Sun Apr 19 2026

Logo

સોશિયલ મીડિયાનો માયાવી પ્રેમ: ફેસબુક પર વાતો કરી, લગ્નની લાલચ આપીને રૂ. 1.83 લાખની કરી છેતરપિંડી

1 day ago
Author: Mumbaisamachar Team
Article Image

AI Image


 

ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા એક શખ્સે ગળપાદર વિસ્તારની બે સંતાનોની માતાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી રૂા. ૧.૮૩ લાખના દાગીના અને રોકડ પડાવી લીધાની ઘટના પ્રકાશમાં આવી છે. 

પ્રાપ્ત વિગતો મુજબ, ગળપાદર નજીક શાંતિધામ વિસ્તારમાં રહેતી અને બે બાળકોની માતા એવી ભોગ બનનાર મહિલાનો સંપર્ક ફેસબુકના માધ્યમથી રાજસ્થાનના હર્ષ શર્મા નામના શખ્સ સાથે થયો હતો. ધીરે ધીરે બંને વચ્ચે વાતચીત વધતા પ્રેમસંબંધ બંધાયો હતો. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી અને ગત તા. ૧૪ એપ્રિલના રોજ પોતે ગાંધીધામ આવી રહ્યો હોવાનું જણાવી મહિલાને રોકડ અને દાગીના સાથે તૈયાર રહેવા કહ્યું હતું.

પોતાના પ્રેમીના વિશ્વાસમાં આવી મહિલા ઘરના દાગીના અને રોકડ રકમ લઈ તેને મળવા પહોંચી હતી. આ સમયે હર્ષ શર્મા સાથે તેનો એક મિત્ર પણ હાજર હતો. ત્રણેય શખ્સો શહેરની ગોકુલ હોટલમાં રોકાયા હતા. હોટલના રૂમમાં આરોપીએ 'તારાથી દાગીના નહીં સચવાય' તેમ કહી તમામ ઘરેણાં પોતાની પાસે રાખી લીધા હતા. બીજા દિવસે સવારે, મોબાઈલ ફોનમાં સીમકાર્ડ સેટ કરાવવા અને બસની પૂછપરછ કરવાના બહાને આરોપીએ મહિલા પાસેથી મોબાઈલ ફોન પણ લઈ લીધો હતો અને બહાર ગયો હતો. કલાકો સુધી તે પરત ન ફરતા મહિલાએ નીચે રિસેપ્શન પર તપાસ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને શખ્સો હોટલમાંથી ચેક-આઉટ કરી નાસી છૂટ્યા છે.

છેતરપિંડીની આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત એ બહાર આવી છે કે, આરોપીએ હોટલના રજિસ્ટરમાં પોતાનું નામ રાકેશ સત્યનારાયણ નોંધાવ્યું હતું. કુલ રૂા. ૧,૮૩,૩૦૦ની મતાની છેતરપિંડી અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(ઉત્સવ વૈદ્ય)