મુંબઈ: બોલીવુડના દિગ્ગજ દિગ્દર્શક નિતેશ તિવારીની અત્યંત મહત્વાકાંક્ષી ફિલ્મ 'રામાયણ'નું ટીઝર રિલીઝ થતાની સાથે જ સિનેજગતમાં હલચલ મચી ગઈ છે. આ ફિલ્મ તેના ભવ્ય સેટ્સ અને અત્યાર સુધીના સૌથી મોટા બજેટને કારણે સતત ચર્ચામાં છે. ટીઝર બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મના કલાકારો અને તેમના લૂક વિશે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ ફિલ્મને સૌથી ભવ્ય ગણવામાં આવી રહી છે, જે પૌરાણિક કથાને આધુનિક ટેકનોલોજી સાથે રજૂ કરશે.
આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, રણબીર કપૂર ભગવાન રામના મુખ્ય રોલમાં જોવા મળશે, જ્યારે સાઈ પલ્વી માતા સીતાનું પાત્ર ભજવી રહી છે. આ સિવાય રવિ દુબે લક્ષ્મણના પાત્રમાં અને સની દેઓલ બજરંગબલી હનુમાનના પાવરફુલ રોલમાં નજરે પડશે. રાવણની ભૂમિકા માટે દક્ષિણ ભારતીય સુપરસ્ટાર યશની પસંદગી કરવામાં આવી છે. અંદાજે 4000 કરોડના ખર્ચે બની રહેલી આ ફિલ્મમાં દરેક પાત્ર પાછળ ખાસ મહેનત કરવામાં આવી રહી છે.
આ આખી સ્ટારકાસ્ટમાં સૌથી વધુ જેની ચર્ચા થઈ રહી છે તે છે અભિનેત્રી શીબા ચડ્ઢા. 'રામાયણ'માં મહત્વની ભૂમિકા ભજવતી 'મંથરા'ના પાત્ર માટે તેમની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ વિવેચકોનું માનવું છે કે શીબા આ ફિલ્મ માટે 'ગેમ ચેન્જર' સાબિત થઈ શકે છે. દિલ્હીમાં જન્મેલા અને થિયેટરથી કારકિર્દીની શરૂઆત કરનાર શીબા ચડ્ઢા પોતાની ગંભીર અને વાસ્તવિક એક્ટિંગ માટે જાણીતા છે. હવે જોવાનું એ રહેશે કે તે દાયકાઓ પહેલા લલિતા પવારે ભજવેલા આ આઈકોનિક પાત્રને કેવી રીતે નવો ઓપ આપે છે.
શીબા ચડ્ઢાએ એક્ટિંગની દુનિયામાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. તેમણે શાહરૂખ ખાનની ફિલ્મ 'દિલ સે' દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 'દમ લગા કે હઈશા', 'બધાઈ હો' અને 'ગલી બોય' જેવી ફિલ્મોમાં તેમના અભિનયના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મો ઉપરાંત તેમણે 'મિર્ઝાપુર' અને 'બંદિશ બેન્ડિટ્સ' જેવી લોકપ્રિય વેબ સિરીઝમાં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. કોઈપણ પાત્રમાં ઊંડા ઉતરીને તેને જીવંત બનાવવાની કળા શીબાને અન્ય કલાકારોથી અલગ પાડે છે.