સુરત: ડાયમંડ સિટી સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલી જાનકી રેસીડેન્સીમાં સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન હિંસક અથડામણ થઈ હતી. ફરિયાદ મુજબ, ચિરાગભાઈ કોસંબિયા જ્યારે તેમના મિત્રો સાથે બેસીને ટુર્નામેન્ટ અંગે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે તે જ સોસાયટીમાં રહેતા ભરતભાઈ સુરતીએ આવીને મીટિંગ બાબતે ઉગ્ર દલીલો શરૂ કરી હતી. આ સામાન્ય બોલાચાલીએ ટૂંક સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટનાની વિગતો મુજબ, બોલાચાલી બાદ આરોપી ભરતભાઈ સુરતી પોતાની બાઈક લઈને સોસાયટીના અન્ય બે રહીશો, હિરેનભાઈ બરોડીયા અને વિપુલભાઈ બરોડીયાને બોલાવી લાવ્યા હતા. આ ત્રણેય વ્યક્તિઓએ ભેગા મળીને ચિરાગભાઈ પર હુમલો કર્યો હતો. જેમાં મુખ્ય આરોપી ભરતભાઈએ પોતાની પાસે રહેલી હથોડી વડે ચિરાગભાઈને ગળાના ભાગે ફટકો માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હુમલા દરમિયાન આરોપીઓએ ગાળાગાળી અને ઝપાઝપી કરી વાતાવરણ તંગ બનાવ્યું હતું. સોસાયટીના અન્ય સભ્યો વચ્ચે પડતા વધુ અનિચ્છનીય ઘટના ટળી ગઈ હતી. ભોગ બનનારની પત્નીએ તાત્કાલિક 112 પોલીસ હેલ્પલાઈન પર ફોન કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે જહાંગીરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાયક સુરક્ષા સંહિતા (B.N.S.S.) ની કલમ 115(2), 351(3), 352, 54 અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.