(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ યથાવત્ રહેતાં વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં તેજીનું વલણ અને ડૉલર ઈન્ડેક્સ પણ મજબૂત રહેવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન એક તબક્કે 35 પૈસા ગબડીને વિક્રમ 92.36ની નીચી સપાટીએ પહોંચ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસા તૂટીને 92.25ના મથાળે બંધ રહ્યો હતો.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 92.01ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.25ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.36 અને ઉપરમાં 92.08ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે 24 પૈસાના ઘટાડા સાથે 92.25ની સપાટીએ બંધ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે આ પૂર્વે નવમી માર્ચના રોજ ડૉલર સામે રૂપિયો 92.35ની ઐતિહાસિક નીચી સપાટીએ રહ્યો હતો.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉકળી રહ્યા હોવાથી આજે ડૉલર સામે રૂપિયાએ સત્ર દરમિયાન 92.36ની નવી નીચી સપાટી નોંધાવી હતી. વધુમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં આક્રમક વેચવાલીનું દબાણ રહેતા ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.
જોકે, સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતા રૂપિયો નવી નીચી સપાટીએથી પાછો ફર્યો હોવાનું મિરે એસેટ્ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતા ઉમેર્યું હતું કે અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 91.70થી 92.40 આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.15 ટકા વધીને 99.38 આસપાસ તેમ જ બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 5.70 ટકા ઉછળીને બેરલદીઠ 97.22 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તેમ જ સ્થાનિક સ્તરે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં 829.29 પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં 227.70 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 6267.31 કરોડની ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયામાં ઑલ ફોલ ડાઉન જોવા મળ્યું હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.