Sun Apr 19 2026

Logo

અરાઉન્ડ ધ વર્લ્ડઃ નોર્વેના ફોસ ગામનાં અચિવમેન્ટ હજાર...

1 day ago
Author: Patiksha Thanki
Article Image

 

પ્રતીક્ષા થાનકી

એક યોર્ડથી બીજા યોર્ડ, નોર્વેમાં હવે દિવસો સુધી આ જ કરવાનું હતું. બે જળધોધ પાસે વરસાદ વગર જ વરસાદમાં પલળવાની મજા લઈ લીધી હતી. હવે સુકાઈએ તે પહેલાં એપાર્ટમેન્ટ સુધી પહોંચવાની ઇચ્છા હતી. હાઇક અને સાઇટસીઇંગનો દિવસ એટલો લાંબો હતો કે હવે થાક ઉતારવા માટે વોસવાન્ગનના એ એપાર્ટમેન્ટની બધી ફેસિલિટી વાપરવાની ઇચ્છા થઈ આવી હતી. 

અહીં શક્ય હોય એટલું જલદી ફરીને પછીના બે દિવસમાં ઘર સુધી પહોંચવાનું હતું. એક મિત્ર સાથે ચર્ચા થઈ હતી કે કોઈ પણ વેકેશનમાં જો ફરતા રહેવાનું હોય તો દરેક શહેર કે ડેસ્ટિનેશન પર બે કે ત્રણ દિવસનો મુકામ કરવો. એમ કરવામાં શાંતિથી એ વિસ્તારને એક્સપ્લોર પણ કરી શકાય અને હડબડીમાં કશું જોવાનું રહી પણ ન જાય. હવે જો શહેર પેરિસ કે મિલાન જેવું હોય તો ત્યાં એક સાથે લાંબો સમય ન આપી શકો તો અવારનવાર ત્રણ-ચાર દિવસ જવાના પ્લાન બન્યા કરે. 

હવે આવનારા સમયમાં ઇંધણની અછત કયા સ્તરે પ્રવાસન ઉદ્યોગને અસર કરે છે તે પણ જોવાનું રહ્યું. તેમાંય ખાસ ફ્રાન્સ અને ઇટાલી જેવા દેશો, જ્યાં ટૂરિઝમ મોટાપાયે બિઝનેસ લાવે છે અને સ્થાનિકોની કમાણીનું સાધન છે, ત્યાં શું અસર થશે તે જોવાનું રહ્યું પેન્ડેમિક જાણે આ પ્રકારે આવનારા સમયનું ડ્રેસ રિહર્સલ હોય તેવું લાગે. 

સ્કેન્ડિનેવિયા માટે ટૂરિસ્ટ કમાણીનું સાધન નથી, પણ ત્યાં જતાં દરેક મુલાકાતી પર તે એવી અસર છોડીને જાય છે કે જાણે માણસની ફરવાની જરૂરિયાતો બદલાઈ જાય. એક વાર નોર્વેનાં યોર્ડ, ખડકો અને ટાપુઓ પર ફર્યા પછી  દુનિયામાં બીજે ક્યાંય જવાની ઇચ્છા ન થાય. એવામાં જ્યારે ફોસવાન્ગનનો એપાર્ટમેન્ટ બરાબર યોર્ડના કિનારે દેખાયો કે તરત જ મનને રાહત થઈ. બાલ્કનીમાં બેઠાં બેઠાં ચા સાથે યોર્ડની હવામાં ડીપ બ્રીધિંગ કરવાની કંઇ અલગ જ મજા હોય. તે સાંજે એપાર્ટમેન્ટ પહોંચ્યાં તો આખું કોમ્પ્લેક્સ અમારાં જેવાં ટૂરિસ્ટથી ભરેલું હતું. 

નીચે મોટું સૉના અને હોટ ટબ અને સ્વિમિંગ પૂલ પણ હતાં. તે સાંજે હોટ ટબ અને સૉના ખરેખર કામ લાગ્યાં. આખા દિવસનો થાક ઊતરી ગયો. ફોસવાન્ગનમાં ત્યારે એટલી રાત્રે ડિનર મળવાની તો કોઈ શક્યતા ન હતી. આખરે અમને ભારતથી સાથે આવેલાં ફૂડ પેકેટ્સ જ કામ લાગ્યાં. ખાસ તો વડોદરાથી ડિ-હાઇડ્રેટેડ મિસળ સાથે આવેલું. રસ્તામાં સુપરમાર્કેટથી સાથે આવેલી ડુંગળી, બ્રેડ, દહીં સાથે આ મિસળનાં પેકેટ સાથે તરી પણ હતી. સ્કેન્ડિનેવિયન ઉનાળો આમ પણ રાત પડતાં આપણે ત્યાંના શિયાળા જેવો બની જતો હતો. એવામાં તમતમતું મિસળ આ દિવસને અત્યંત મજેદાર બનાવી ગયું. 

બધાં એટલાં ઉત્સાહમાં હતાં કે કોઈને જલદી ઊંઘ આવી નહીં. આમ પણ બે વર્ષે મળ્યાં હતાં, કોઈની વાતો પૂરી થતી ન હતી. સવાર પડી ત્યારે બીજાં ઊઠે તે પહેલાં હું યોર્ડના કિનારે એક લટાર મારી આવી. આનલ સાથે ગાડી લઈને ખૂણેથી સ્થાનિક બ્રેકફાસ્ટનો સામાન પણ લઈ આવ્યાં. ટ્રિપનો દરેક દિવસ કોઈ ને કોઈ રીતે ભરચક બનીને રહેવાનો હતો. તેમાં એક આખો દિવસ તો લામ રિજનમાં ટ્રેન, ફૂડ ફેસ્ટિવલ અને સાઇકલ રાઈડ સાથે વીતવાનો હતો. 

તે પહેલાં અમે આ ફેલવાન્ગન અને તેનાં મુખ્ય ગામ ફોસ જોવા માટે તૈયાર હતાં. પાછળથી તે જોવા માટે ન સમય વધવાનો હતો ન મોટિવેશન. એટલે પહેલાં જ આસપાસનો વિસ્તાર જોઈ લેવામાં શાણપણ હતું. આમ પણ હવે જે પણ સ્થળ જોઈએ ત્યાં દૃશ્યોનું વૈવિધ્ય તો ખાસ નહોતું હોવાનું, પણ નોર્વેના દરેક ખૂણા પોતાની આગવી વાર્તાથી જડેલા હતા.

તેમાંય ફોસનું નામ જર્મન અને સ્કેન્ડિનેવિયન ઉચ્ચાર સાથે એટલું જાણીતું નહોતું લાગતું, પણ દુનિયાભરમાં ‘વોસ’નું પાણી જોવા મળી જાય છે. જો સાન પેલેગ્રિનો ન મળે તો વોસની હાઇ એન્ડ મિનરલ વોટર બોટલ્સ જોવા મળી જ જાય છે. અહીં અમને એ પાણીના માર્કેટિંગની હિસ્ટ્રી જોવા મળવાની હતી. 

આ પહેલાં સ્વિત્ઝરલેન્ડમાં એવિયોનની પાણીની ફેક્ટરી પાસેથી નીકળવાનું થયું હતું અને જર્મનીમાં અવારનવાર ગેરોલસ્ટાઇનરની બસ દેખાતી. પાણીના આલ્પાઇન સોર્સની નજીક રહેવામાં પહેલાં તો આ બાબત પર ખાસ નવાઈ નહોતી લાગી, પણ ફોસનું પાણી માત્ર ગ્લેસિયરનું નહીં, યોર્ડ અને વાટરફોલનું પાણી પણ છે. 

વોસ મ્યુઝિયમ પહોંચ્યા પછી જાણવા મળ્યું કે આ ગામે તો બોટલ્ડ વોટરને માત્ર પોતાનું નામ જ આપ્યું છે. તે બોટલ્ડ વોટરનું પાણી અહીંથી 400 કિલોમીટર આગળ વાતનેસ્ટ્રોમ નામે ગામમાં થતું હતું અને તેનો સોર્સ પણ ત્યાં જ છે. વોસ ખરેખર માત્ર માર્કેટિંગનું નામ નીકળ્યું. જોકે ત્યાંનું પાણી પણ એટલું જ શુદ્ધ છે.

ફોસ આમ તો કલાકમાં ઉપરથી નીચે આખું જોઈ શકાય તેમ હતું, પણ ગામના કદના પ્રમાણમાં ત્યાંનાં એચિવમેન્ટ જરા વધુપડતાં લોકપ્રિય હતાં. અહીં ખાસ ઘણાં નોર્વેજિયન ઓલિમ્પિક મેડલિસ્ટનાં ઘર હોવાની વાત છે. અને એટલું પૂરતું ન હોય તેમ, ત્યાં અમે ટિલ્ડેફોસેન વોટરફોલ પાસેથી નીકળ્યાં. ત્યાંનું પાણી લોકોને વધુ પેશનેટ બનાવતું હોવાની વાત હતી. 

સ્વાભાવિક છે બધાંએ ત્યાંથી સાથે લાવેલી બોટલ્સ ભરી. હવે બધાં પહેલેથી જ પોતપોતાનાં ફીલ્ડમાં ઘણાં પેશનથી કામ કરતાં હતાં. હવે આ એક બોટલ પાણી અમને કોઈને પણ વધુ પેશનેટ બનાવી દે એ ખાસ શક્ય ન હતું લાગતું, પણ કદાચ આ કોઈ સમયે સ્થાનિક લોકોને મોટિવેટ કરવા માટેની ટ્રિક હોઈ શકે. 

ફોસ આમ ભલે સાવ ટચૂકડું હોઈ શકે, ત્યાંની હિસ્ટ્રી ઘણી ભપકાદાર હતી. ગામમાં ઠેર ઠેર પ્લાક લાગેલી હતી કે આ ફોસ બીજા વિશ્ર્વયુદ્ધમાં પણ નોર્વેનું મહત્ત્વનું ઠેકાણું બની રહૃાું હતું. બર્ગન શહેર નાઝી કબજામાં પડ્યા પછી વોસનાં લોકોએ તે સમયે નાઝી સામે જે બળવો કર્યો હતો તેને આજે પણ નોર્વે યાદ કરે છે. એમ પણ કહી શકાય કે ફોસ કોઈને ભૂલવા દેતું નથી. ફોસવાન્ગનમાં રહીને ફોસને સારી રીતે ન ઓળખવાની ભૂલ તો અમે નહોતી કરી, હવે અમારે લામ પહોંચીને ટિપિકલ ટૂરિસ્ટી કામ કરવાનું હતું.