Fri Apr 17 2026

Logo

રણવીર સિંહને કર્ણાટક હાઈ કોર્ટની નોટિસઃ કહ્યું, તમે સુપરસ્ટાર હોઈ શકો, પણ નિવેદનો માટે જવાબદાર રહો

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

બેંગલુરુ: બોલીવુડના સુપરસ્ટાર રણવીર સિંહ અત્યારે એક ગંભીર કાનૂની વિવાદમાં ફસાયા છે. ગોવામાં આયોજિત 56માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (IFFI) દરમિયાન રણવીરે ફિલ્મ 'કાંતારા'ના પાત્રની નકલ કરતી વખતે કરેલી ટિપ્પણીને કારણે કર્ણાટકના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રણવીર પર આરોપ છે કે તેમણે પ્રસ્તુતિ દરમિયાન એક પવિત્ર દેવતા વિશે અયોગ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. આ મામલે હવે કર્ણાટક હાઈ કોર્ટે રણવીર સિંહને નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.

જસ્ટિસ એમ. નાગપ્રસન્નાની બેન્ચ સમક્ષ જ્યારે આ મામલો સુનાવણી માટે આવ્યો ત્યારે કોર્ટે રણવીર સિંહના વલણ સામે નારાજગી વ્યક્ત કરી હતી. જોકે, કોર્ટે રાહત આપતા જણાવ્યું હતું કે 2 માર્ચના રોજ થનારી આગામી સુનાવણી સુધી રાજ્ય સરકાર રણવીર સિંહ વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી નહીં કરે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે સંબંધિત પક્ષોએ આગામી તારીખ સુધીમાં પોતાની વાંધા અરજીઓ દાખલ કરવી પડશે. આ વચગાળાની રાહત બાદ હવે સૌની નજર 2 માર્ચની સુનાવણી પર ટકી છે.

સુનાવણી દરમિયાન જજ નાગપ્રસન્નાએ જાહેર હસ્તીઓના પ્રભાવ પર ભાર મૂકતા કહ્યું હતું કે, "તમે રણવીર સિંહ હોઈ શકો છો કે સુપરસ્ટાર હોઈ શકો છો, પરંતુ તમારે તમારા નિવેદનો પ્રત્યે જવાબદાર હોવું જોઈએ." કોર્ટે વધુમાં ઉમેર્યું કે, ઋષભ શેટ્ટી દેવી ચામુંડીનું પાત્ર ભજવી રહ્યા હતા અને સ્ટેજ પર કોઈપણ દેવતા કે ધાર્મિક પ્રતીકની નકલ હળવાશથી ન લઈ શકાય. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે તમારી માફીથી તમારા શબ્દો પાછા નહીં ખેંચાય, કારણ કે ઈન્ટરનેટ ક્યારેય કશું ભૂલતું નથી.

રણવીર સિંહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સાજન પૂવૈયાએ શરૂઆતમાં જ સ્વીકાર્યું હતું કે રણવીરના નિવેદનો બેદરકારીવાળા હતા અને તે માટે તેઓ ક્ષમાપ્રાર્થી છે. તેમણે કોર્ટને વિનંતી કરી કે રણવીરે અજાણતા આ ભૂલ કરી છે. બીજી તરફ, ફરિયાદ પક્ષના વકીલે ભાવુક થઈને કહ્યું હતું કે તેઓ (રણવીર) કર્ણાટકના જમાઈ છે, પરંતુ તેમના આ નિવેદને અમારા હૃદય પર નહીં પણ આત્મા પર ઘા કર્યો છે." કોર્ટે પણ સહમતી દર્શાવતા કહ્યું કે કોઈ પણ વ્યક્તિ રાજ્યના લોકોની આસ્થા સાથે રમત કરી શકે નહીં.