અમદાવાદઃ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડોદરા ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનને સંબોધતા મોદી સરકાર અને ભાજપ તેમ જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) પર પ્રહારો કર્યા હતા.
ગાંધીએ 'વનવાસી' શબ્દના ઉપયોગ અંગે ભાજપ અને આરએસએસ પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે આ શબ્દનો ઉપયોગ સદીઓથી આદિવાસીઓના પાણી, જંગલ અને જમીનના મૂળ માલિકી હકને નકારવા માટે કરવામાં આવ્યો છે. આ સાથે દેશની સત્તા અને સંપત્તિમાં આદિવાસીઓને તેમનો હિસ્સો મળે તે માટે દેશમાં જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી થાય તે જરૂરી છે, તેમ તેમણે જણાવ્યું હતું.
આ સાથે કૉંગ્રેસના નેતાએ અમેરિકા સાથે ભારતની ટ્રેડ ડીલ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું અને અને આક્ષેપ કર્યો હતો કે કૃષિ ક્ષેત્રને અમેરિકા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જે કોઈ પણ વડા પ્રધાને ક્યારેય કર્યું નથી.
રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહ્યું હતું કે આદિવાસી એટલે ભારતના મૂળ માલિકો. જો તમે ૧,૦૦૦, ૨,૦૦૦ કે ૫,૦૦૦ વર્ષ પહેલાં આ ભૂમિની મુલાકાત લીધી હોત, તો તમને ખબર પડી હોત કે દરેક ઇંચ જમીન આદિવાસીઓના હાથમાં હતી.
હવે, ૨૧મી સદીમાં, એક નવો શબ્દ ઉભરી આવ્યો છે. આરએસએસ અને ભાજપ દ્વારા બનાવવામાં આવેલ શબ્દ વનવાસી છે. વનવાસી શબ્દ સૂચવે છે કે તમે આ ભૂમિના મૂળ માલિક ન હતા. બીજી બાજુ, આદિવાસી શબ્દ સૂચવે છે કે આ દેશ તમારો હતો, તેનું પાણી, જંગલો અને જમીન તમારી હતી.
જ્યારે પણ વિકાસનો વિષય આવે છે, ત્યારે આદિવાસીઓની જમીન છીનવી લેવામાં આવે છે અને ઘણીવાર કોઈ વળતર પણ ચૂકવવામાં આવતું નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે ગાંધીએ કહ્યું હતું કે ભારતના ઇતિહાસમાં આ પહેલાં ક્યારેય કોઈ વડા પ્રધાને કૃષિ ક્ષેત્ર ખોલ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે આપણા ખેતરો નાના છે, સરેરાશ 5 થી 10 એકર સુધીના છે જ્યારે અમેરિકામાં, ખેતરો 1,000, 5,000 અથવા તો 10,000 એકરમાં ફેલાયેલા છે. ભારતમાં લોકો મેન્યુઅલી કામ કરે છે, અને મશીન-ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત છે, જ્યારે અમેરિકામાં સંપૂર્ણપણે ટેકનોલોજી અને મશીનરી આધારિત ખેતી થાય છે. જો તેમની ખેતપેદાશો આપણી માર્કેટ પર છવાઈ જશે તો આપણા ખેડૂતો સંપૂર્ણપણે પાયમાલ થઈ જશે.
કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે ભારતે કઠોળ, સોયાબીન, ફળો અને કપાસ વગેરે માટે બજારો ખોલી નાખ્યા છે અને દેશ આગામી પાંચ વર્ષમાં અમેરિકા પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનો માલ ખરીદવા માટે તૈયાર છે.
જો આપણે અમેરિકન કંપનીઓ પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનો માલ ખરીદીએ, તો આપણી પોતાની કંપનીઓનું શું થશે. આપણા નાના અને મધ્યમ ઉદ્યોગોનું શું થશે. અમેરિકન ઉત્પાદનો પરના કર ઘટાડીને શૂન્ય કર્યા છે, અને સાથે સાથે આપણા સ્થાનિક ઉત્પાદનો પરના કરમાં વધારો કર્યો છે, તેમ પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
તેમણે આદિવાસીઓ માટે ચોક્કસ જાહેરનામાની જરૂરિયાત સ્વીકારતા જણાવ્યું હતું કે અમે ગુજરાત અને દેશના આદિવાસીઓ માટે આ ખાસ કામ કરવા માગીએ છીએ અને જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી જંપીશું નહીં.