Fri Apr 17 2026

Logo

મહારાષ્ટ્ર બજેટ સત્રઃ એકનાથ શિંદેએ અજિતદાદાની વહીવટી પકડ અને વ્યક્તિત્વને બિરદાવ્યું

1 month ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ મહારાષ્ટ્રના બજેટ સત્રમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ અજિત પવારના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. 'લાખોનો પાલનહાર ચાલ્યો જાય અને લાખો લોકો અનાથ થઈ જાય, આવી જ કંઇક સ્થિતિ અજિતદાદાના જવાથી થઈ છે. દાદા, રાજકારણમાં તમે લીધેલા અનેક નિર્ણયો અચૂક હતા, પરંતુ આ દુનિયાથી વિદાય લેવાનો તમારો નિર્ણય તો ખોટો હતો. તેને પાછો ખેંચો અને પાછા આવો,' આવા ભાવુક શબ્દોમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દિવંગત નેતા અજિત પવારને વિધાન પરિષદમાં શ્રદ્ધાંજલિ અર્પિત હતી. 

અજિત પવારની યાદો તાજી કરતા એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 'હું, દેવેન્દ્રજી અને અજિતદાદા એટલે કે રાજ્યની સ્થિરતાનો એક મજબૂત 'ટ્રાયંગલ ઓફ સ્ટેબિલિટી' હતા. અમે ત્રણેય સાથે આવ્યા એટલે જ મહારાષ્ટ્રની પ્રગતિ ઝડપથી ચાલી રહી હતી. ૨૮ જાન્યુઆરીના તે કાળા દિવસે અમારો આ આધાર છીનવી લીધો. દાદા ક્યારેય સમય ચૂકતા નહોતા, પરંતુ તે દિવસે કુદરતે દગો કર્યો.'

તેમણે વધુમાં કહ્યું કે વહીવટ પર તેમની મજબૂત પકડ હતી. હાથમાં ફાઇલ લીધાની થોડીક સેકન્ડોમાં, તેમની આંખો કાગળ સ્કેન કરતી અને તેમાં કોઈ ભૂલ ઝડપથી શોધી કાઢતી. ભલે તે એક સાદો વાયર લટકતો હોય કે પગથિયું યોગ્ય રીતે ન લગાવેલું હોય તો તેઓ અધિકારીઓને ઠપકો આપતા. 

દાદા બહારથી કઠોર દેખાતા હોવા છતાં, અંદરથી ખૂબ જ નરમ દિલના હતા. લાડકી બહિણ યોજના માટે ૪૬ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરતી વખતે તેમણે અર્થતંત્રમાં સારું સંતુલન જાળવી રાખ્યું હતું,' શિંદેએ જણાવ્યું હતું.