિત ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ થઈ ગયો છે અને ગુજરાત સહિત દેશનાં બીજાં રાજ્યોમાં પણ તેના અમલની તૈયારીઓ ચાલી રહી છે પણ ભાજપ કેન્દ્રમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ નથી કરી રહ્યો. ભાજપ શાસિત રાજ્યોમાં પણ યુનિફોર્મ સિવિલ કોડનું ગાજર લટકાવી રખાયું છે પણ અમલ તો એક જ રાજ્યમાં થયો છે.
ભાજપ કેન્દ્રમાં સત્તા પર આવ્યો એ પહેલાંથી યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાતો કરતો હતો પણ કેન્દ્રમાં સરકારનાં 12 વર્ષ પછી પણ તેનો અમલ નથી કરાયો એ જોતાં ભાજપ ખરેખર યુનિફોર્ન સિવિલ કોડ લાગુ કરવા મુદ્દે ગંભીર છે કે પછી લોકોને ફોસલાવવા માટે યુનિફોર્મ સિવિલ કોડની વાતો કર્યા કરે છે એ સવાલ છે.
ભાજપે ઉત્તરાખંડમાં હજુ હમણાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કર્યો પણ તેની જાહેરાત તો પાંચ વર્ષ પહેલાં કરાયેલી. ઉત્તર પ્રદેશમાં તો 2017માં એટલે કે લગભગ 10 વર્ષ પહેલાં ભાજપે યુનિફોર્મ સિવિલ કોડનું કાર્ડ ખેલ્યું હતું. યુપીમાં ભાજપ સરકારની બીજી ટર્મ છે પણ યુનિફોર્મ સિવિલ કોડનું ગાજર હજુ લટકેલું જ છે.
2017માં યુપીમાં ચૂંટણીની જાહેરાત નહોતી થઈ તેના બહુ પહેલાં મોદી એ વાત પર સતત ભાર મૂકતા હતા કે, ટ્રિપલ તલાકની વાહિયાત પ્રથા નાબૂદ કરવી જોઈએ અને દેશના તમામ નાગરિકોને સમાન હક આપતો યુનિફોર્મ સિવિલ કોડ દેશમાં અમલી બનવો જોઈએ. આ કાયદો તેમની સરકારે જ અમલી બનાવવાનો છે એ જોતાં મોદી કયા મૂરતની રાહ જોઈ રહ્યા છે એ જ ખબર નથી પડતી.
ઘણા બંધારણીય નિષ્ણાતોના મતે તો યુનિફોર્મ સિવિલ કોડ બંધારણીય જોગવાઈ હોવાથી તેનો અમલ કરવા માટે કેન્દ્ર સરકારે એક નોટિફિકેશન જ બહાર પાડવાની જરૂર છે. બંધારણની કલમ 14 હેઠળ સમાનતાનો મૂળભૂત અધિકાર તમામ નાગરિકોને અપાયેલો છે જ્યારે કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાનું કહેવાયું છે. આ સંજોગોમાં યુનિફોર્મ સિવિલ કોડ માટે નવો કાયદો લાવવાની જરૂર જ નથી. સમાનતાના અધિકાર હેઠળ તમામ નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ અમલી બનાવીને બાકીના તમામ વિરોધાભાસી કાયદા કેન્દ્ર સરકાર રદ કરી શકે એવો નિષ્ણાતોનો અભિપ્રાય છે.
આ અભિપ્રાય સાચો છે કે ખોટો એ નક્કી કરવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે પણ એ તો પછીનો મુદ્દો છે. મોદી સરકાર પહેલાં નોટિફિકેશન બહાર પાડીને યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાની જાહેરાત તો કરે. આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકારાશે જ તેથી તેની બંધારણીયતા પણ નક્કી થઈ જશે. માનો કે સુપ્રીમ કોર્ટ નોટિફિકેશનને માન્ય ના રાખે તો પછી સંસદમાં કાયદો લાવવાનો વિકલ્પ અજમાવવો પડે પણ અત્યારે મોદી સરકાર નોટિફિકેશન બહાર પાડીને અમલ કરવાની દિશામાં એક પગલું તો ભરી જ શકે.
મોદી સરકાર આ નોટિફિકેશન બહાર નથી પાડતી તેનું કારણ યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દાનો રાજકીય ફાયદો લેવાની ગણતરી છે. ભાજપે 10 વર્ષના શાસન દરમિયાન લોકસભાની છેલ્લી 3 ચૂંટણીનાં પરિણામોના આધારે એક તારણ કાઢ્યું છે કે, કોઈ પણ મુદ્દાને ઉકેલી નાખો એટલે પછી તેમાંથી રાજકીય ફાયદો મળતો બંધ થઈ જાય છે તેથી મુદ્દાને ઉકેલવો નહીં પણ સળગતો રાખવો.
ભાજપ યુનિફોર્મ સિવિલ કોડની સાથે સાથે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370 ની નાબૂદી અને અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ એ ત્રણ મુદ્દાને વરસોથી ચગાવતો હતો. 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સતત બીજી વાર જીત મળી પછી ભાજપે યુસીસી સિવાયના બાકીના બે મુદ્દા ઉકેલી નાખ્યા. તેના જોરે લોકસભાની 2024ની ચૂંટણીમાં ભાજપ 35 બેઠકો જીતવાનાં સપના જોતો હતો પણ 240 બેઠકો પર લટકી ગયો ને સ્પષ્ટ બહુમતી પણ ના મળી.
ભાજપને ડર હશે કે, યુનિફોર્મ સિવિલ કોડ પણ લાવી દઈશું તો પછી લોકોને તેમાંથી પણ રસ ઊડી જશે ને ભાજપ પાસે મુસ્લિમોને ગાળો આપીને હિંદુઓને આકર્ષવા માટે મુદ્દો નહીં જ રહે. આ કારણે ભાજપ સરકાર યુસીસીનો અમલ કરવામાં ઠાગાઠૈયા કરતી હોય એ શક્ય છે. ભાજપની રાજકીય મજબૂરીઓ પણ કારણભૂત હોઈ શકે છે. ભાજપ પાસે લોકસભામાં સ્પષ્ટ બહુમતી નથી ને નીતીશ કુમાર તથા ચંદ્રાબાબુ નાયડુના ટેકાથી સરકાર ચાલે છે. આ બંને નેતા મુસ્લિમોના પગોમાં આળોટનારા છે તેથી તેમને નારાજ નહીં કરવા માટે પણ હમણાં યુસીસીનો વિચાર ના કરાતો હોય એ પણ શક્ય છે.
બીજું એક કારણ એ પણ હોઈ શકે કે, ભાજપને પણ હવે મુસ્લિમોના મતો જોઈએ છે. ભાજપ પસમંદા મુસ્લિમોને પટાવવા માટે પાસા ફેંક્યા જ કરે છે. હવે મુસ્લિમ પર્સનલ લો લાગુ કરાય તો મુસ્લિમો ભાજપથી સાવ વેગળા થઈ જશે એવો સરકારને ડર હોઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આડે વરસ જ બચ્યું છે ત્યારે મુસ્લિમો નારાજ ના થાય એ માટે યુસીસીને નહીં અડકવાની નીતિ અપનાવાઈ હોય એ પણ શક્ય છે.
કારણ ગમે તે હોય પણ અત્યારે આ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં નથી એ હકીકત છે. સુપ્રીમ કોર્ટ વારંવાર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાની તાકીદ વરસોથી કર્યા કરે છે પણ સરકાર સળવળાટ નથી બતાવતી. છેક ઓક્ટોબર 2015માં સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરવાની તાકીદ કરેલી ને સાફ શબ્દોમાં કહેલું કે, દેશમાં દરેક ધર્મના લોકો માટે અલગ અલગ કાયદા હોય એ ના ચાલે.
સુપ્રીમ કોર્ટે ચીમકી પણ આપી હતી કે, સરકાર યુનિફોર્મ સિવિલ કોડનો અમલ નહીં કરે તો પોતે ફરમાન કરીને યુનિફોર્મ સિવિલ કોડનો અમલ કરાવવો પડશે. સુપ્રીમ કોર્ટે ચીમકી આપી પણ અમલ ના કર્યો ને ભાજપ સરકારને રસ નથી તેથી યુસીસી લટકેલો છે. સુપ્રીમ કોર્ટની નવી તાકીદ પછી પણ આ સ્થિતિ બદલાય એવી આશા નથી.