Tue Apr 21 2026

Logo

શિવ રહસ્ય: ધર્મી જીવ જ સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રિવિધ તાપથી બચી શકે

1 day ago
Author: Bharat Patel
Article Image

- ભરત પટેલ

ભગવાન શિવ પોતાના પ્રાણપ્રિય ભક્ત મહારાજા વૃષધ્વજની અવસ્થા જોઈ ખૂબ રોષે ભરાયા. તેમણે ત્રિશૂળ ઉઠાવ્યું અને સૂર્યની પાછળ દોટ મૂકી. સૂર્યદેવ ભયભીત થઈ બ્રહ્મલોક તરફ દોડવા લાગ્યાં. સમગ્ર આકાશલોકમાં દેવતાઓની ભાગદોડ મચી ગઈ. ગભરાયેલા સૂર્ય દેવ બ્રહ્મલોક પહોંચ્યા. બ્રહ્માજીએ પૂછયું, `સૂર્યદેવ તમે આટલા ગભરાયેલા કેમ છો?' જવાબ આપતાં સૂર્યદેવ બોલ્યાં, `પરમપિતા મેં ક્રોધાવેશમાં રાજા વૃષધ્વજને શાપ આપ્યો કે  તારું કુળ અને કીર્તિનો નાશ થાય, તેથી ભગવાન શિવ ક્રોધાયમાન થયા છે અને તેમનું ત્રિશુળ લઈ મારી પાછળ આવી રહ્યા છે. મારી રક્ષા કરો બ્રહ્મદેવ. હું તમારી શરણે છું.' એ જ સમયે ભગવાન શિવ ત્યાં આવી પહોંચે છે. ગભરાયેલા સૂર્યદેવ બ્રહ્માજીની પાછળ સંતાઈ જાય છે.  

બ્રહ્માજી ભગવાન શિવની સ્તુતી કરતા કહે છે, `હે ઉમાપતિ! આપ તો પરમ કલ્યાણકારી દેવાધિદેવ મહાદેવ છો, આપ જ દેવતાઓનું રક્ષણ કરી શકો છો. સૂર્યદેવને માફ કરો.' ભગવાન શિવ કહે છે, `હે બ્રહ્મદેવ હું તો મારા ભક્તોને આધીન છું. દેવતાઓ કરતાં મને મારા ભક્તો વધુ વ્હાલા અને પ્રિય છે. હું મારા ભક્તો માટે સૃષ્ટિનો વિનાશ પણ નોતરી શકું છું. સૂર્યદેવે મારા પરમ ભક્ત વૃષધ્વજને શાપ આપ્યો છે કે, તેના કુળ અને કીર્તિનો નાશ થાય. દેવતાઓના શાપ કદીય મિથ્યા થતા નથી. હું સૂર્યદેવને અવશ્ય દંડીશ.' બ્રહ્માજીની પ્રાર્થના કરતાં કહે છે, સૂર્યદેવને ભગવાન શ્રીહરિ વિષ્ણુ પાસે લઈ જઈએ તેઓને જે દંડ યોગ્ય લાગશે તે દંડ આપ તેને આપી શકશો.' 

ભગવાન શિવને એ વાત યોગ્ય લાગતાં તે વિષ્ણુલોક પહોંચ્યાં. ભગવાન શિવે ભગવાન શ્રીહરિ વિષ્ણુને સઘળી હકીકતથી વાકેફ કર્યાં. ભગવાન શ્રીહરિ વિષ્ણુએ કહ્યું કે, `હે દેવાધિદેવ! તમે સૌ પ્રથમ સૂર્યદેવ પાછળ બ્રહ્મલોક ગયા અને ત્યારબાદ અહીં આવ્યા, પણ આટલીવારમાં તો દેવતાઓની એક ઘડી પણ વીતી ગઈ. દેવતાઓની એક ઘડી એટલા મનુષ્યોનો એક યુગ! આટલા સમયમાં તો પૃથ્વી પર ઘણા વરસો વીતી ગયાં. રાજા વૃષધ્વજ અને તેના પુત્રો ધર્મધ્વજ અને કુશધ્વજ પણ નામશેષ થઈ ગયા.

 રાજાની પેઢીઓ પણ સમાપ્ત થઈ ગઈ. તમારા ભક્તનું અસ્તિત્વ જ હવે રહ્યું નથી તો સૂર્યદેવને દંડ શું કામ? મારી વિનંતી છે કે ભૂતકાળને ભૂલી જાઓ.' ભગવાન શિવને ભગવાન શ્રીહરિ વિષ્ણુની વાત યોગ્ય લાગી. સૂર્યદેવને અવસર મળતાં જ તે ભગવાન શિવના ચરણમાં ઢળી પડયા. પોતાના ચરણમાં પડેલા સૂર્યદેવને ભગવાન શિવે સસ્મિત ક્ષમા આપી.

એક સમયે દંડકારણ્યમાં નંદભદ્ર નામે એક પ્રામાણિક વેપારી પ્રખર શિવભક્ત હતો. એ સમયે એવું કહેવાતું કે નીતિમત્તા તો નંદભદ્રની! ક્યારેય તે અનીતિ ન આચરે. આ વેપારી એવો તો ધર્મનિષ્ઠ હતો કે લોકો તેને ધર્માત્મા નંદભદ્ર કહીને સંબોધતા. નંદભદ્રની કોઈ પ્રશંસા કરે તે તેને ગમતું નહીં, પોતે ક્યારેય પોતાના વખાણ કરતો નહોતો. સાદગીથી જીવન ગુજારતાં શિવભક્તિમાં લીન રહેતો હતો. રાત્રે સૂતી વખતે સરવૈયું માંડતા વિચાર કરતો કે, પોતાનાથી આજે દિવસ દરમિયાન કોઈ ખોટું કામ તો નથી થયું ને? કદાચ કંઈ થયું હોય તો પ્રાયશ્ચિત માટે પણ તૈયાર રહેતો.

શિવભક્ત નંદભદ્રના પડોશમાં સત્યવ્રત નામનો એક યુવક રહેતો હતો. તે હંમેશાં નંદભદ્રની નિંદા અને કૂથલી કરતો રહેતો. આ સત્યવ્રત સાવ નાસ્તિક હતો. એ દૂરાચારી સત્યવ્રત એવા મોકાની રાહમાં હતો કે જેથી તે નંદભદ્રને ધર્મભ્રષ્ટ કરી શકે.

એવામાં એક દિવસ અચાનક નંદભદ્રનો એકનો એક પુત્ર મૃત્યુ પામ્યો. પુત્રના મૃત્યુનો આઘાત સહન ન કરી શકતાં નંદભદ્રની પત્ની કનકા પણ મૃત્યુ પામી. બંનેના અકાળે થયેલા અવસાનથી નંદભદ્રને આઘાત લાગ્યો, તેણે થોડા જ દિવસોમાં મન મનાવી લીધું કે ભગવાન શિવની ઈચ્છા. તેની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તલભાર પણ ન ડગી. પત્ની કનકાના મૃત્યુ બાદ ગૃહસ્થધર્મ નિભાવવો દુષ્કર થતું હતું. એક દિવસ મોકો મળતાં જ સત્યવ્રતે કહ્યું, `હે ધર્માત્મા નંદભદ્ર તમારા પર જે આપત્તિ આવી પડી છે તે જોતાં મને તો એમ લાગે છે કે, ધર્મ તો કેવળ આઘાત આપવાનું સાધન છે, જ્યારથી તમે પથ્થર પૂજવાનું ચાલુ કર્યું છે ત્યારથી તમારી દુર્દશા બેઠી છે. 

તમારો વ્હાલોસોયો એકનો એક પુત્ર ગુજરી ગયો, તમારા ધર્મપત્ની પણ તમને એકલા મૂકી ચાલ્યા ગયાં. આવું ફળ તો કુકર્મીઓને જ મળે, તમારા જેવા ધર્માત્મા કે ધર્મનિષ્ઠને ન મળે. તમે અત્યારે બ્રાહ્મણોને જમાડો છો, આ બ્રાહ્મણો ભોજન કરે તે શું મૃત્યુ પામેલાને મળતું હશે? મને તો એમ લાગે છે કે, આ જગતનું નિર્માણ કરનાર ઇશ્વર જેવું કંઈ હોતું નથી. મનુષ્ય જ સર્વોપરિ હોવો જોઈએ. આકાશ, પૃથ્વી, તેજ, વાયુ વગેરે સ્વાભાવિક જ છે. પાપ પુણ્યની કથાઓ હવે યોગ્ય લાગતી નથી. ભય વગર પીતિ ન થાય, બાકી ધર્મ તો દ્રવ્યોપાર્જનકરવાનું એક સાધન છે.

પડોશી સત્યવ્રત અત્યારે આશ્વાસન આપવાને બદલે ઘા પર મીઠું ભભરાવી રહ્યો હતો, પરંતુ શુદ્ર સત્યવ્રતની ક્ષુલ્લક વાતો સાંભળી શિવભક્ત નંદભદ્ર પર આની કોઈ અસર ન થઈ. તેણે સસ્મિત કહ્યું, `મિત્ર સત્યવ્રત! તારું નામ બહુ સુંદર છે, તું કહે છે કે ધર્મનું આચરણ કરનાર સદા દુ:ખી રહે છે તે અસત્ય છે! તું મારી પાસે બેસ ધર્મ શું છે એ તને સમજાવું,

શિવભક્ત નંદભદ્ર:- `ધર્મની પરિભાષા છે કે, `યત અભ્યુદય નિ:શ્રેયસસિદ્ધિ: સ ધર્મ:' અર્થાત્‌‍ : `જેના આચરણથી આ લોકમાં અભ્યુદય થાય, સુખશાંતિ મળે અને પરલોકમાં સુગતિ મળે તે ધર્મ. ભાઇ ધર્મનું, સત્સંગનું કે ઈશ્વરભજનનું છેવટનું ફળ સદાચાર જ છે. ધર્મની કસોટી દુ:ખમાં જ થાય છે હું તો શિવજી પાસે માગું  છું કે,

"ઉમા ઈશ હું આપને પાય લાગું,

કરી ભક્તિ સદા મુક્તિ માગું.

નહિ કોઈ અન્ય વસ્તુ પ્યારી,

દિયો ભક્તિ શંભુ સદાય તમારી.'

પતિકુળતા એ ઇશ્વર તરફથી મોકલાવેલ કૃપાપ્રસાદ જ છે. ધર્મ માટે જે જીવન સમર્પિત કરે છે તેનું રક્ષણ પણ ધર્મ જ કરે છે. તું તારી જાતને નાસ્તિક માને છે, પણ તું નાસ્તિક નથી, કારણ કે ધર્મને અવગણનાર પણ ધર્મ વગર જીવી શકતો નથી. ધર્મનું પાલન કરવાથી આપણા મનને અને તનને અપાર શાંતિ બક્ષે છે.

તું જો ધર્મની આરાધના કરતી વખતે માથે મોત  ભમી રહ્યું છે એમ વિચારીશ તો ધર્મની આરાધના એકચિત્તથી કરી શકીશ.  ધર્મની ભૂમિકા શુદ્ધ હૃદય છે.  ધર્મનું બીજ એ પવિત્ર ભૂમિમાં જ અંકુરિત થાય છે. ધર્મનું આચરણ કરનાર ધર્મી જ સાચો શ્રીમંત છે અને અધર્મી ખરેખર કંગાળ છે. સાદી અને સરળ ભાષામાં કહું તો ધર્મ - જન્મ્યા ત્યારથી એટલે માતાના ઉદરમાંથી જન્મ્યા ત્યારથી સ્મશાનની ચિતામાં પોઢવા સુધીની સમાજ, સ્વદેશ અને વિશ્વ પ્રત્યેની આપણી નૈતિક ફરજ છે.

ધર્મનો હેતુ લોકોનો અભિપ્રાય બદલવાનો નથી, પરંતુ એનું જીવન બદલવાનો છે. ધર્મ જ નિત્ય છે. સર્વ શત્રુઓનો નાશ કરી શકે એવું મહાબળ ફક્ત ધર્મમાં જ છે. બધા બળથી ધર્મનું બળ ચઢિયાતું  છે. ધર્મની જે શુદ્ધભાવથી અંતરમાં ધારણા કરે છે, તે જ નિર્મળ અને પુલકિત બને છે, જે માત્ર ધર્મની ફક્ત ચર્ચા કરે છે તે માનવજીવનને વ્યર્થ રીતે ગુમાવે છે.

ધર્મોપદેશ સાંભળ્યો ત્યારે જ કહેવાય જ્યારે તે ઉપદેશને આચાર ને વિચારમાં ઉતારી ધર્મમય જીવન વ્યતીત કરે. ધર્મી જીવ જ સંસારના આધિ, વ્યાધિ અને ઉપાધિ જેવા ત્રિવિધ તાપથી બચી શકે છે. ધર્મવિહોણાં તેમાં તપે છે. ધર્મનું જે કોઈ રક્ષણ કરે  તેનું રક્ષણ સદા ધર્મ કરે છે. ધર્મની કમાણી આ લોક અને પરલોકમાં કામ આવે છે.

ધર્મ વિનાનું જીવન અને પ્રાણ વિનાનું શરીર શબ સમાન છે. શિવકથા અને શિવભક્તિ પાપને બાળે છે, સારા વિચાર અને કાર્ય કરવાની પ્રેરણા આપે છે, તેમ જ તન અને મનને શાંતિ આપે છે.   (ક્રમશ:)