Fri May 15 2026

Logo

આઇપીએલના આ મશહૂર બોલરે તિલક વર્માની પહેલાં સાઇ સુદર્શન વિશે પણ રંગભેદને લગતી ટિપ્પણી કરી હતી!

4 hours ago
Author: Ajay Motiwala
Article Image

IPL


ન્યૂ ચંડીગઢઃ આઇપીએલની 19મી સીઝનમાં અમુક ખેલાડીઓ જબરદસ્ત ફૉર્મમાં રમી રહ્યા છે અને કેટલાક ફૉર્મ ગુમાવી ચૂક્યા છે, પરંતુ અર્શદીપ સિંહ (Arshdeep Singh) એવો પ્લેયર છે જે સારા ફૉર્મમાં હોવા છતાં ચર્ચામાં રહ્યો છે અને તેનો વિવાદ ભારતના જ કેટલાક ખેલાડીઓ વિશેની તેની રંગભેદ સંબંધિત ટિપ્પણી (Comment)ને લગતો છે. સામાન્ય રીતે સાથી ખેલાડીઓ વિશે રંગભેદને લગતી કમેન્ટ થવી એ કોઈ નવી વાત નથી, પણ જ્યારે એવી ટિપ્પણી કોઈ સેલિબ્રિટી ક્રિકેટરે કરે અને એ ટિપ્પણી સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ જાય એટલે વિવાદ થઈ જતો હોય છે.

તિલક વર્મા વિશે કમેન્ટ કરવા બદલ અર્શદીપ સોશ્યલ મીડિયામાં ભારે વિવાદમાં ઘેરાયો છે. જોકે અર્શદીપે આ પહેલાં સાઇ સુદર્શનની બાબતમાં પણ તેના ચામડીના રંગ વિશે પણ કમેન્ટ કરી ચૂક્યો હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. આઇપીએલમાં અર્શદીપ પંજાબ કિંગ્સ વતી, તિલક વર્મા મુંબઈ ઇન્ડિયન્સ વતી અને સુદર્શન ગુજરાત ટાઇટન્સ વતી રમે છે.

સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ `એક્સ' પર એક પોસ્ટ બહુ જલદી વાઇરલ થઈ ગઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અર્શદીપ સિંહે તિલક વર્મા વિશે રંગભેદ બાબતમાં મજાક કરી છે. વાઇરલ થયેલી પોસ્ટ મુજબ હૉટેલ જતી વખતે અર્શદીપે તિલકને કહ્યું, `ઓયે, અંધેરે. સનસક્રીન લગાયા?' અર્શદીપની આ કમેન્ટ સાંભળીને તિલક નિરાશ જણાયો હતો. તિલકે અર્શદીપને `ઇધર આ લસ્સી' એવું કહ્યું એવું એક પોસ્ટમાં જણાવાયું છે.

આ વાત ગુરુવારે ધરમશાલામાં મુંબઈ-પંજાબ વચ્ચે રમાયેલી મૅચના અગાઉના દિવસની છે. હૉટેલમાં અર્શદીપે તિલકને એવું પણ કહ્યું કે `આવતી કાલે મૅચ છે. બરાબર ફૉકસ કરજે. સનસ્ક્રીન લગાવ્યું કે નહીં?' વાઇરલ થયેલા વીડિયો અનુસાર વાતચીત ત્યાં જ નહોતી અટકી. આગળ તેણે નમન ધીરને બતાવીને કહ્યું, `અસલી નૂર તો આને કહેવાય. આ છે પંજાબનું ખરું નૂર. આને જો અને તું જો.'

અર્શદીપની આ કમેન્ટવાળી પોસ્ટ બહાર આવતાં જ વિવાદ શરૂ થયો છે. કેટલાક યુઝર્સે એને મજાક ગણી છે તો અમુકનું માનવું છે કે કોઈએ પણ બોલવામાં લક્ષ્મણરેખા ન ઓળંગવી જોઈએ. મોટી સંખ્યામાં લોકોએ અર્શદીપની ટિપ્પણીને રંગભેદી ગણાવી છે. એક યુઝરે પોસ્ટમાં લખ્યું છે કે `જો બીસીસીઆઇ આ કિસ્સાને ગંભીરતાથી ધ્યાનમાં લેશે તો અર્શદીપ સિંહ પર કાર્યવાહી થવી જોઈએ.' કેટલાકે મીડિયામાં લખ્યું છે કે ક્રિકેટરોએ સાર્વજનિક વ્યવહારની બાબતમાં જવાબદાર બનવું પડે.'

અર્શદીપ અગાઉ ઓપનિંગ બૅટ્સમૅન સાઇ સુદર્શન વિશે પણ રંગભેદને લગતી કમેન્ટ કરી ચૂક્યો હોવાનું એક પોસ્ટમાં જણાવાયું છે. એ પોસ્ટ અનુસાર અર્શદીપ એક વીડિયો રેકૉર્ડ કરતી વખતે બોલ્યો, `થોભી જા, કૅમેરા સાફ કરી લઉં. કૅમેરા સાઇને કૅપ્ચર નથી કરી શક્તો.'