Sun Apr 19 2026

Logo

લીંબડી: આગની લપેટમાં ઘર આવતા દંપતીનું મોત, પરિવારમાં માતમ

1 day ago
Author: MayurKumar Patel
Article Image

AI Image


સુરેન્દ્રનગરઃ લીંબડીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળતા  ગૂંગળામણ અને દાઝી જવાના કારણે પતિ-પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાને લઈ ધારાસભ્ય પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

પરિવારજનોએ શું કહ્યું

મૃતકના પરિજનોના જણાવ્યા અનુસાર, દંપતી રાત્રે મોબાઈલ ફોન ચાર્જિંગમાં મૂકીને સૂઈ ગયું હતું. તે દરમિયાન મોબાઈલની બેટરી ફાટતા આગની જ્વાળાઓ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી અને પતિ-પત્ની ઊંઘમાં જ હોમાઈ ગયા હતા. 

તપાસ અધિકારીઓએ શું કહ્યું

સરકારી તંત્ર અને તપાસનીશ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું જણાય છે. આ દુર્ઘટનામાં પરિવારજનોએ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે લીંબડી જેવા શહેરમાં ફાયર બ્રિગેડની યોગ્ય સુવિધા નથી. આગ લાગ્યા બાદ સ્થાનિક તંત્ર લાચાર જણાતું હતું અને છેક સુરેન્દ્રનગરથી ફાયર ફાઈટરોને બોલાવવા પડ્યા હતા. આ વિલંબને કારણે આગ વધુ પ્રસરી અને દંપતીને બચાવી શકાયા નહીં.

ઘટનાની ગંભીરતાને જોતા સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા પણ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા અને પીડિત પરિવારને સાંત્વના પાઠવી હતી. આ ભયાનક આગમાં શબ્બીર બુરહાનભાઈ અને રસીદાબેન શબ્બીરભાઈએ જીવ ગુમાવ્યો હતો. ઘરમાં હાજર અન્ય એક વ્યક્તિને ફાયરની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.