ભારતમાં ઉનાળાની શરૂઆત થતા જ શેરડીનો રસ, લસ્સી અને શરબત જેવા દેશી પીણાની માગમાં ધરખમ વધારો જોવા મળે છે. જોકે, આ વખતે બજારમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્વાસ્થ્ય પ્રત્યે સભાન ભારતીયો હવે રિફાઈન્ડ સુગર એટલે કે પ્રોસેસ કરેલી ખાંડથી અંતર જાળવી રહ્યા છે. લોકો હવે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને જાળવવા માટે ખાંડના સ્થાને કુદરતી મધનો ઉપયોગ કરવાનું પસંદ કરી રહ્યા છે. લોકોમાં એવી સમજ વધી છે કે ખાંડના નુકસાન સામે મધ એક સુરક્ષિત અને પૌષ્ટિક વિકલ્પ છે.
ખાંડનું બજાર ઘટ્યું અને મધની માગમાં ઉછાળો
ઈન્ડિયન શુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ISMA) ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025-26માં ખાંડનો વપરાશ અગાઉના અંદાજ કરતા ઘટીને 27.7 કરોડ ક્વિન્ટલ રહેવાની શક્યતા છે. બીજી તરફ, ભારતીય હની માર્કેટમાં વાર્ષિક 7 થી 10 ટકાનો ગ્રોથ જોવા મળી રહ્યો છે. હાલમાં મધનું માર્કેટ અંદાજે 2889 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. આ આંકડા સાબિત કરે છે કે લોકો હવે માત્ર ગળપણ નહીં, પણ ગુણવત્તા પાછળ ખર્ચ કરી રહ્યા છે.
કેમ મધ ખાંડ કરતા વધુ ગુણકારી છે?
નિષ્ણાતોના મતે, સીધું મધપૂડામાંથી મેળવેલું 'રો હની' (Raw Honey) વિટામિન્સ, મિનરલ્સ અને એન્ઝાઈમ્સથી ભરપૂર હોય છે. જ્યારે ખાંડ બનાવવાની પ્રક્રિયામાં તેના તમામ પોષક તત્વો નષ્ટ થઈ જાય છે અને માત્ર કેલરી જ બાકી રહે છે. ડો. પી. સિંહ જણાવે છે કે ખાંડ શરીરમાં સોજો (Inflammation) વધારે છે, જ્યારે મધ લો-ગ્લાયસેમિક હોવાથી બ્લડ શુગરને અચાનક વધવા દેતું નથી. ખાસ કરીને ઉનાળામાં મધનું સેવન પાચનતંત્ર અને મેટાબોલિઝમ માટે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
કુદરતી હોવા છતાં મર્યાદા જરૂરી
મધ સ્વાસ્થ્યપ્રદ ચોક્કસ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો બેફામ ઉપયોગ કરવો જોઈએ. મધમાં પણ કેલરીનું પ્રમાણ વધુ હોય છે, તેથી જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો વજન વધી શકે છે. હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે મધને સંતુલિત આહારના ભાગ રૂપે લેવું હિતાવહ છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ બાદ જ તેનો વપરાશ કરવો જોઈએ.
અસલી અને નકલી મધને ઓળખવાની રીત
બજારમાં મળતું મધ અસલી છે કે ભેળસેળિયું તે તપાસવા માટે કેટલીક સરળ પદ્ધતિઓ છે. પાણીના ગ્લાસમાં એક ચમચી મધ નાખતા જો તે નીચે બેસી જાય તો તે શુદ્ધ છે, પણ જો તરત ઓગળી જાય તો તેમાં ભેળસેળ છે. તે જ રીતે, મધમાં પલાળેલી માચિસની તીલી જો સળગે તો મધ શુદ્ધ છે. ટિશ્યુ પેપર પર મધ રાખવાથી જો કાગળ ભીનો ન થાય, તો સમજવું કે મધમાં પાણીની ભેળસેળ નથી.