Sun Apr 19 2026

Logo

કેરલમાં RSS અને ભાજપ કાર્યકરો પર બોમ્બ ફેંકવાના કેસમાં 10 લોકોને કોર્ટે આકરી સજા ફટકારી

20 hours ago
Author: Chandrakant Kanoja
Article Image

કન્નુર : કેરલના કન્નુરની એક કોર્ટે વર્ષ 2011ના બોમ્બ હુમલા કેસમાં 10 લોકોને દોષિત ઠેરવ્યા છે. જેમાં મુખ્ય આરોપીને 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે અન્યને 10 વર્ષ સુધીની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ ઘટનાના આરએસએસ અને ભાજપ કાર્યકરોને લઈ જતા વાહન પર સીપીએમના કાર્યકરોએ હુમલો કર્યો હતો. જેમાં  નવ લોકો ઘાયલ થયા હતા.

મુખ્ય આરોપી ટી.વી. બિનુને 25 વર્ષની જેલની  સજા 

કેરલના કન્નુર જિલ્લામાં તાલિપરમ્બાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે  આ ચુકાદો આપ્યો હતો. જેમાં  સરકારી વકીલના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી, ટી.વી. બિનુ ઉર્ફે ઉરુમ્બન બિનુને 25 વર્ષની સખત કેદની સજા ભોગવવી પડશે, કારણ કે તેણે જ વાહન પર બોમ્બ ફેંક્યો હતો.

જ્યારે અન્ય નવ આરોપીઓ એમ.કે. પ્રદીપકુમાર, પી.પી. સત્યાન, પી.વી. બાબુરાજ, ઇ.વી. વિનોદ કુમાર, વિજયન, કે.પી. સુરેશ, ટોબી, જનાર્દનન કે.વી. અને શિવપ્રકાશનો સમાવેશ થાય છે. તેમની વિરુદ્ધ  વિવિધ કલમો હેઠળ સજા ફટકારવામાં આવી છે. જોકે, તેમની સજા એક સાથે ચાલશે  તેથી તેઓ મહત્તમ 10 વર્ષની જેલની સજા ભોગવશે.આ ઉપરાંત કોર્ટે તમામ દોષિતોને  રૂપિયા 2.6 લાખનો દંડ પણ ફટકાર્યો છે. 

બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે વાહનમાં 30 કાર્યકરો હતા 

ઉલ્લેખનીય છે કે, આ ઘટના 27 નવેમ્બર 2011 ના રોજ બની હતી. જ્યારે થિમિરી કોલેજ નજીક આરએસએસ  અને ભાજપ કાર્યકરોને લઈ જતા વાહન પર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો. જેમાં ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં  આરએસએસ શાખા  ખોલવા અંગે બંને જૂથો વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. જેમાં એક દિવસ પહેલા જ અથડામણ પણ થઈ હતી. જ્યારે બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે વાહનમાં 30 કાર્યકરો હતા. જેમાંથી નવને હુમલામાં ગંભીર ઈજાઓ થઈ હતી.