Fri Apr 17 2026

Logo

ક્રૂડતેલે પ્રતિ બેરલ 100 ડૉલરની સપાટી કુદાવતા રૂપિયો 15 પૈસા ખાબકીને નવાં તળિયે

1 month ago
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 
મુંબઈઃ
પશ્ચિમ એશિયાના ભૂરાજકીય તણાવને પગલે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ બેરલદીઠ 100 ડૉલરની સપાટી કુદાવી ગયાના અહેવાલ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ગઈકાલે ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન બાવીસ પૈસા ખાબકીને અંતે 15 પૈસાના ઘટાડા સાથે 92.40ની નવી નીચી સપાટીએ બંધ રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 92.25ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 92.33ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.47 અને ઉપરમાં 92.28ની રેન્જમાં રહ્યા બાદ અંતે 15 પૈસાના ઘટાડા સાથે 92.40ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયો 24 પૈસાના ધોવાણ સાથે 92.25ની સપાટીએ રહ્યો હતો. 

આજે વિશ્વ બજારમાં મજબૂત ડૉલર, ક્રૂડતેલના ભાવમાં વધારો, ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જેવાં કારણોસર રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું મિરે એસેટ્‌‍ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ક્રૂડતેલના ભાવ વધી આવતાં ફુગાવામાં વધારો થવાના જોખમોને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો 92.10થી 92.80ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.43 ટકા વધીને 100.17 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 1.41 ટકા વધીને બેરલદીઠ 101.9 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ સ્થાનિક સ્તરે આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 1470.50 પૉઈન્ટનો અને 488.05 પૉઈન્ટનો કડાકો બોલાઈ જવાની સાથે ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 7049.87 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.