મુંબઈ: હાર્દિક પંડ્યા પીઠની ઇજાના કારણસર ઉપરાઉપરી ત્રણ મૅચ ન રમ્યો અને બીજી બાજુ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ની ટીમ પ્લે-ઑફની રેસમાંથી બહાર થઈ ગઈ એને પગલે હાર્દિક અને મુંબઈ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝી વચ્ચે બનતું ન હોવાની અટકળોએ જોર પકડ્યું છે ત્યારે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓના મંતવ્યો બહાર આવ્યા છે. આ ક્રિકેટરો વચ્ચે થોડો મત મતાંતર છે, જ્યારે હાર્દિકના જ સાથી ખેલાડી શાર્દુલ ઠાકુરે એક તારીખ જાહેર કરીને મામલો ઠંડો પાડવાની કોશિશ કરી છે.
બુમરાહના નેતૃત્વમાં મુંબઈ જીત્યું
મુંબઈ ઇન્ડિયનની ટીમ હવે પ્લે-ઑફમાં નથી જઈ શકવાની, પરંતુ ગુરુવારે એણે પંજાબ કિંગ્સને હરાવીને એના માટે પ્લે-ઑફની એન્ટ્રી થોડી મુશ્કેલ બનાવી દીધી હતી. મુંબઈને આ વિજય જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં મળ્યો હતો. પંજાબે આઠ વિકેટે 200 રન કર્યા બાદ મુંબઈએ તિલક વર્મા (75 રન, 33 બૉલ, છ સિક્સર, છ ફોર)ની યાદગાર ઇનિંગ્સની મદદથી એક બૉલ બાકી રાખીને 4/205ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. આજે લખનઊમાં ચેન્નઈ અને લખનઊ વચ્ચે મૅચ રમશે.
રોહન ગાવસકરનો શું મત છે?
સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાઈ છે કે મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમ (Dressing Room)માં બધું ઠીક નથી અને હાર્દિકને કેટલાક ખેલાડીઓ સાથે નથી બનતું. આ વિષયમાં ભૂતપૂર્વ ક્રિકેટર રોહન ગાવસકરે કહ્યું છે કે ‘આ અફવા મારા માનવામાં નથી આવતી, પરંતુ જો એ હકીકત હોય તો મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને રિલીઝ કરી દેવો જોઈએ. જો આ માત્ર અફવા જ હોય તો પછી મુંબઈએ હાર્દિક (Hardik)ને રીટેન કરવો જોઈએ કારણકે તે ટોપ ક્લાસ પ્લેયર છે.'
સેહવાગે તો ત્યાં સુધી કહી દીધું કે...
જોકે રોહન ગાવસ્કરના મંતવ્ય સાથે વીરેન્દર સહેવાગ સહમત નથી. સેહવાગ કહે છે કે ‘ડ્રેસિંગ રૂમ વિશેની અફવા સાચી હોય કે ખોટી, મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને છોડવો જ ન જોઈએ. ડ્રેસિંગ રૂમમાં થતી ખટપટનો ઉકેલ લાવી શકાય, પણ હાર્દિક જેવો બીજો ખેલાડી ન મળે. બધાને યાદ હશે કે હાર્દિક કેપ્ટન નહોતો ત્યારે પણ મુંબઈ વતી ઘણું સારું રમતો હતો. એટલે મારું માનવું છે કે તે પ્લેયર તરીકે ટીમ માટે વધુ મૂલ્યવાન છે. હાર્દિકને આઇપીએલની એક સીઝન રમવાના 16.5 કરોડ રૂપિયા મળે છે પણ મારી દ્રષ્ટિએ તે 27 કરોડ રૂપિયાના મૂલ્યનો ખેલાડી છે. ’
સ્પષ્ટવક્તા અશ્વિન નું કહેવું છે કે...
સ્પિન-લેજન્ડ રવિચંદ્રન અશ્વિન વર્તમાન વિવાદમાં હાર્દિકની તરફેણમાં આવ્યો છે. અશ્વિને એક જાણીતી ક્રિકેટ વેબસાઈટને ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘ મુંબઈને પાંચ-પાંચ ટાઇટલ અપાવનાર રોહિત શર્મા જેવા દિગ્ગજના અનુગામી તરીકે કેપ્ટન્સીમાં પોતાને સફળ પુરવાર કરવું આસાન કામ નથી. હાર્દિક વિશે ઘણું બધું અયોગ્ય કહેવામાં આવી રહ્યું છે. આજના જમાનામાં તો સોશ્યલ મીડિયાના આક્રમણનો સામનો કરવા માટે ખેલાડીએ જાડી ચામડીના બનવું પડે. મુંબઇ ઇન્ડિયન્સની આ વખતની સીઝન જેવી ગઈ એ જોતાં હું હાર્દિકની કેપ્ટન્સીને જરા પણ દોષી નહીં ગણું. ટીમનો કોઈ જ પ્લેયર સતત સારું નથી રમ્યો અને ટીમની નિષ્ફળતાનો પૂરો દોષ હાર્દિક પર નાખવામાં આવે એ ઠીક ન કહેવાય.'
શાર્દુલ ઠાકુરે શું અપડેટ આપ્યું?
ગુરુવારે ધરમશાલામાં પંજાબ કિંગ્સની ચાર વિકેટ લેનાર પેસ બોલર શાર્દુલ ઠાકુરે હાર્દિક વિશે અપડેટ આપતાં પત્રકારોને કહ્યું હતું કે ‘ હાર્દિક પીઠની ઇજાને કારણે ત્રણ મૅચ નથી રમી શક્યો, પરંતુ થોડા દિવસ પહેલાં રાયપુર માટે તે અમારી સાથે જ હતો. હવે તે મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે અને 20મી મેએ ઈડન ગાર્ડન્સમાં કોલકાતા સામેની મેચમાં રમશે.'