Mon May 25 2026

Logo

મુંલુંડ ડમ્પિંગની ૬૦ ટકા જમીન ડિસેમ્બર સુધીમાં  પાછી મળશે

58 minutes ago
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
અનેક મુદતો લંબાવ્યા પછી આખરે  મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર ૭૦ લાખ ટન  કચરાના બાયોરેમીડિયેશનનું લગભગ ૮૫ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. પાલિકા હવે ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં ડમ્પિંગ ગ્રાઉન્ડની  લગભગ ૬૦ એકર જમીન પાછી મેળવવાની અપેક્ષા રાખે છે. 

મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર કચરાના પ્રોસેસિંગની કામગીરી દૈનિક સ્તરે ૧૦,૦૦૦-૧૨,૦૦૦ ટન સુધી વધારી દેવામાં આવી હતી તેને કારણે  ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીમાં પંચાવન લાખ ટનથી વધુ કચરા પર પ્રક્રિયા થઈ ગઈ હતી. જોકે આ દરમ્યાન ખાડી દેશમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ડીઝલની અછત સર્જાઈ હોવાથી પ્રોજેક્ટને મોટો  ફટકો પડ્યો હતો.
 
પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ બાયો-માઇનિંગ અને કચરાના પ્રોસેસિંગ માટે જરૂરી ભારે મશીનરીના કામકાજ પર બળતણની અછત સર્જાઈ હતી. ચાર વખત મુદત પહેલાથી જ મંજૂર કરી હતી, તેથી કોન્ટ્રાક્ટરને બાકીનું કામ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. હવે ફરી એક વખત  મુદત લંબાવવામાં આવશે નહીં. અમને અપેક્ષા છે કે આગામી દિવસોમાં બાકી રહેલું ૧૫ ટકા કામ પૂર્ણ થઈ જશે, ત્યારબાદ આ વર્ષે લગભગ ૬૦ એકર જમીન પાછી મેળવવામાં આવશે.

મુંબઈમાં દરરોજ લગભગ ૭,૦૦૦ મેટ્રિક ટન કચરો ઉત્પન્ન થાય છે, જેમાંથી ૯૦ ટકા કચરો કાંજુરમાર્ગ પ્રોસેસિંગ પ્લાન્ટમાં પ્રોસેસ કરવામાં આવે છે અને ૧૦ ટકા હજુ પણ દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં નાખવામાં આવે છે. ૨૪ હેક્ટર મુલુંડ સાઇટ, જે ૧૯૬૮ થી કાર્યરત હતી અને એક સમયે શહેરની બીજી સૌથી મોટી લેન્ડફિલ હતી તેને ૨૦૧૮ માં સત્તાવાર રીતે બંધ કરવામાં આવી હતી. તે વર્ષે ઓક્ટોબરમાં પાલિકાએ બાયો-માઇનિંગ દ્વારા સાઇટને ફરીથી મેળવવા માટે રૂ. ૭૩૧ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે કચરા પર પ્રક્રિયા કરવા અને જમીન પુન:પ્રાપ્ત કરવા માટે એક પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ છે. જોકે કોવિડ-૧૯ ને કારણે અને મંજૂરીઓમાં વિલંબને કારણે વાસ્તવિક કાર્ય ૨૦૨૧ માં જ શરૂ થયું હતું.

મુંબઈમાં મુલુંડ અને દેવનારમાં બે મુખ્ય મહત્વના ડમ્પિંગ ગાઉન્ડ  છે, જ્યાં હાલમાં રિમેડિશન કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં બાયો-રિમેડિશન પૂર્ણ થવાના આરે છે, ત્યારે પાલિકા પ્રશાસને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડમાં લગભગ ૧૮૫ લાખ ટન કચરાના રિમેડિશન માટે સ્વીકૃતિ પત્ર પણ જારી કર્યો છે.