નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાની સ્થિતિ લઈને ભારત સરકાર હાલ સખત ચિંતા વ્યક્ત કરી રહી છે અને તેના પરિણામે દેશની રાષ્ટ્રીય સુરક્ષા તેમ જ ઊર્જા સપ્લાય પર જે અસરો થઈ રહી છે તેની સમીક્ષા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ રહી છે. ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલા બાદ પશ્ચિમ એશિયામાં બગડતી પરિસ્થિતિ અને ભારત પર તેની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શનિવારે મંત્રીઓ સાથે હાઈલેવલ બેઠક બોલાવી છે. આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
PM નરેન્દ્ર મોદીએ સાઉદી પ્રિન્સ સાથે કરી વાત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પશ્ચિમ એશિયામાં વધતા જતા સંકટ વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે વાત કરી છે. બંનેએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી. પીએમ મોદીએ આ વાતચીત અંગે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘મેં ઉર્જા માળખા પરના હુમલા અંગે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો છે.
Spoke with Crown Prince and PM of Saudi Arabia, HRH Prince Mohammed bin Salman and discussed the ongoing conflict in West Asia.
— Narendra Modi (@narendramodi) March 28, 2026
I reiterated India’s condemnation of attacks on regional energy infrastructure.
We agreed on the need to ensure freedom of navigation and keeping…
વધુમાં પીએમ મોદીએ લખ્યું કે, ‘અમે નેવિગેશનની સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા અને શિપિંગ લાઇન ખુલ્લી અને સુરક્ષિત રાખવાની જરૂરિયાત પર સંમત થયા છીએ’. આ વાતચીત દરમિયાન પીએમ મોદીએ સાઉદી અરેબિયામાં ભારતીય સમુદાયના કલ્યાણ માટે તેમના સતત સમર્થન બદલ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો આભાર માન્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા શું અપીલ કરવામાં આવી?
ઈરાન યુદ્ધને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધીમાં અનેક બેઠકો કરવામાં આવી છે. આ સાથે લોકોને પણ વિશ્વાસમાં પણ લીધા છે કે, કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પાસે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારત પાસે ઈંધણની કોઈ જ અછત નથી તેવું પણ કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલય દ્વારા પણ સ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. વિદેશ મંત્રાયલના કહ્યાં પ્રમાણે પશ્ચિમ એશિયામાં રહેતા ભારતીય નાગરિકોને તમામ સંભવ મદદ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.