મુંબઈ: બોલીવુડ સુપરસ્ટાર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રામાયણ'નું ટીઝર રિલીઝ થતાની સાથે જ ચર્ચાઓનું કેન્દ્ર બન્યું છે. આ ફિલ્મમાં રણબીરના લુક અને ડબલ રોલની વાતોએ ચાહકોમાં ઉત્સાહ તો જગાડ્યો છે, પરંતુ એક ચોક્કસ દ્રશ્યને કારણે ફિલ્મ વિવાદમાં સપડાઈ છે. અયોધ્યા નગરીમાં રણબીર કપૂર જ્યારે જનતા વચ્ચેથી પસાર થાય છે, ત્યારે તે દ્રશ્યની ક્લેરિટી જોઈને નેટીઝન્સે સવાલ ઉઠાવ્યા છે કે શું આ આખું દ્રશ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવવામાં આવ્યું છે?
વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ટીઝરના એક સીનમાં રણબીરની પાછળ ઉભેલા એક સહાયક કલાકારની પગડીનો રંગ વાદળીમાંથી અચાનક જાંબલી થતો જોવા મળ્યો. આ નાનકડી ભૂલને પકડીને સોશિયલ મીડિયા યુઝર્સે ફિલ્મના મેકર્સ પર આક્ષેપ કર્યો કે તેમણે અસલી શૂટિંગ કરવાને બદલે AI ટેકનોલોજીનો સહારો લીધો છે. ટ્વિટર (X) અને રેડિટ જેવા પ્લેટફોર્મ પર લોકોએ ગ્રાફિક્સ અને સીનની સત્યતા પર સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં રહેલા એક્ટર સાકેતે હવે મૌન તોડ્યું છે અને એક વીડિયો શેર કરીને હકીકત જણાવી છે. સાકેતે સ્પષ્ટ કર્યું કે તે પોતે જ એ સીનમાં છે અને આ કોઈ એનિમેશન નથી. તેણે જણાવ્યું કે, "ગઈકાલથી મારા મિત્રો મને ટ્વીટ્સ અને રીલ્સ મોકલી રહ્યા છે જેમાં લોકો દાવો કરે છે કે મારું અસ્તિત્વ જ નથી. પરંતુ સત્ય એ છે કે હું એક અસલી વ્યક્તિ છું અને આ સીન લગભગ બે વર્ષ પહેલા અસલી સેટ પર શૂટ કરવામાં આવ્યો હતો."
સાકેતે આગળ ઉમેર્યું કે આ શૂટિંગ દરમિયાન તેમની સામે અસલી રણબીર કપૂર અને આસપાસ મોટી સંખ્યામાં કલાકારો હાજર હતા. તેણે કટાક્ષ કરતા કહ્યું કે વર્ષ 2026 માં જો કોઈ વસ્તુ પડદા પર ખૂબ જ સુંદર અને પરફેક્ટ દેખાય છે, તો લોકો તરત જ તેને નકલી અથવા AI માની લે છે. સાકેતના આ ખુલાસા બાદ હવે તે સ્પષ્ટ થઈ ગયું છે કે મેકર્સે અયોધ્યાના ભવ્ય સેટ પર મહેનત કરીને જ આ શાનદાર સીન તૈયાર કર્યો છે.