(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બોલીવૂડના અભિનેતા રણવીર સિંહ અને આયુષ શર્માને લૉરેન્સ બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા આપવામાં આવેલી ધમકીઓનું કનેક્શન અમેરિકા અને સ્વીડન સાથે હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ઍક્ટર રણવીર સિંહના મૅનેજરના મોબાઈલ નંબર પરના વ્હૉટ્સઍપ પર તાજેતરમાં એક વૉઈસ નોટ આવી હતી. આ વૉઈસ નોટમાં રણવીર સિંહ માટે ધમકી અને 10 કરોડ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. બિશ્ર્નોઈ ગૅન્ગ દ્વારા મોકલવામાં આવેલી આ ધમકીભરી વૉઈસ નોટ અમેરિકન નંબર પરથી મોકલાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
ક્રાઈમ બ્રાન્ચની અત્યાર સુધીની તપાસમાં એવું સામે આવ્યું છે કે વૉઈસ નોટમાં જે અવાજ છે તે બિશ્ર્નોઈ ગૅન્ગના વિશ્ર્વાસુ હૅરી બૉક્સરના અવાજ સાથે મેળ ખાય છે. પરિણામે વૉઈસ નોટ હૅરી બૉક્સરે મોકલી હોવાનું ફલિત થાય છે.
અગાઉ તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ વૉઈસ નોટ મોકલવા માટે વીપીએન નેટવર્કનો ઉપયોગ કરાયો હતો અને તેનું લૉકેશન વિદેશ દર્શાવાતું હતું. પરિણામે નેટવર્કને ટ્રેસ કરવા ઈન્ટરપોલની મદદ લેવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ એ નંબરની માહિતી મેળવવા માટે પ્રોટોકૉલના માધ્યમથી અમેરિકાની સંબંધિત એજન્સીનો સંપર્ક સાધી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન ધમકીભરી વૉઈસ નોટ પછી રણવીર સિંહની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધ્યો ન હોવા છતાં તેના મૅનેજરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
બીજી બાજુ, બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી અને અભિનેતા આયુષ શર્માને મળેલો ધમકીભર્યો ઈ-મેઈલ સ્વીડનથી મોકલવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું. આ મેઈલ પ્રોટોન મેઈલ મારફત મોકલવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
અભિનેતા આયુષ શર્માને 12 ફેબ્રુઆરીએ આ ઈ-મેઈલ મળ્યો હતો. મેઈલ મોકલનાર અજાણ્યા શખસે પોતાની ઓળખ બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્ય તરીકે આપી હતી. મેઈલમાં ધમકી આપવાની સાથે ખંડણી માગવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક ટેક્નિકલ એનાલિસીસ પરથી જણાયું હતું કે એ મેઈલનું ઑરિજિન સ્વીડનમાં છે. અધિકારીઓએ સોર્સની ખાતરી કરવા અને મેઈલ મોકલનારાની ઓળખ મેળવવા માટે સ્વીડિશ એજન્સીનો સંપર્ક સાધી વિગતવાર માહિતી માગી છે. આ પ્રકરણે પણ એફઆઈઆર નોંધાયો નહોતો, પરંતુ પોલીસે શર્માના મૅનેજરનું નિવેદન નોંધ્યું હતું.