(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા મુંબઈગરા ગુરુવારે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. બપોર સુધી વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમી અને અસહ્યય ઉકળાટ રહ્યો હતો. હવામાન વિભાગે મુંબઈ સહિત થાણે અને રાયગડ જિલ્લા માટે યલો અલર્ટ આપીને ગરમી અને ભેજનું પ્રમાણ વધવાની ચેતવણી આપી છે.
મુંબઈમાં છેલ્લા થોડા દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને ગરમીમાં પણ થોડી રાહત જણાઈ હતી. જોકે બે-ત્રણ દિવસથી મહત્તમની સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો થયો છે. હવામાન વિભાગે શુક્રવાર અને શનિવારે મુંબઈમાં ગરમી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.
મુંબઈના હવામાનમાં છેલ્લા થોડા મહિનાથી મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં ગરમી વધઈ ગઈ હતી. તો માર્ચની શરૂઆતમાં ગરમીનું મોજું ફરી વળ્યું હતું અને તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર પહોંચી ગયો હતો. એ બાદ રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ અને માવઠું પણ પડ્યું હતું.
ગુરવારે દિવસ દરમ્યાન સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૫.૨ ડિગ્રી નોંધાયું હતું. તો કોલાબામાં મહત્તમ તાપમાન ૩૩.૨ અને લઘુતમ તાપમાન ૨૫.૩ નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનુ પ્રમાણ વધી ગયેલું જણાયું હતું, તેને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
હવામાન વિભાગે આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં વધારો થવાની ચેતવણી આપી છે, જેમાં શુક્રવાર અને શનિવાર માટે મુંબઈ, થાણે અને રાયગડ માટે યલો અલર્ટ આપ્યું છે.