Fri Apr 17 2026

Logo

ખાંડ મોસમ 2025-26 માટે સરકારે વધુ 87,587 ટન ખાંડનો નિકાસ ક્વૉટા ફાળવ્યો

1 month ago
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ ખાંડ મિલોની માગણીને ધ્યાનમાં લેતા અનાજ મંત્રાલયે ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ 2025-26ની ખાંડ મોસમમાં ખાંડની નિકાસ માટે અતિરિક્ત 87,587 ટન ખાંડનો ક્વૉટા જાહેર કર્યો હોવાનું મંત્રાલયે એક યાદીમાં જણાવ્યું છે. 

નોંધનીય બાબત એ છે કે અગાઉ સરકારે વર્તમાન ખાંડ મોસમમાં નિકાસ માટે 15 લાખ ટનના ક્વૉટાની જાહેરાત કરી હતી અને ગત ફેબ્રુઆરી મહિનામાં નોન સ્વેપેબલ ધોરણે વધુ પાંચ લાખ ટનનો ક્વૉટા જાહેર કર્યો હતો. મિલોને વધારાના પાંચ લાખ ટન ક્વૉટા પૈકી નિકાસ માટે અરજી કરવાનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ તે પૈકી માત્ર 87,587 ટનની અરજી કરવામાં આવી હતી અને તેને મંજૂરી પવામાં આવી છે અને હવે બાકીનો ક્વૉટા સમાપ્ત થયો છે. 

ફાળવવામાં આવેલા ક્વૉટાની ખાંડ મિલોએ આગામી 30મી જૂન, 2026 સુધીમાં નિકાસ કરવાની રહેશે, જે મિલોએ તે તારીખ સુધીમાં તેમના નિકાસ ક્વૉટાના ઓછામાં ઓછા 70 ટકાની નિકાસ કરવી પડશે, તેમને 30મી સપ્ટેમ્બર, 2026 સુધીમાં બાકીની ખાંડની નિકાસ માટે મંજૂરી આપવામાં આવશે. તેમ જ 70 ટકાની મર્યાદાની નિકાસ પૂરી કરવામાં નિષ્ફળ જનરા માટે વણવપરાયેલો ક્વૉટા પૂર્ણ થઈ જશે જેને કારણે ઉચ્ચ પ્રદર્શન કરતી અથવા તો નિકાસ ઈચ્છુક મિલોને તે ક્વૉટાની પુનઃફાળવણી કરવામાં આવે તેવી સંભાવના છે. 

જોકે, અનિવાર્ય કારણો સિવાય ફાળવેલા ક્વૉટાનું એક્સ્ટેન્શન આપવામાં નહીં આવે અને નોન સ્વેપેબલ ક્વૉટા હોવાથી તે ક્વૉટા અન્ય મિલોને પણ પસાર નહીં કરી શકાય. વધુમાં ક્વૉટા ફાળવણી પૈકી 70 ટકા નિકાસ ન કરી શકનાર મિલોને ભવિષ્યની ક્વૉટા ફાળવણીમાંથી દૂર રાખવામાં આવે તેવી પણ શક્યતા છે. દા.ત. એક મિલને 1000 ટનનો ક્વૉટા ફાળવવામાં આવ્યો છે, પરંતુ તે 30મી જૂન સુધી 400 ટન જ નિકાસ કરી શકે તો આગામી ફાળવણીમાં 300 ટનનો કાપ મૂકવામાં આવશે. 

વધુમાં ફાળવાયેલા ક્વૉટામાં કોઈપણ ગે્રડની ખાંડ ફાળવાયેલી મર્યાદામાં નિકાસ કરી શકાશે. ક્વૉટા પસાર કરી નહીં શકાય છે. મિલો દ્વારા પૂરી પાડવામાં આવતી કાચી ખાંડમાંથી રિફાઈન્ડ ખાંડની નિકાસ કરતી રિફાઈનરીઓ દ્વિપક્ષીય અથવા ત્રિપક્ષીય કરાર હેઠળ નિકાસ કરી શકે છે. જોકે, જથ્થો મૂળ મિલોના ક્વૉટામાં રહે છે. જોકે, માર્ચ, 2025નાં આદેશ હેઠળ અગાળ સ્ટોકહોલ્ડિંગ મર્યાદાનું ઉલ્લંઘન કરતી મિલો આ મોસમના ક્વૉટા માટે અયોગ્ય છે. 

ઉદ્યોગની આંકડાકીય માહિતી અનુસાર વર્તમાન મોસમ માટે ફાળવાયેલા 15 લાખ ટન ખાંડની નિકાસના ક્વૉટા પૈકી ગત ઑક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન 3.15 લાખ ટન ખાંડની નિકાસ થઈ છે.