Mon May 25 2026

Logo

મુંબઈમાં ઝરમર વરસાદ

2 hours ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
 છેલ્લા બે-ત્રણ દિવસથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે  રવિવારે મુંબઈ સહિત થાણે અને મીરા રોડ જેવા વિસ્તારોમાં સવારના હળવો ઝરમર વરસાદ વરસ્યો હતો.  ભારતીય હવામાન વિભાગે ચોમાસા પૂર્વેના વરસાદની (પ્રી-મોન્સુન શાવર) શરૂઆતની જાહેરાત કરી હતી.

મુંબઈમાં બે-ત્રણ દિવસથી સવારના વાદયિળું વાતાવરણ વચ્ચે રવિવારે સવારના મુંબઈના અનેક વિસ્તારો સહિત થાણે, નવી મુંબઈ અને મીરા રોડ જેવા વિસ્તારોમાં ઝરમર હળવા વરસાદના ઝાપટાં પડી ગયા હતા.  હવામાન વિભાગના વૈજ્ઞાનિક સુષ્મા નાયરે જણાવ્યું હતું કે શહેરમાં દિવસ દરમિયાન ઝરમર વરસાદ જોવા મળ્યો હતો, જે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો એક ભાગ છે. જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ વરસાદ ધીમે ધીમે તીવ્ર બનશે.

મુંબઈમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જતા બે-ત્રણ દિવસથી અસહ્ય ગરમી અને બફારોનો અનુભવ થઈ રહ્યો છે. શનિવારે તો છેલ્લા એક દાયકાનું સૌથી ઊંચુ  લઘુતમ તાપમાન નોંધાવાની સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઊંચુ નોંધાયુ હતું ત્યારે હવામાન વિભાગના જણાવ્યા મુજબ નૈઋત્યનું ચોમાસું આગળ વધી રહ્યું છે. 

સાન્તાક્રુઝ વેધશાળા મુજબ રવિવારે લઘુત્તમ તાપમાન ૨૯.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દક્ષિણ મુંબઈના કોલાબા વેધર સ્ટેશનમાં લઘુત્તમ ૨૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિવસના તાપમાન સતત ૩૦-ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાના કારણે મુંબઈવાસીઓ ઉકળાટભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. 

આ દરમ્યાન સવારના મુંબઈની સાથે જ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આવતા નવી મુંબઈ, મીરા રોડ સહિત થાણેમાં સવારના સમયમાં હળવો વરસાદ વરસી ગયો હતો. સવારના  કારણે થોડા સમય માટે સવારના ઠંડક પ્રસરી ગઈ હતી. જોકે બાદમાં ફરી તાપમાન ઊંચુ ગયું હતું. 

ઘણા દિવસોથી થાણેમાં તાપમાન ૪૦ સેલ્સિયસને પાર કરી ગયું હતું. દરમ્યાન રવિવારે વહેલી સવાર ૩-૩૦ વાગ્યાની આસપાસ છૂટાછવાયા ઝાપટા સાથે ૦.૨૫ મીમી વરસાદ પડ્યો હતો. જે બાદ સવારે ૭.૩૦ વાગ્યાની આસપાસ ૩.૦૫ મીમી વરસાદ નોંધાયો હતો. એક કલાક બાદ સવારે ૮-૩૦ વાગ્યાની આસપાસ ફરી છૂટોછવાયા વરસાદી ઝાપટા પડી ગયા હતા. થાણે ડિઝાસ્ટર કંટ્રોલના જણાવ્યા મુજબ થાણેમાં  ૨૪ કલાકમાં શહેરમાં કુલ ૩.૫૫ મીમી વરસાદ નોંધવામાં આવ્યો છે.