(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: શેરબજારમાં આજે ૧૩ના અનલકી આંકડા સાથે કાળામેંશ બ્લેક ફ્રાઇ ડેના દિવસે શેરધારકોને ભારે નુકસાની થઇ છે. પાછલા ત્રણ સત્રમાં સેન્સેક્સમાં ૩૭૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો છે અને આગળ પણ કોઇ સુધારાની આશા નથી.
ક્રૂડ ઓઇલના ભાવ ફરી ૧૦૦ ડૉલર વટાવી ગયા હોવાના અહેવાલ અને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની સતત વધતી જતી તીવ્રતાને કારણે વધી ખરડાયેલા માનસ વચ્ચે વેચવાલીનું દબાણ વધી જવાથી શુક્રવારે સેન્સેક્સ લગભગ ૧,૪૦૦ પોઈન્ટથી વધું તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૩,૨૦૦થી નીચે ઉતરી ગયો હતો. બીએસઇનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૪૦.૦૬ લાખ કરોડ સામે રૂ.૧૦.૨૪ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૯.૮૨ લાખ કરોડના સ્તરે પહોંચ્યું હતું.
સતત ત્રીજા સત્રની પીછેહઠમાં સેન્સેક્સ ૧,૪૭૦.૫૦ પોઇન્ટ અથવા તો ૧.૯૩ ટકાના કડાકા સાથે ૭૪,૫૬૩.૯૨ પોઇન્ટની અને નિફ્ટી ઇન્ડેક્સ ૪૮૮.૦૬ પોઇન્ટ અથવા તો ૨.૦૬ ટકાના ઘટાડા સાથે ૨૩,૧૫૧.૧૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.
વ્યાપક વેચવાલી વચ્ચે મોટાભાગના સેક્ટરલ ઇન્ડેક્સમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં નિફ્ટી મેટલમાં મોટી નુકસાની નોંધાઇ હતી. ત્યારબાદ રિયલ્ટી, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ અને પીએસયુ બેંક ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો હતો. ફાઇનાન્શિયલ અને ઓટો સેકટર્સમાં પણ નબળાઇ જોવા મળી હતી.
એફએમસજી એકમાત્ર ગ્રીન જોનમાં બંધ રહ્યું હતું, જે એકંદર મંદીના માહોલ વચ્ચે રોકાણકારોની રક્ષણાત્મક ખરીદી સૂચવે છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ એકતરફ યુદ્ધ સમાપ્તિની વાતો કરી રહ્યા છે, ત્યારે ઇરાને સામે મોટા પડકારો ઊભા કર્યા છે અને હોર્મુઝ સ્ટ્રેઇટ બંધ થવાને કારણે સમગ્ર વૈશ્ર્વિક અર્થતંત્રને ફટકો પડી રહ્યો છે.
ઇરાને નવા પ્રકારની મિસાઇલોનો ઉપયોગ શરૂ કર્યો હોવાના અને હોર્મુઝ ખાડીમાંથી પસાર થતા વધુ ઓઇલ ટેન્કર સહિતનાં જહાજો ઊડાવ્યા હોવાના અહેવાલો સાથે ઇઝરાયલે પણ સામે વધુ આક્રમક અને વિનાશકારી હુમલાઓ કર્યા હોવાના અહેવાલ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો છે.
વૈશ્ર્વિક શેરબજારમાંથી નબળા સંકેતો અને અમેરિકા તથા ઈરાન વચ્ચે ચાલી રહેલા લશ્કરી સંઘર્ષને કારણે ઊર્જા પુરવઠામાં સંભવિત વિક્ષેપ અને ફુગાવા અંગેની ચિંતાઓએ રોકાણકારોને વધુ વેચવાલી કરવા પ્રેર્યા હતા. આ ઉપરાંત એફઆઇઆઇની સતત વેચવાલીએ પણ ઇક્વિટી માર્કેટનું સેન્ટિમેન્ટ બગાડ્યું હતું.
ક્રૂડ ઓઇલ સપ્લાયમાં સંભવિત વિક્ષેપો, વધતા ફુગાવાના દબાણ અને આર્થિક વિકાસ પર સંભવિત અસર અંગેની ચિંતા તેમ જ વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સતત વેચાણ અને રૂપિયામાં નબળાઈએ રોકાણકારોનું માનસ ખોરવી નાખ્યું છે.