Fri Apr 17 2026

Logo

રિયલ લાઈફમાં છે ધુરંધર સ્ટાર રણવીર સિંહનું પાકિસ્તાન કનેક્શન, શું તમે જાણો છો?

4 weeks ago
Author: Darshna Visaria
Article Image

બોલીવૂડના બાજીરાવ અને એક્ટર રણવીર સિંહ હાલમાં તેની ફિલ્મ 'ધુરંધર ટુ'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ ધુરંધર ટુ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મ ધુરંધર ટુમાં રણવીર સિંહ એક ભારતીય જાસૂસ 'હમઝા અલી મઝારી' બનીને પાકિસ્તાનની પરાયી ધરતી પર જે રીતે મિશન પાર પાડે છે, એ જોઈને પ્રેક્ષકો આફરીન પોકારી ગયા છે. પરંતુ, શું તમને ખબર છે કે પડદા પર પાકિસ્તાની નાગરિકનો રોલ કરનાર રણવીર સિંહનું રિયલ લાઈફમાં પાકિસ્તાન સાથે કનેક્શન છે? ચાલો જાણીએ રણવીર સિંહનું આ પાકિસ્તાન કનેક્શન...

વાત કરીએ બોલીવૂડ એક્ટર રણવીર સિંહના રિયલ લાઈફ પાકિસ્તાન કનેક્શન વિશે ચો રણવીર સિંહના પૂર્વજોનો ઈતિહાસ 1940ના દાયકાનો છે. અવિભાજિત પંજાબના નનકાના સાહેબ પાસે માર્ટિનપુર નામનું એક ગામ હતું અને આ ગામમાં ખ્રિસ્તી ધર્મને અનુસરતો બર્ક પરિવાર રહેતો હતો. આ પરિવારના મુખિયા જનાબ ખૈરુદ્દીન 'બર્ક' ઉપનામથી શાયરી લખતા હતા. આ પરિવારમાંથી બે એવી હસ્તીઓ નીકળી જેમણે ઈતિહાસમાં પોતાની અલગ ઓળખ બનાવી. જેમાંથી એક એટલે સેમ્યુઅલ માર્ટિન બર્ક અને બીજા એટલે ચાંદ બર્ક. 

વાત કરીએ સેમ્યુઅલ બર્કની તો તેઓ પાકિસ્તાનના પ્રતિષ્ઠિત રાજદૂત હતા. રણવીર સિંહના દાદી ચાંદ બર્કના ભાઈ સેમ્યુઅલ માર્ટિન બર્ક એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ હતા. તેઓ અવિભાજિત ભારતમાં સિવિલ સર્વિસ (ICS) અધિકારી અને જજ હતા. 1946માં રાજકીય દબાણને વશ થયા વગર તેમણે રાજીનામું આપી દીધું હતું. 

ભારત-પાકિસ્તાનના ભાગલા પછી, પાકિસ્તાનના પ્રથમ વિદેશ પ્રધાનના આગ્રહથી તેઓ પાકિસ્તાન સરકારમાં જોડાયા. તેમણે 11 દેશોમાં પાકિસ્તાનના રાજદૂત તરીકે સેવા આપી અને લંડનમાં પાકિસ્તાની દૂતાવાસની સ્થાપના પણ તેમણે જ કરી હતી. 103 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.

વાત કરીએ ચાંદ બર્કની તો રણવીર સિંહના દાદી એટલે કે સેમ્યુઅલના બહેન અને રણવીર સિંહના દાદી ચાંદ બર્ક લાહોરના મશહૂર ડાન્સર અને અભિનેત્રી હતા. લાહોરમાં તેમને 'ડાન્સિંગ લિલી ઓફ પંજાબ' તરીકે ઓળખવામાં આવતા. ભારત-પાકિસ્તાનના ભાગલા પછી તેઓ મુંબઈ આવી ગયા. શરૂઆતના સંઘર્ષ બાદ રાજ કપૂરે તેમની પ્રતિભાને ઓળખ્યા અને પોતાની ફિલ્મમાં તક આપી.

હિન્દી ફિલ્મ ઈતિહાસની વાત કરીએ તો ચાંદ બર્કને 'બૂટ પોલિશ' ફિલ્મમાં અનાથ બાળકો પર જુલમ કરતી નિર્દયી બુઆના પાત્ર માટે આજે પણ યાદ કરવામાં આવે છે. ચાંદ બર્કે સુંદર સિંહ ભવનાની સાથે લગ્ન કર્યા. આ લગ્નથી તેમને સંતાનો થયા અને આ તેમનો પુત્ર એટલે જગજીત સિંહ ભવનાની કે જેઓ બોલીવૂડના સુપરસ્ટાર રણવીર સિંહના પિતા છે. આમ રણવીર સિંહ લોહીના સંબંધે 'બર્ક' પરિવારના એ વારસા સાથે જોડાયેલો છે કે  જેનો ઈતિહાસ ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં પથરાયેલો છે.