Fri Apr 17 2026

Logo

AAP છોડનારા રાજુ કરપડાને મળીને કોંગ્રેસના ક્યા નેતાઓએ કોંગ્રેસમાં જોડાવા કરી ઓફર?

2 months ago
Author: MayurKumar Patel
Article Image

સુરેન્દ્નનગરઃ AAP છોડનારા રાજુ કરપડા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો  થઈ રહી છે. કોંગ્રેસ નેતાઓ તેમના સંપર્કમાં છે. પાલ આંબલિયા સહિતના કોંગ્રેસના નેતા તેમને મળ્યા હતા. બે દિવસ બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમની સાથે મુલાકાત કરશે. 

રાજુ કરપડાએ શું કહ્યું

કોંગ્રેસમાં જોડાવાની અટકળો વચ્ચે રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું- હજુ સુધી મેં કોઈ પક્ષ સાથે જોડાવાનો નિર્ણય લીધો નથી.

ભાજપના ધારાસભ્યએ પણ આપ્યું હતું આમંત્રણ

બે દિવસ પહેલા ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ તેમને ભાજપમાં જોડવા નિમંત્રણ આપ્યું હતું. તેમના નિમંત્રણથી ભાજપ સંગઠનને મજબૂત કરવા અન્ય પક્ષના પ્રભાવશાળી ચહેરાનો આવકારવા તત્પર હોવાનો સંકેત મળ્યો હતો. ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ કહ્યું, જો રાજુભાઈએ પરિવર્તન લાવવાનો વિચાર કર્યો હોય તો તેમનું સ્વાગત છે. ભાજપ વિશ્વની સૌથી મોટી રાજકીયા પાર્ટી છે, જે સતત વિકાસના એજન્ડા પર કામ કરી રહી છે. હું એક પક્ષના કાર્યકર અને પ્રચારક તરીકે રાજુભાઈને ભાજપમાં જોડાવા નિમંત્રણ આપું છું.

કોણ છે રાજુ કરપડા

રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દુધઈ ગામના વતની છે. રાજુ કરપડા 2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા બેઠક પરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો પરાજય થયો હતો. પાક વીમાની એક કંપની સામે ખેડૂત તરીકે છેતરપિંડી થયાની પોલીસ ફરિયાદ દાખલ કરાવીને રાજુ કરપડા સૌપ્રથમ લાઇમલાઇટમાં આવ્યા હતા.

2018 બાદ રાજુ કરપડા ખેડૂત આગેવાન સાગર રબારીની સંસ્થામાં જોડાયા હતા. તેમની સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિમણૂક થઈ અને તેમણે ખેડૂતોના પ્રશ્નોને લઈને લડત સુરેન્દ્રનગરના મૂળી તાલુકાથી શરૂ કરી હતી .તેમણે શરૂઆતમાં જમીન માપણીના પ્રશ્નોના મુદ્દે આંદોલનો કર્યાં હતાં. તે ઉપરાંત પાક વીમા યોજનાના પ્રશ્નોને લઈને પણ તેમણે આંદોલનો કર્યાં, જે સુરેન્દ્રનગર જિલ્લા પૂરતા જ હતા.

2021-22માં રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. 2022માં તેમને આમ આદમી પાર્ટીએ ચોટીલા વિધાનસભાની ટિકિટ આપી હતી અને તેઓ 45937 મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 11 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમણે રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.

રાજુ કરપડા પર કેસ અને વિવાદો

ચૂંટણીપંચ સમક્ષ તેમણે 2022માં દાખલ કરેલી ઍફિડેવિટ મુજબ તેમની સામેના ત્રણ ફોજદારી કેસો નોંધાયેલા છે. બે કેસ મૂળી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને ત્રીજો કેસ ચોટીલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. આ ઉપરાંત બોટાદમાં થયેલી હિંસા મામલે પણ એફઆઈઆરમાં તેમનું નામ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યું હતું.