(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત શહેર પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત પીસીબી પોલીસને મોટી સફળતા મળી હતી. પીસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે, 'સમૃદ્ધ જીવન ફૂડ્સ ઇન્ડિયા' અને 'સમૃદ્ધ જીવન મલ્ટી સ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી' નામે કરોડોની છેતરપિંડી આચરનાર આરોપી મહેશ કિશન મોતેવારને લાજપોર જેલ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો.
આ આરોપી વર્ષ 2024થી દાહોદ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના ચીટિંગના ગુનામાં નાસતો-ફરતો હતો અને લાજપોર જેલમાં બંધ તેની પત્નીને મળવા માટે આવ્યો ત્યારે પોલીસે તેને દબોચી લીધો હતો.
આરોપીની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેણે ભારતભરમાં કંપનીની બ્રાન્ચો ખોલી ગ્રાહકોને 16 ટકા વ્યાજ આપવાની લાલચ આપી રોકાણો કરાવ્યા હતા. માત્ર દાહોદ ખાતે જ ગ્રાહકો પાસેથી આશરે રૂ. 29,24,310 નું રોકાણ કરાવી ઓફિસ બંધ કરી તે ફરાર થઈ ગયો હતો.
આ આરોપી વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 406, 420, 120(બી) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટ અને પ્રાઈઝ ચીટિંગ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલ સુરત પીસીબીએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેનો કબજો વધુ તપાસ અર્થે દાહોદ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરી હતી.