Fri Apr 17 2026

Logo

'કાંતારા' વિવાદ: રણવીર સિંહ મંદિર જઈ માંગશે માફી, કોર્ટમાં દાખલ કરશે સોગંદનામું

3 weeks ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ અત્યારે તેની ફિલ્મ 'ધુરંધર-૨' ની અભૂતપૂર્વ સફળતાનો આનંદ માણી રહ્યો છે, પરંતુ બીજી તરફ જૂના કાયદાકીય વિવાદોએ ફરી તેની મુશ્કેલી વધારી છે. 'કાંતારા' ફિલ્મમાં દેવના દ્રશ્યની નકલ કરવાના મામલે થયેલી FIR સંદર્ભે કર્ણાટક હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન રણવીર સિંહના વકીલે સ્પષ્ટ કર્યું હતું કે અભિનેતા કોઈની લાગણી દુભાવવા માંગતા નહોતા અને તેઓ કોર્ટમાં વિધિવત માફીનામું રજૂ કરવા તૈયાર છે.

આ વિવાદની ગંભીરતાને જોતા રણવીર સિંહના વકીલે કોર્ટને ખાતરી આપી છે કે અભિનેતા આગામી ૧૦ એપ્રિલ સુધીમાં કોર્ટ સમક્ષ સોગંદનામું (એફિડેવિટ) દાખલ કરશે. આ દસ્તાવેજમાં રણવીર 'કાંતારા' ના દૈવ સીનની નકલ કરવા બદલ બિનશરતી માફી માંગશે. અગાઉ સોશિયલ મીડિયા પર માફી માંગવામાં આવી હતી, પરંતુ સરકારી વકીલે તેની સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે તે પોસ્ટ રણવીરની ટીમે કરી હોઈ શકે છે. આથી હવે રણવીર પોતે લેખિતમાં માફી માંગશે અને મૈસૂરના ચામુંડી મંદિરમાં રૂબરૂ જઈને પણ પસ્તાવો કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

શું હતો સમગ્ર 'કાંતારા' વિવાદ?

આ વિવાદની શરૂઆત વર્ષ 2025માં થઈ હતી જ્યારે રણવીર સિંહે ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) દરમિયાન ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા: ચેપ્ટર 1' ની પ્રશંસા કરી હતી. પ્રશંસા દરમિયાન રણવીરે ફિલ્મના એ મહત્વના સીન નકલ કરી હતી જેમાં દૈવ પાત્રમાં પ્રવેશ કરે છે. જોકે, આ દરમિયાન તેણે ભૂલથી 'ચામુંડી દૈવ' ને મહિલા ભૂત કહી દીધા હતા, જેના કારણે કર્ણાટકની સાંસ્કૃતિક લાગણીઓ દુભાઈ હતી અને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલિંગ સાથે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

રણવીર સિંહે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તેનો ઈરાદો ઋષભ શેટ્ટીના શાનદાર અભિનયને બિરદાવવાનો હતો, અપમાન કરવાનો નહીં. રસપ્રદ વાત એ છે કે, અત્યારે રણવીર સિંહની સ્પાય-થ્રિલર ફિલ્મ 'ધુરંધર-૨' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને ખુદ ઋષભ શેટ્ટીએ પણ આ ફિલ્મમાં રણવીરના કામના ખૂબ વખાણ કર્યા છે. પરસ્પર આદર હોવા છતાં, કાયદાકીય પ્રક્રિયા મુજબ રણવીરે હવે કોર્ટમાં પોતાની ભૂલ સ્વીકારવી પડશે.