Fri May 15 2026

Logo

ટીમમાં 'સુપરસ્ટાર કલ્ચર' હોવું જોઈએ? ગંભીર સાથે દ્રવિડ અસહમત, જાણો શું કહ્યું

11 hours ago
Author: Savan Zalariya
Article Image

મુંબઈ: ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર ટીમમાં સુપરસ્ટાર કલ્ચરની વિરુદ્ધ વલણ દાખવતા આવ્યા છે, તેમણે અનેક પ્રસંગોએ કહ્યું છે કે વ્યક્તિગત સિદ્ધિઓની ઉજવણી જરૂરી નથી અને ટીમની સફળતા અન્ય બાબતો કરતા વધુ અગત્યની છે, જ્યારે તેમના પુરોગામી ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ ગંભીરના આ મતથી સહમત નથી. તેમનું માનવું છે કે વ્યક્તિગત સફળતા એ મહત્વના લક્ષ્યો તરફ લઇ જાય છે.

નોંધનીય છે કે રાહુલ દ્રવિડ જયારે રમતા ત્યારે ભારતીય ક્રિકેટ ટીમમાં સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ અને વીરેન્દ્ર સેહવાગ જેવા સુપરસ્ટાર ખેલાડીઓ હતાં, તેમણે સાથે મળીને ભારતીય ક્રિકેટને અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચાડ્યું. દ્રવિડનું માનવું છે કે ભારતમાં સુપરસ્ટાર બનવા માટે ખૂબ જ મહેનત અને બલિદાનની જરૂર પડે છે.

એક પોડકાસ્ટ દરમિયાન રાહુલ દ્રવિડે કહ્યું, "કોઈપણ રમતને તેના હીરોની જરૂર હોય છે, અને મને નથી લાગતું કે લોકો પરફોર્મન્સ કર્યા વગર હીરો બની જાય છે. તમારા કામ માટે ભારતમાં તમારી ઘણી પ્રશંસા થાય છે, સાથે ઘણી બધી ટીકાઓ પણ થાય છે. તેથી ભારતમાં એક લેજેન્ડ અથવા સુપરસ્ટાર બનવાનો અર્થ એ છે કે તમે ઘણી બધી વસ્તુઓ યોગ્ય રીતે કરી રહ્યા છે, અને આ પ્રક્રિયામાં, તમે તમારી ટીમને જીતવામાં પણ મદદ કરો છો."

ગંભીરના કોચિંગ હેઠળ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહેલી ભારતની ટેસ્ટ ટીમ અંગે પણ દ્રવિડે વાત કરી. દ્રવિડે કહ્યું, "રેડ-બોલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરવાનો જુસ્સો ચોક્કસપણે છે. બે-ત્રણ સિરીઝમાં ભારતીય ટીમેં સારું પ્રદર્શન કર્યું નથી,  આવું થાય છે. આપણને કેટલાક મુખ્ય ખેલાડીઓની પણ ખોટ પડી રહી છે, રોહિત, વિરાટ અને અશ્વિન જેવા મોટા ખેલાડીઓ તાજેતરમાં નિવૃત્ત થયા છે. આવા ખેલાડીઓની જગ્યા ભરવી શેલી નથી. ભારતીય ક્રિકેટ ખૂબ જ મજબૂત છે, મને હજુ પણ વિશ્વાસ છે કે ભારતીય ટીમ દરેક ફોર્મેટમાં સ્પર્ધાત્મક રહેશે. તેમાં થોડો સમય લાગી શકે છે, પરંતુ આશા છે કે આ સિઝનમાં આપણે પરિસ્થિતિ બદલી શકીશું."