મુંબઈઃ મુંબઈગરા માટે ભારે ટ્રાફિક જામ કાયમી સમસ્યા છે. ગમે ત્યાં જવાની વાત આવે ત્યારે સૌથી પહેલો પ્રશ્ન ટ્રાફિકનો હોય છે. હવે, મુંબઈમાં બે નવા ફ્લાયઓવર હાલની ટ્રાફિકની દ્રષ્ટિએ ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. ભાયખલા અને મઝગાંવ વચ્ચે બે નવા ફ્લાયઓવર બનવા જઈ રહ્યા છે. જે મુંબઈવાસીઓને મોટી રાહત આપશે.
મુંબઈના આ મુખ્ય વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે ભાયખલામાં 916 મીટરનો કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવાની યોજના છે. આ જ બ્રિજને 892 મીટરના ફ્લાયઓવર દ્વારા મઝગાંવ સાથે જોડવામાં આવશે. આ બે પુલ દ્વારા દક્ષિણ મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવાની બીએમસીએ યોજના બનાવી છે. બીએમસી એ ભાયખલામાં 103 વર્ષ જૂના Y બ્રિજની જગ્યાએ નવો કેબલ-સ્ટેડ બ્રિજ બનાવવાની દરખાસ્ત મૂકી છે.
ભાયખલા અને મઝગાંવ વચ્ચે એલિવેટેડ કનેક્ટિવિટીના અભાવે વાહનચાલકોને રિચાર્ડસન, ક્રુડાલ જંકશન અને સબ્બુ સિદ્દીકી જંકશન થઈને મુસાફરી કરવી પડે છે. આના કારણે ભારે ટ્રાફિક જામ થાય છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલા ફ્લાયઓવર પ્રોજેક્ટના ભાગ રૂપે, જેજે ફ્લાયઓવરથી બીજો ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ભાયખલામાં આગામી Y ફ્લાયઓવર સાથે જોડાયેલો હશે. આનાથી દક્ષિણ મુંબઈને એક નવો હાઇ-સ્પીડ કોરિડોર મળશે.
ભવિષ્યમાં વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને ભાયખલામાં કેબલ સ્ટેઇડ બ્રિજ છ લેનનો બનાવવામાં આવશે. આ ફ્લાયઓવર પર એક સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવશે, જ્યારે મઝગાંવમાં ફ્લાયઓવર ચાર લેનનો બનાવવામાં આવશે. જેના કારણે સીએસએમટી (ફોર્ટ) અને ભાયખલા વચ્ચેનું અંતર ઘટશે. મુસાફરીનો સમય અડધો કલાકથી ઘટીને માત્ર 10 મિનિટનો થઈ જશે.
ભાયખલા કેબલ-સ્ટેડ બ્રિજ 78 ટકા પૂર્ણ થઈ ગયો છે અને નવેમ્બર 2026 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. બીજા ફ્લાયઓવર માટેની અંતિમ તારીખ 2028 છે અને આ ફ્લાયઓવર માટે વર્ક ઓર્ડર જારી કરવામાં આવ્યો છે.